પ્રથમ અઠવાડિયામાં નવજાત શિશુમાં ફેરફાર જોવા મળે તો ગભરાવાની જરૂર નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસ્વીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસ્વીર પ્રતિકાત્મક છે

દિવ્યશ્રી ડેસ્ક. બાળકને જન્મ બાદ ગર્ભમાંથી બહારના વાતાવરણ સાથે ભળતા સમય લાગે છે. જેના પરિણામે નવજાત શિશુની તબિયત ખરાબ થવી સામાન્ય બાબત છે. પરંતુ બાળકની તબિયત ખરાબ થાય ત્યારે માતા-પિતા ગભરાઇ જાય છે, તો ગભરાવાની જરૂર નથી. તો આવો નવજાત શિશુના શરીરમાં આવતા ફેરફાર વિશે જાણકારી મેળવીએ. 

 

શરીર પીળું પડવું : પાંચથી સાત દિવસની વચ્ચે આંખો, મોઢું, છાતીનો ભાગ, શરીર અને હાથ-પગ થોડા પીળા જણાય તો ડોક્ટરને બતાવવું, પરંતુ આ પણ કુદરતી ફેરફાર છે જેને ‘ફિઝિઓલોજિકલ કમળો’કહે છે. સાતમા કે આઠમા દિવસથી તે કુદરતી રીતે જ ઘટવા લાગે છે. ચાર દિવસથી પહેલા કમળો વધુ દેખાય તો ડોક્ટરને બતાવી લોહીની તપાસ કરાવવી. 

 

કોલોસ્ટ્રમ : શરૂઆતનું પીળું, પાતળું પ્રવાહી જેને કોલોસ્ટ્રમ કહેવાય છે, તેને કાઢીને ફેકી દેવાની ખોટી માન્યતાઓથી દૂર રહેવું. 50 જેટલા ખનીજ, વિટામિન અને પોષકતત્વોનો ખજાનો એટલે કોલોસ્ટ્રમ.

 

ધીરજ અને પ્રયત્નો : થોડી ધીરજ રાખી અને પ્રયત્નો કરવાથી માતાને અને બાળકને સંતોષ થાય તેવી ગોઠવણ કુદરતે જ કરેલી હોય છે. ઘણીવાર બાળક રડે એટલે સગાંઓ ખૂબ રઘવાયાં થઇ જતાં હોય છે. બાળકની માતા સાથે રહેનારે આવી સ્થિતિમાં વિશેષ ધીરજ રાખવી. તેમને ચિંતામાં જોઇને કે તેમના ચિંતાસભર વાક્યોથી માતા વધુ તાણ અનુભવે છે. 

 

વજન : બાળક પહેલા અઠવાડિયામાં 10% વજન ગુમાવે છે. પહેલા અઠવાડિયામાં ઘટેલું વજન બાળક બીજા અઠવાડિયામાં પાછું મેળવી લે છે. 

 

કાળો ઝાડો : પહેલા 3 થી 4 દિવસ શિશુને કાળો ઝાડો થયા બાદ પાંચમા કે છઠ્ઠા દિવસથી બાળક દિવસમાં 8 થી 10 વાર ચરકે તેવા પાતળા-પીળા ઝાડા કરે છે. લંગોટ પરથી આના ડાઘા કાઢવા મુશ્કેલ બને તે સામાન્ય છે. આ જ સમયથી તેનામાં યુરિનનું પ્રમાણ પણ વધશે. 

 

યુરિન : શરૂઆતના 4 થી 5 દિવસ દરમિયાન બાળકને યુરિન ખૂબ ઓછું થાય છે. પહેલી વાર યુરિન જન્મના 18 થી 24 કલાક વચ્ચે થાય તેવું પણ બને. શરૂઆતના ચાર કે પાંચ દિવસ રોજ એક જ વખત યુરિન થાય અને તેનો રંગ પીળો હોય તેવું પણ બને. પાંચમા કે છઠ્ઠા દિવસથી રોજ પાંચ કે તેથી વધુ વખત યુરિન થાય છે.

 

તાવ : શરૂઆતના દિવસોમાં બાળકનું શરીર સહેજ વધુ ગરમ લાગે તેને ‘ડીહાઈડ્રેશન ફીવર’કહે છે. ખાસ કરીને કપાળ, હથેળી અને તળિયા વધુ ગરમ લાગે તો ચિંતા ન કરવી. આ ભાગો ગરમ લાગે છતાં થર્મોમીટરમાં બાળકનું તાપમાન સામાન્ય જ આવશે. થર્મામીટર વધુ તાપમાન બતાવે તો જ બાળકને તાવ છે તેમ માનવું. બાળકને ઢાંકેલું રાખવાથી પણ તે થોડું ગરમ લાગે છે. તેને થોડીવાર ખુલ્લું રાખવાથી તેનું તાપમાન સામાન્ય થઈ જશે. 

 

ત્વચાના ફેરફારો : બીજા કે ત્રીજા દિવસથી તેની ચામડી પર લાલ, ઝીણા ચકામાં જોવા મળે. ચામડી સુકી, કરકરી  લાગે તેમ જ સાંધા અને અમુક જગ્યાએ ચીરા પડ્યા હોય તેવું લાગે તો ગભરાવું નહીં. આ પણ સામાન્ય ફેરફાર છે. 
- ડો. આશિષ ચોક્સી

અન્ય સમાચારો પણ છે...