Divyabhaskar.com
Jul 24, 2019, 01:01 PM ISTદિવ્ચશ્રી ડેસ્ક. ચોમાસું એટલે વરસાદની સાથોસાથ ઘણી બધી બીમારીઓની પણ સીઝન. આ સમય દરમ્યાન તમે તમારું પોતાનું ધ્યાન તો રાખી શકો છો, પરંતુ તમારા નાનાં બાળકોને કેવી રીતે બીમારીઓથી દૂર રાખશો? એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી જરા સરખા ચેપમાં પણ તેઓ બીમાર પડી જાય છે. એમાંય ચોમાસાની સીઝનમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. મચ્છરોથી મલેરિયા અને ડેન્ગ્યૂ જેવી બીમારીઓ થાય છે. સ્વાભાવિક રીતે જ આ બીમારીઓથી બાળકોને બચાવવા તે બહુ મોટો પડકાર બની રહે છે.
આજે ચર્ચા કરીએ કે બાળકોને મચ્છરજન્ય બીમારીઓથી કેવી રીતે બચાવી શકાયઃ
- કપૂરના સ્ટેન્ડમાં કપૂરના થોડા ટુકડાઓ નાખીને સળગાવો. તેના ધુમાડાથી મચ્છર જતા રહેશે. જો કે ધ્યાન રાખવું કે કપૂરને સ્ટેન્ડ પર નાખીને સળગાવવું જેથી તે લાંબા સમય સુધી સળગી શકે.
- મચ્છર હંમેશાં તીવ્ર ગંધથી દૂર ભાગે છે. તે માટે તમારે ડુંગળી અને લસણને ક્રશ કરીને તેનો રસ કાઢીને પાણીમાં મિક્સ કરવો અને કોઈ સ્પ્રેની બોટલમાં ભરીને આખા ઘરમાં છાંટવું. થોડીક જ વારમાં મચ્છરો દૂર ભાગી જશે.
- સરસવનાં તેલમાં અજમાનો પાવડર નાખીને સળગાવવું. તેનાં ધુમાડાથી મચ્છર ભાગી જશે. સાથે તમારા શિશુ માટે પણ આ ધુમાડો સુરક્ષિત છે.
- ક્રીમ, રોલ-ઓન સ્ટિક, વાઈપ્સ, લોશન, મોસ્કિટો રેપલેન્ટ મશીનનો ઉપયોગ કરી શકો છો. તેના ઘણા ફાયદા છે. તે ઘરની અંદર અને બહાર બંને જગ્યા પર તમારાં બાળકો સુરક્ષિત રહે છે. તેમાં ઘણી વસ્તુનો ઉપયોગ કરી શકાય છે.
- તમારા ઘરની આજુ બાજુ પાણી ન જામવા દો અને સાફ સફાઈ રાખો. બંધિયાર પાણીમાં મચ્છરોનું બ્રીડિંગ થાય છે. ઘર-બાલ્કની-વરંડામાં છોડનાં કુંડાં, ટાયરો, ખાબોચિયાં વગેરેમાં પડી રહેલાં પાણીમાં મચ્છરોનું બ્રીડિંગ થાય છે.
- બાળકના હાથ અને પગ પૂરી રીતે ઢાંકી દો અને રાત્રે સૂવડાવતી વખતે બાળકને મચ્છરદાનીમાં જ સૂવડાવો.