Success Story

માનસી પટેલ : ફ્રીલાન્સર તરીકેની મારી શરૂઆત રહી રોલરકોસ્ટર રાઇડ જેવી

divyabhaskar.com | Last Modified - Sep 07, 2018, 12:32PM IST
 • માનસી પટેલ : ફ્રીલાન્સર તરીકેની મારી શરૂઆત રહી રોલરકોસ્ટર રાઇડ જેવી

  દિવ્યશ્રી ડેસ્ક:જીવન એકધારી નિયમિતતાથી પસાર થતું હોય અને તમે એકદમ જિપ્સી જીવન નક્કી કરવાનું કરો ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય? બસઆવું જ કંઈક થયું જ્યારે સારા પગારની જોબ છોડીને ફ્રીલાન્સ જર્નલિસ્ટ તરીકે કામ કરવાનો નિર્ણય લીધો. અત્યારે તો કામ પૂરપાટ ચાલી રહ્યું છે અને હા આર્થિક રીતે તેનો ફાયદો પણ મળે છે. જો કે ફ્રીલાન્સર તરીકેની શરૂઆત થોડી અસમંજસ ભરેલી અને સંઘર્ષભરી રહી.

   

   

  ફ્રીલાન્સર તરીકે નાવ હતી હાલકડોલક
  વર્ષ 2005થી બીએપીએસના ‘પ્રેમવતી’ મેગેઝિન, ‘દિવ્ય ભાસ્કર’ અને ત્યાર બાદ ‘સંદેશ’માં ‘નારી’ પૂર્તિના સબ એડિટર, તથા ‘ગ્લોબલ ગુજરાત ન્યૂઝ’ વેબસાઇટ સુધીની સફર તો જર્નલિઝમમાં મઝાની રહી. ખરી મુસીબત શરૂ થઈ વર્ષ 2014માં. જ્યારે કંપનીના માલિકોએ નક્કી કર્યું કે હવે તેઓ વેબસાઇટ અને મેગેઝિનને આગળ નહીં ચલાવે. અચાનક જ્યારે સમગ્ર સ્ટાફને આવું કહેવામાં આવે તો ધરતીકંપ થયો હોય તેવું લાગે એ સ્વાભાવિક છે. મારી સામે પણ અચાનક આવી જ સ્થિતિ ઉભી થઈ અને બીજી નોકરીની શોધ શરૂ કરી. મારી એ ગડમથલ હતી કે નવી નોકરી ક્યાં શોધવી ? જો કે કહેવાય છેને કે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય તો એક દરવાજો આપોઆપ ખોલી જાય છે. મારી સાથે પણ કંઇક આવું જ થયું, નોકરીની શોધવાના વિચારો મનમાં ચાલતા હતા કે ત્યાં દૂરદર્શનમાંથી કોલ આવ્યો કે 'તમે રિપોર્ટર અને કોપી એડિટર તરીકે પસંદગી પામ્યા છો. ભગવાનનો આભાર માન્યો અને મેં ઓફર સ્વીકાર લીધી. 

   

   

   

  પત્રકારત્વના નામે એડવર્ટોરિયલ લખવા નહોતા એટલે સારા પગારને કહી અલવિદા
  એક સારી અને કાયમી જોબ શોધવાનું  વિચારતી હતી એ દરમિયાન એક મહિલા મેગેઝિન સાથે સંપર્ક થતાં ઇન્ટરવ્યૂ ગોઠવાયો અને સારા કહી શકાય એવા પગાર માટે જોબ ઓફર થઈ. ત્યાં કામ કરવાનું શરૂ થયું તો ખબર પડી કે અહીં તો ઇન્ટરવ્યૂના નામે એડવર્ટોરિયલ લખ્યા કરવના હતા. મારો જીવ ત્યાં ગૂંગળાવા માંડ્યો એક મહિનો તો માંડ માંડ પસાર થયો અને મેં મેગેઝિનનું કામ છોડી દીધું.

   

   

  યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે
  આ બધા જ જોબના અનુભવો બાદ નક્કી કર્યું કે હવે ફ્રીલાન્સ સિવાય કોઈ કામ જ નથી કરવું. જે થાય એ જોયું જશે. જે કામ માટે તમે સજજ હો, પોઝિટિવ હો તેના માટે તમને આગળ વધવાના રસ્તા મળી જ રહે છે. હું પણ ‘કચ્છમિત્ર’, ‘પ્રાણવાયુ’ મેગેઝિન, ‘સંદેશ સ્ત્રી’ મેગેઝિન, ‘ગુજરાત ગાર્ડિયન’, દૂરદર્શન, ‘આરપાર’ મેગેઝિન, ‘વન ઇન્ડિયા ગુજરાતી’, ‘ફીલિંગ્સ’ મેગેઝિન, GSTV અને હવે ‘ચિત્રલેખા’ સાથે જોડાતી ગઈ અને ફ્રીલાન્સર તરીકેનું કામ શરૂ કરી દીધું. ફ્રીલાાન્સિંગના કામમાં સતત વ્યસ્ત રહીને કામ કરવાનો એક અનેરો આનંદ મળે છે. જો કે આ ક્ષેત્રમાં પણ સ્પર્ધા છે ત્યારે હું  કોઈની લીટી ભૂંસવાના નહીં પરંતુ મારી લીટી લાંબી કરવાના નિયમ સાથે ચાલી રહી છું અને મારા કામને 100 પર્સન્ટ આપવાની કોશિશ કરૂ છું. ફ્રીલાન્સિંગ ક્ષેત્રમાં મારી સફળતાનો બસ આજ મંત્ર છે કે શ્રેષ્ઠ કામ આપવું. 

   

   

  આર્થિક પાસું, આગવી ઓળખ અને નવા અનુભવનો સમન્વય
  ફ્રીલાન્સર તરીકે કામ કરો નોકરીની જેમ મહિનાના અંતે શરૂઆતમાં કોઈ મોટી કે ચોક્કસ રકમ હાથ ન લાગે, વળી કેટલાક તો એવું જ માની લે કે ફ્રીલાન્સર છે એટલે ફ્રીમાં લખશે. મારું માનવું છે કે આપણે રોજના 8-9 કલાક સરેરાશ કામ કરીએ તે મહેનતની કિંમત આપણને મળવી જ જોઈએ. ફ્રીલાન્સર તરીકેના સારા અનુભવોએ સતત આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી. આજથી પાંચ વર્ષ પહેલાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કોઈ લખવા નહોતું માગતું ત્યારે ‘ગુજરાત ગાર્ડિયન’માં છપાતી ઇન્ટરવ્યૂ કોલમ દ્વારા મારી એક આગવી ઓળખ ઊભી થઈ.

   

   

  મોકળાશની સાથે જવાબદારી પણ ખરી
  ફ્રીલાન્સર તરીકે મોટી શાંતિ એ કે તમારે રજા માગવાની નથી રહેતી, પરંતુ ડેડલાઇન સાચવવી એ મૂળભૂત જવાબદારી છે. તમે જોબ કરતા હો તો કટોકટીના સમયમાં કોઈ બીજી વ્યક્તિ તમારું કામ કરી લે, પરંતુ ફ્રીલાન્સર તરીકે આપની પાસે આ વિકલ્પ નથી હોતો. ડેડલાઈન મુજબ કોઈપણ પરિસ્થિતિમાં આર્ટિકલ તૈયાર કરવાની ચેલેન્જ પણ હોય છે. આ ફિલ્ડમાં કોઇ પર અપેક્ષા રાખ્યા વિના આપણી ક્ષમતા અને સામર્થ્ય સાથે આગળ વધવાનું હોય છે. 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી