સ્નેહ અને સાનિધ્ય / હાલરડાં અને બાળગીતો બાળકના માનસિક વિકાસને વેગવંતો બનાવે છે

Lullabys and child-rearing builds up the child's mental development

Divyabhaskar.com

Jun 18, 2019, 12:14 PM IST

ડો. આશિષ ચોક્સી. આજથી આશરે 4000 વર્ષ પૂર્વે હડ્ડપ્પીય સંસ્કૃતિનાં અવશેષોમાં પણ પંચતંત્રની વાર્તા અને જોડકણાનાં પુરાવાઓ મળી આવ્યા છે. માણસ હવે 21મી સદીના વિજ્ઞાનયુગમાં પ્રવેશી ચૂક્યો છે. છતાં પણ બાળક જન્મે ત્યારથી જ તેના ઉછેરમાં કવિતા, જોડકણાં, બાળવાર્તા, હાલરડાં, લોકગીતો, નાના મુક્તકો, બાળગીતો અને ઉખાણાનું અમૂલ્ય પ્રદાન રહેલું છે.

હાલરડાં અને બાળગીતો બાળકના આત્મવિશ્વાસને વધારીને માનસિક વિકાસને પણ વેગવંતો બનાવે છે. મમ્મી-પપ્પા કે દાદા-દાદી પાસે હાલરડાં સાંભળતા-સાંભળતાં સૂઈ જતાં બાળકનો આખા દિવસનો થાક ઊતરી જાય છે. આ બાળક બીજા દિવસે સવારે ઊઠે ત્યારથી જ ઊર્જાસભર હોય છે. બાળગીતો બાળકને તેની આગવી સ્વપ્નોની દુનિયામાં લઇ જાય છે, જ્યાં તેની કલ્પનાશક્તિ ખીલે છે.

'એક બિલાડી જાડી...,' 'દાદાનો ડંગોરો લીધો....,' 'આવ રે વરસાદ...,' 'મામાનું ઘર કેટલે', જેવા ગીતોથી બાળક પશુ, પંખી, પ્રાણીઓ, શાકભાજી, ફળફૂલ, નદી, પર્વતના નામ સાથે તેમ જ મામા, માસી, કાકા, દાદા જેવા કુટુંબીજનોથી વધુ પરિચિત થાય છે. આ બધા સજીવ-નિર્જીવ પાત્રો સાથે બાળક પોતાની જાતને જોડી તેઓની વધુ નજીક આવે છે. કોઈ કારણસર જીદે ભરાઈ રડતાં બાળકના માથે જ્યારે દાદા કે દાદીનો પ્રેમાળ હાથ ફરે અને પછી જ્યારે તેઓ ગીત ગાવાનું શરૂ કરે છે, ત્યારે બાળકના મગજને પણ જાણે ચોક્કસ સંદેશો પહોચે છે. બાળક વિશિષ્ટ પ્રકારની સલામતી અનુભવે છે અને થોડી જ ક્ષણોમાં તે શાંત થઇ જાય છે.
બાળકનો શબ્દસંગ્રહ, શબ્દસમજણ તો વધે જ છે, સાથે તે લયમાં ગાવાનું શીખે છે. કક્કો-બારાખડી, 1 થી 10, ABCD નો સમાવેશ કરતાં બાળગીતો ઘણી શાળાઓએ પણ અપનાવ્યાં છે. બાળકમાં ભાષા શીખવાનો પાયો મજબૂત કરવા માટે તે ભાષાના બાળગીતો અને હાલરડાં તેને સંભળાવી, તેના પ્રશ્નો અને તેની કુતૂહલવ્રુત્તિ સંતોષવી જોઈએ.

બાળકને સીડી અથવા લેપટોપના માધ્યમથી પણ ગીતો સંભળાવી શકાય, પરંતુ જાતે ગાયેલા બાળગીતો દ્વારા બાળકને હુંફ, લાગણી, સાંનિધ્ય પણ મળે છે. બાળકનું ચીડિયાપણું ઘટે છે, તેની કુટુંબપ્રેમની ભાવના વધે છે. તેનામાં લોકોને, પ્રાણીઓ, પક્ષીઓને જોવાની, સંભાળવાની, સમજવાની વૃત્તિ વધે છે. બાળગીતો બાળકને માતૃભાષા શીખવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. માતૃભાષાના શબ્દો તેમજ ઉચ્ચાર બાળકને સ્નેહ અને સાનિધ્ય આપીને હાલરડાં અને બાળગીતો દ્વારા શીખવી શકાય. બાળગીતો અને હાલરડાં સાંભળનાર બાળકોને માનવીય સંબંધોને જોવા-સમજવાની તક બાળપણથી જ મળે છે.

X
Lullabys and child-rearing builds up the child's mental development

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી