Success Story

ચેતના પટેલ: સ્વાદથી શૅફ સુધીની સંતોષ અને સફળતા ભરી રહી મારી સફર

divyabhaskar.com | Last Modified - Sep 26, 2018, 14:18PM IST
 • ચેતના પટેલ: સ્વાદથી શૅફ સુધીની સંતોષ અને સફળતા ભરી રહી મારી સફર

  દિવ્યશ્રી ડેસ્ક: જો ઇચ્છાશક્તિ પ્રબળ હોય તો દરેક સપનાને ઉડાન અને આકાશ મળી જાય છે. જી હા, મેં આ હકીકતને મારા જીવનમાં અનુભવી છે. મને રસોઈનો પહેલેથી શોખ હતો, પણ આ અંગે કંઈ ખાસ નોલેજ ન હતું. પરંતુ મારી પ્રબળ ઇચ્છાના કારણે મેં હોટેલ મેનેજમેન્ટ અને બેકરી શૅફનો અભ્યાસ કર્યો અને આજે હું ન માત્ર કૂકિંગ ક્લાસ ચલાવું છું, પરંતુ શૅફને ટ્રેનિંગ પણ આપું છું અને મારી યુટ્યુબ ચેનલ પણ ચલાવું છું. 

   

   

  એક મોકાએ અપાવ્યો આત્મવિશ્વાસ 
  હું નાની હતી ત્યારથી જ કૂકિંગમાં રુચિ ધરાવતી હતી. મને નવી નવી રેસિપી ટ્રાય કરવી ખૂબ જ ગમે. મારું પિયર સુરત છે. સુરતમાં અમારા પટેલ સમાજના કૂકિંગ ક્લાસ શરૂ થયા. આ વાત આજથી 27 વર્ષ પહેલાંની છે. રસોઈ મારા રસનો વિષય હોવાથી મેં પણ ક્લાસ જોઈન કર્યા. જો કે મને પહેલાથી કૂકિંગ વિશે થોડું ઘણું નોલેજ હતું અને હું બહુ બધી રેસિપી જાણતી હતી. તેથી મેં કૂકિંગ ક્લાસમાં ક્લાસ લેવાની રજૂઆત કરી, પરંતુ મારી ઉંમર નાની હોવાથી કોઈએ મારા ટેલેન્ટ પર વિશ્વાસ ન કર્યો. મને ચાન્સ ન મળ્યો. જો કે હું વારંવાર આવો આગ્રહ રાખતી હતી કે મને ક્લાસ લેવાનો અને રેસિપી શીખવાનો એકવાર ચાન્સ આપવામાં આવે. 

   

   

  ભાગ્યવશ મને મળ્યો મોકો
  મારો આગ્રહ કાયમ રહ્યો કે એક દિવસ હું કૂકિંગના ક્લાસ લઉં. જો કે એક દિવસ સંજોગાવશાત્ બન્યું એવું કે કૂકિંગ એકસપર્ટ આવી શકે તેમ ન હતા. આવી સ્થિતિમાં ક્લાસ લેવા માટે હું જ એક વિકલ્પ તે લોકો પાસે હતો. મને ચાન્સ આપવામાં આવ્યો અને મેં 150 બહેનોનો કૂકિંગનો ક્લાસ લીધો અને આ ક્લાસમાં મેં ખાંડવી, સેવૈયાની બાસુંદીની બે રેસિપી શીખવી. મારી રેસિપી જોઇને બધી જ બહેનો ખુશ થઈ ગઈ. આ ઘટના બાદ કૂકિંગ કલાસમાં આવતી બહેનોએ જ રજૂઆત કરી કે મને વીકમાં એક ક્લાસ લેવા દેવામાં આવે. બધી જ બહેનોના આગ્રહથી મને આ ચાન્સ મળ્યો અને હું વીકમાં એકવાર કૂકિંગ ક્લાસ લેતી હતી. આ ક્લાસીસમાં મેં બહુ લાંબા સમય સુધી ફ્રીમાં સેવા આપી.  

   

   

  હોટેલ મેનેજમેન્ટ બાદ શરૂ કર્યા કૂકિંગ ક્લાસ 
  મેરેજ બાદ મેં હોટલ મેનેજમેન્ટ અને બેકરી શૅફનો કોર્સ કર્યો. આ કોર્સ કર્યા બાદ મેં મારા રસોડામાં જ કૂકિંગ ક્લાસ શરૂ કર્યા. મેં માત્ર પાંચ બહેનોથી મારા ઘર પર જ કૂકિંગ ક્લાસ શરૂ કર્યા હતા. જો કે બહેનોની સંખ્યા વધતાં મેં અન્ય સ્થળ પર ક્લાસ શરૂ કર્યા. અત્યાર સુધીમાં હું 12,000 બહેનોને કૂકિંગ શીખવી ચૂકી છું. મારા ક્લાસમાં ફૂડ રિલેટેડ 70 કોર્સ ચાલે છે. આટલું જ નહીં. મારા કૂકિંગ ક્લાસીસનું કામ વધી જતાં મેં પાંચ થી છ લોકોને સર્વિસ પર પણ રાખ્યા છે. તો આ કામ થકી પાંચથી છ લોકોને રોજગારી પણ મળે છે. 

   

   

  શૅફને આપું છું ટ્રેનિંગ
  કૂકિંગ સાથે જોડાયેલા બધાં જ કામ હું હોંશે હોંશે કરું છું. જી હા, સામાન્ય ગૃહિણીને કૂકિંગ ક્લાસ શીખવવાની સાથે હું શૅફને પણ ટ્રેનિંગ આપું છું. આટલું જ નહીં, મારી યૂટ્યુબ ચેનલ પણ ચાલે છે. આ સાથે અમે હોમ ડિલિવરી ફૂડ સર્વિસ પણ ટૂંક સમયમાં શરૂ કરવા જઇ રહ્યાં છીએ.

   

   

  મહિને અંદાજિત ત્રણ લાખની કમાણી
  શોખને જ્યારે તમે વ્યવસાય તરીકે પસંદ કરો ત્યારે સંતોષ જ મોટી કમાણી હોય જો કે હું આ મારા કામથી સારી એવી કમાણી પણ કરું છુ. મહિને અંદાજિત ત્રણ લાખ રૂપિયાની કમાણી હું કૂકિંગ ક્લાસ દ્વારા કરી લઉં છું.

   

   

  કાર્યને મળ્યું સન્માન
  મારા આ શોખને કારણે સંતોષ અને આર્થિક સમૃદ્ધિની સાથે મને સન્માન પણ મળ્યું છે. અમારા પટેલ સમાજ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું હતું. માત્ર મને મારી જ્ઞાતિમાં જ નહીં, પણ અન્ય અનેક સ્થળોએ સન્માન મળે છે અને હું અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશનમાં પણ બેકરી શૅફ એક્સપર્ટ તરીકે જાઉં છું. આ સિવાય ETVના રસોઈ શોમાં પણ એકસપર્ટ તરીકે ભાગ લઈ ચૂકી છું. 

   

   

  મારો ફ્યુચર પ્લાન
  આ બિઝનેસને લઈને મારો ફ્યુચર પ્લાન એવો છે કે હું એક એવી સુપર રેસ્ટોરાં ખોલવા માગું છું જે ગુજરાતની એક માત્ર હોય. હું કૂકિંગ અને ફૂડની એક મોટા પાયે ઇન્સ્ટિટ્યૂટ પણ ખોલવા ઇચ્છું છું. 

   

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી