Success Story

મહાદેવ બૂટીકના ફાઉન્ડર શિલ્પા કહે છેઃખુદના બોસ બનવું હતું માટે બિઝનેસ કર્યો

divyabhaskar.com | Last Modified - Sep 18, 2018, 19:56PM IST
 • મહાદેવ બૂટીકના ફાઉન્ડર શિલ્પા કહે છેઃખુદના બોસ બનવું હતું માટે બિઝનેસ કર્યો

  દિવ્યશ્રી ડેસ્ક: અમદાવાદની 'કુબેરનગર સિંધી માર્કેટ'માં પરિવારના પુરૂષ સભ્યની મદદ વગર વ્યવસાય કરનારી હું એક માત્ર મહિલા ઉધોગ સાહસિક છું.મેં બીકોમ સુધી અભ્યાસ કર્યા બાદ make my trip માં એક વર્ષ સુધી રિપ્રેઝન્ટેટિવની નોકરી કરી હતી.આ નોકરી દરમ્યાન જ વિચાર આવે છે કે ખુદનો વ્યવસાય કરવો જોઈએ.હું સિંધી સમાજમાંથી આવું છું ત્યારે સ્વાભાવિક છે કે વ્યવસાય ગળથૂથીમાં હોય.જોકે મારા પરદાદા સુધી બધા વ્યવસાય કરતા હતા પણ મારા દાદા અને પપ્પાએ નોકરી કરવાનું પસંદ કર્યું હતું.આથી મને હતું કે હું અમારા વડવાઓની જે પરંપરા છે તેને આગળ વધારું.


  અનુભવનો અભાવ હતો પણ ઉત્સાહનો નહીં
  મેં વર્ષ-2014 માં make my trip ની ફિક્સ ઈન્કમ વાળી નોકરી છોડી ખુદનો વ્યવસાય શરૂ કર્યો.નોકરી છોડી વ્યવસાય કરવાનો નિર્ણય તો લઈ લીધો પણ ખબર નહોતી કે કયો વ્યવસાય કરીશું.બૂટીકના ફિલ્ડમાં બિઝનેસ કરવાનુ નક્કી કર્યું પણ પહેલા કીધું તેમ કોઈ જ અનુભવ નહોતો.મારા મમ્મી ભગવાન મહાદેવના પરમ ભક્ત છે માટે 'મહાદેવ બૂટિક' નામ રાખવાનું નક્કી થાય છે.


  પ્રારંભે પ્રતિકૂળતાના પર્વતો ઓળંગ્યા
  નોકરી દરમ્યાન જે બચત કરી હતી તે રકમ ઉપરાંત મારા મમ્મીએ આપેલા પૈસા સહિત કુલ 2 લાખની મૂડી સાથે બિઝનેસ શરૂ કર્યો હતો.બિઝનેસ પૈસાથી શરૂ કરી શકાય છે પણ ચલાવવા માટે મહેનત જોઈએ.મારે પણ વ્યવસાયની શરૂઆતમાં અનેક અડચણોનો સામનો કરવો પડ્યો હતો.

   

  અનુભવ નહોતો ત્યારે આકરા દિવસો જોયા
  બિઝનેસ શરૂ કર્યો ત્યારે સપ્તાહમાં એક વખત મુંબઈ માલ ખરીદવા જવું પડતું.કોઈ પણ સિઝન હોય કે અગવડતા મારે મંગળવારે રાત્રે મુંબઈ જવા નિકળી જ જવું પડતું.અમારી માર્કેટ બુધવારે બંધ રહેતી તેથી તે દિવસે મુંબઈમાં ખરીદી કરી ગુરૂવાર સવાર સુધીમાં પાછી આવી જતી.હું મહેનત કરવામાં પાછી પાની નહોતી કરતી પણ મારા માટે સૌથી મોટો પડકાર એ હતો કે આ વ્યવસાયમાં હું એકદમ નવી હતી.આથી માર્કેટ ટ્રેન્ડ વિશે હું બિલકુલ અજાણ હતી.આ સમયે ખુદની સૂઝ પ્રમાણે નિર્ણય લેતી ગઈ અને આગળ વધતી ગઈ.

   

  મારે ખુદના 'બોસ' બનવું હતું 
  મારે સફળતા પહેલા આવેલી અડચણોની વાત પણ કરવી છે.શરૂઆતમાં શોપનું 25 હજાર ભાડું ચૂકવવું પણ અઘરું થઈ પડતું કેમકે ખર્ચની સામે આવકની રકમ ઓછી રહેતી.ચોમાસાની સિઝનમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો આવતો હોય  છે.બિઝનેસની શરૂઆતમાં મંદીનો માર સહન કરવો અઘરો હોય છે.આ મંદીનો માર તો સહન કરતી જ હતી પણ સાથે-સાથે આજુબાજુના લોકોની નકારાત્મક વાતોનો પણ મારો રહેતો હતો.લોકો બિઝનેસ છોડી ફરી નોકરી શરૂ કરવાની વાતો કરી હતાશ કરવાનો પ્રયાસ કરતા હતા.જોકે મેં નક્કી કર્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિમાં બિઝનેસ છોડીશ નહીં કેમકે મારે જ મારા બોસ બનવું હતું મારે કોઈ બોસની નીચે કામ કરવું નહોતું.


  વાર્ષિક 15 થી 18 લાખનું ટર્નઓવર
  હું હવે બિઝનેસ શીખી ગઈ હતી તેથી મારી કમાણી પણ વધી રહી હતી.બિઝનેસ શરૂ કર્યો ત્યારે માર્કેટના છેક છેડે શોપ ભાડે રાખી હતી અને આજે હું માર્કેટની મધ્યમાં શોપ ધરાવું છું.શોપ શરૂ કરી ત્યારે વેસ્ટર્ન વેર કલેક્શનથી શરૂઆત કરેલી પણ હાલમાં એવરી વેર કલેક્શન રાખું છું.આજે મારી પાસે ગ્રાહકોની સંખ્યા પણ સારી છે અને વાર્ષિક સરેરાશ 15 થી 18 લાખનું ટર્નઓવર ધરાવું છું.


  મને ટર્ન ઓવર વધવાથી જે ખુશી મળી તેનાથી વધુ ખુશી ત્યારે મળી જ્યારે અમારી માર્કેટમાં પહેલીવાર મહિલાઓ માટે ટોઈલેટ બન્યું.આ માર્કેટમાં મહિલા ગ્રાહકો આવતા હોવા છતા તેમના માટે સેનેટરીની કોઈ સગવડ નહોતી.આથી જયારે મને સિંધી કાપડ સમાજની પંચાયતમાં સભ્યપદ મળ્યું તો મેં આ કામ કરાવ્યું.મને ગૌરવ છેકે પરૂષોના આધિપત્યવાળા સિંધી કાપડ સમાજ સંગઠનમાં સભ્યપદ મેળવનારી હું પહેલી વુમન આંત્રપ્રેન્યોર છું.
  -શિલ્પા રામનાની,મહાદેવ બૂટીક,અમદાવાદ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
આગામી લેખ લોડ
x
રદ કરો
કરિયર અને પરિવારનું પર્ફેક્ટ મેનેજમેન્ટ શીખવતી
મારી બહેનપણી દિવ્ય શ્રી