સરોગસી / સરોગસી રેગ્યુલેશન બિલ ‘કૂખ ભાડે આપવાના’ બિઝનેસ પર પૂર્ણવિરામ મૂકશે?

Sarogsi Regulation Bill will put a stop to business on 'hire a lumber'

Divyabhaskar.com

Jul 18, 2019, 07:51 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. સોમવારે 15 જુલાઈના રોજ ભારત સરકારે ‘સરોગસી (રેગ્યુલેશન) બિલ, 2019’ લોકસભામાં રજૂ કર્યું. સંસદનાં બંને ગૃહોમાં પાસ થઈને કાયદો બન્યા બાદ આ બિલ કમર્શિયલ સરોગસીને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દેશે. એટલું જ નહીં, સરોગસીને લઈને ઘણાં બધાં પરિવર્તનો પણ લાવશે. જેમ કે, ફક્ત ભારતીય યુગલો જેઓનાં લગ્નને મિનિમમ પાંચ વર્ષ થયાં હોય અને તેઓ મહિલાના ગર્ભથી સંતાનને જન્મ આપવા માટે સક્ષમ ન હોય તેઓ જ સરોગસીનો આશરો લઈ શકશે. તે માટે સંતાન ઈચ્છુક મહિલાની ઉંમર 23થી 50 વર્ષ અને પુરુષની ઉમર 26થી 55 વર્ષ નિશ્ચિત કરાઈ છે.

સરોગેટ મધર બનવા તૈયાર થતી સ્ત્રી સંતાન ઈચ્છુક દંપતીની અત્યંત નજીકની સંબંધી હોવી જોઈશે અને તે માત્ર એક જ વખત સરોગેટ માતા બની શકશે. એટલું જ નહીં, આ સ્ત્રી પરિણીત હોવી જોઈશે, તેને પોતાનું બાળક હોવું જોઈશે અને તેની ઉંમર 22થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈશે. બાળકને જન્મ આપ્યા બાદ નવા માતા-પિતા બનતું દંપતી કોઈ પણ સંજોગોમાં બાળક લેવાનો ઈનકાર કરી શકશે નહીં.

દરઅસલ, છેલ્લા બે-એક દાયકામાં ભારત સરોગસી માટેનું હબ બની ગયું છે. વારંવાર ગર્ભપાત, ગર્ભ ન રહેતો હોય, ગર્ભમાં કોઈ ખામી હોય કે મહિલાને ગંભીર બીમારી હોય, તેમજ જ્યારે કોઈ કપલ માતા-પિતા બનવા સક્ષમ ન હોય કે આઈવીએફ ટેકનોલોજી દ્વારા પણ બાળકને જન્મ આપી શકે તેમ ન હોય તેવાં દંપતી સરોગસીનો આશરો લે છે. આમ જોવા જઈએ તો સરોગસી એ એક મહિલા અને સંતાન મેળવવા ઈચ્છતા દંપતી વચ્ચેનો કરાર છે. સરોગેટ મધર પોતાની કૂખમાં ગર્ભનો ઉછેર કરે છે અને બાળકને જન્મ આપીને સંતાન ઈચ્છુક દંપતીને સોંપી દે છે. આ માટે દંપતી તે સ્ત્રીને પૂર્વ નિર્ધારિત રકમ આપી દે છે. ત્યાર પછી સંતાનની તમામ જવાબદારી તે દંપતીની રહે છે.

ગરીબ, ગ્રામીણ કે આદિવાસી અને જરૂરિયાતમંદ સ્ત્રીઓ પૈસા ખાતર સરોગેટ માતા બનવા તૈયાર થતી હોય છે. અનેક વખત આ સ્ત્રીઓને નક્કી થયા મુજબની રકમ અપાતી નથી અને તેમનું શોષણ કરાય છે. ક્યારેક બાળક ખોડખાંપણવાળું જન્મે તો દંપતી તેને સ્વીકારવાનો ઈનકાર કરી દેતાં હોય છે. તે સ્થિતિમાં બાળકની જવાબદારી કોની તે સવાલ ઉપસ્થિત થાય છે. અત્યાર સુધી આ દિશામાં કોઈ સ્પષ્ટ કાયદા ન હોવાને કારણે અંધાધૂંધી પ્રવર્તતી હતી.

સરોગસીનું એ ટુ ઝેડ

શું છે સરોગસી?

સરોગસીમાં એક મહિલા બીજી મહિલા માટે ગર્ભધારણ કરે છે અને બાળકની ડિલીવરી બાદ સંતાન ઈચ્છુક દંપતીને તે બાળક સોંપી દે છે. જરૂરિયાતમંદ સ્ત્રીઓને પોતાની કૂખમાં બાળક ઉછેરવા બદલ વળતર મળે છે અને સામે પક્ષે નિઃસંતાન દંપતીને બાળક મળી જાય છે. સંતાન ઈચ્છુક દંપતીનાં સ્ત્રીબીજ અને પુરુષબીજને આઈવીએફ જેવી ટેક્નિકથી લેબોરેટરીમાં ફળાવીને સરોગેટ મધરના ગર્ભાશયમાં આરોપિત કરવામાં આવે છે. આ રીતે જોઈએ તો સંતાન ઈચ્છુક દંપતી જ આવનારાં બાળકનાં બાયોલોજિકલ પેરેન્ટ્સ બની રહે છે. આ રીતે વિન-વિન સિચ્યુએશન સર્જાતી હોવાથી સરોગસીનો બિઝનેસ અત્યાર સુધી ભારતમાં ધમધોકાર ચાલી રહ્યો હતો. નવા બિલના આગમન પછી સરોગસીની બાબતમાં સરોગેટ મધર બનતી સ્ત્રીઓનું શોષણ અટકશે, પરંતુ વિચારવાલાયક વાત એ પણ છે કે અત્યારના ન્યુક્લિયર ફેમિલીના સમયમાં નિકટની સંબંધી હોય તેવી સરોગેટ મધર બનતી સ્ત્રી શોધવી ભારે અઘરું બનશે.

કયાં કપલ કરાવી શકે?

ભારતીય નાગરિક હોવું જરૂરી છે. કાયદેસર લગ્ન થયાં હોવા જોઈએ અને લગ્નને પાંચ વર્ષ પૂરાં થઈ ચૂક્યાં હોવા જોઈએ. દંપતીમાંથી એકને મેડિકલ સર્ટિફિકેટ દ્વારા ઈનફર્ટાઈલ જાહેર કરવામાં આવ્યું હોવું જોઈએ. પત્નીની ઉંમર 23થી 50 વર્ષની વચ્ચે અને પતિ ઉંમર 26થી 55 વર્ષની હોવી જોઈએ. આ દંપતીને કોઈ બાયોલોજિકલ, એડોપ્ટ કરવામાં આવેલ કે સેરોગેટ સંતાન ન હોવું જોઈએ.

શું કરવું પડે છે?

સરોગેટ માતાનો વીમો કઢાવવો પડશે. તેને મેડિકલ સિવાય અન્ય કોઈ પૈસા નહીં આપી શકાય. કાયદો બન્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સ્તરે સરોગસી બોર્ડ સ્થાપવામાં આવશે, જેના દ્વારા લીલી ઝંડી મળ્યા પછી જ રજિસ્ટર્ડ સરોગેટ માતાને યોગ્યતા સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ દ્વારા સરોગસી ક્લિનિકમાં એપ્લિકેશન કરી શકાશે.

ઓથોરિટી શું કરશે?

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સ્તર પર નિયુક્ત કરવામાં આવેલ ઓથોરિટી સરોગસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન, સસ્પેન્ડ અથવા કેન્સલ કરી શકે છે. રાજ્ય સ્તર પર ઓથોરિટીની નિયુક્તિ બાદ 60 દિવસની અંદર ક્લિનિકને રજિસ્ટ્રેશન માટે એપ્લિકેશન આપવાની રહેશે. 90 દિવસની અંદર એપ્લિકેશનને મંજૂર અથવા નામંજૂર કરવામાં આવશે. કોઈ પણ સરોગસી ક્લિનિક હ્યુમન એમ્બ્રિયો સ્ટોર નહીં કરી શકે.

કોણ સરોગેટ મધર બની શકશે?

સરોગસી દ્વારા બાળકને જન્મ આપનાર મહિલા વિવાહિત હોવી જોઈએ અને તેને પોતાનું એક બાળક હોવું જોઈએ. તે સંતાન ઈચ્છુક દંપતીની નિકટની સંબંધી હોવી જોઈએ અને તે એક જ વખત સરોગસી દ્વારા બાળકને જન્મ આપી શકશે. તે મહિલાને કપલ સાથે કેવા સંબંધ હોવા જોઈએ તેની સ્પષ્ટતા અત્યારના તબક્કે બિલમાં કરવામાં આવી નથી. તે સિવાય ઘણી બાબતો હજુ સ્પષ્ટ થવી જોઈએ, જે કરવામાં નથી આવી.

X
Sarogsi Regulation Bill will put a stop to business on 'hire a lumber'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી