બાળકની તુલના કરો છો? તો નહીં કરતા, થશે નુકસાન

parentigs tips, dont compare your child with another

divyabhaskar.com

Jul 21, 2018, 07:24 PM IST

દિવ્યશ્રી ડેસ્ક: જે રીતે પાંચ આંગળીઓ બરાબર નથી હોતી તેવી જ રીતે દરેક બાળકોની ક્ષમતા સમાન નથી હોતી. આ વાત દરેક માતા પિતાએ સમજવાની જરૂર છે. કોઇ એક બાળક સારૂ પેઈન્ટિંગ કરી શકતું હશે તો બીજું કોઇ બાળક ગણિતમાં અવ્વલ હશે. તો અન્ય કોઈ ભાષામાં હોશિયાર હશે. દરેક બાળકની અલગ-અલગ વિશેષતા હોય છે. માતા પિતાએ તેમની બાળકની તુલના અન્ય બાળક સાથે કરીને તેમના બાળકનું મુલ્ય ઓછું ન આંકવું જોઇએ. જો તમે સતત તમારા બાળકની અન્ય બાળક સાથે તુલના કરીને તેમનું મુલ્યાંકન કરશો તો આ તુલનાની ખૂબ નકારાત્મક અસર પડે છે.

લઘુતાગ્રંથિ
જો તમે તમારા બાળકની સતત અન્ય બાળક સાથે તુલના કરીને બાળકની ક્ષમતાને ઓછી આંકી રહ્યાં હોતો, તમે તમારા જ બાળક સાથે બહુ ખોટું કરી રહ્યાં છો. બાળકને સતત અન્યની તુલનામાં ઉતરતું બતાવવાથી બાળકના કુમળા માનસ પર તેની ખૂબ જ વિપરિત અસર પડે છે. બાળક લઘુતાગ્રંથિથી પીડાવવા લાગે છે. બાળકને એવું ફીલ થાય છે કે, અન્ય બાળકોની તુલનામાં તેમની ક્ષમતા શૂન્ય છે. તે જિંદગીમાં કંઇ જ નહીં કરી શકે.

આત્મવિશ્વાસનો અભાવ
બાળકની તુલના કરવાથી બાળક લઘુતાગ્રંથિથી પિડાવવા લાગે છે તેમજ તેમનો આત્મવિશ્વાસ પણ વિકસિત નથી થતો. આવું બાળક આત્મવિશ્વાસવિહોણું બને છે. સતત તુલનાથી તે અનુભવે છે કે મારામાં એ ક્ષમતા નથી, જે અન્ય બાળકોમાં છે. આ ગ્રંથિ બાળકમાં ઘર કરી જાય છે. તે કોઇપણ કામ આત્મવિશ્વાસથી નથી કરી શકતો. માતા-પિતા ભલે સહજભાવે બાળકની તુલના અન્ય બાળકો સાથે કરતા હોય પરંતુ આ આદતની ગંભીર અસર બાળમાનસ પર પડે છે.

યોગ્ય માર્ગદર્શન આપો
આજના બદલતા સમયમાં બાળક ચારેબાજુથી પ્રતિસ્પર્ધાથી ઘેરાયેલું છે. આવી સ્થિતિમાં બાળકની તુલના કરીને તેમની પર બેસ્ટ પર્ફોર્મન્સ માટે દબાણ કરવામાં આવે તો આવી સ્થિતિમાં તે સારૂં પર્ફોર્મ્સ તો નહીં જ આપી શકે પરંતુ દબાણના કારણે તે તણાવગ્રસ્ત થઇ જશે. તમારા બાળકને રેસના ઘોડા ન બનાવો અને તુલના કરીને તેમના કુમળા માનસ પર દબાણ ન કરો. આ સમયમાં બાળકનું યોગ્ય માર્ગદર્શન કરો. બાળકની રસ રૂચિને સમજીને, તેમનું યોગ્ય દિશા સૂચન કરો.

સકારાત્મક માહોલ આપો
બાળકના ઘડતરમાં સકારાત્મક માહોલ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો બાળકને નેગેટિવ કમાન્ડ આપવામાં આવે, સતત ધમકાવવામાં આવે, આવો ઘરનો માહોલ બાળકના ઘડતરમાં અવરોધક બને છે. જે બાળક નકારાત્મક માહોલમાં મોટું થાય છે. તે જિંદગીમાં કોઇપણ ક્ષેત્રેમાં આત્મવિશ્વાસથી પર્ફોર્મ નથી કરી શકતું. માતા-પિતા બાળકના દુશ્મન નથી હોતા. તે બાળકને સફળ બનાવવા માટે જ પ્રયત્નશીલ હોય છે પરંતુ કેટલાક બાબતની ઘડતરની જે રીત હોય છે તે નકારાત્મક હોય છે. જેની અસર પણ બાળકના માનસ પર વિપરિત પડે છે.

સાચો રસ્તો બતાવો
બાળક નથી જાણતું તેમના માટે શું સારૂં છે અને શું ખરાબ છે. બાળકની અંદર છુપાયેલી પ્રતિભાને માતા-પિતાએ જ પારખવાની હોય છે. માતા -પિતાએ બાળકની તુલના કોઈ અન્ય બાળકો સાથે ન કરતાં એ વિચારવું જોઈએ કે તેમના બાળકમાં કઇ આગવી પ્રતિભા છે, તેના બાળકને ક્યાં વિષયમાં વધુ રસ છે. જો બાળકની અભિરૂચિના ક્ષેત્રને જાણીને બાળકનું એ દિશામાં દિશાસૂચન કરવામાં આવે તો એ બાળક ચોક્કસ સારૂ પર્ફોમ કરી શકશે અને સફળ પણ થશે.

X
parentigs tips, dont compare your child with another
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી