નેશનલ ન્યૂટ્રિશન વીક / ગર્ભવતી મહિલાઓએ પોષક તત્ત્વોથી ભરપૂર હેલ્ધી ડાયટ લેવું જોઈએ

Pregnant women should take a healthy diet full of nutrients

  • ભારતમાં દર વર્ષે 1થી 7 સપ્ટેમ્બરની વચ્ચે નેશનલ ન્યૂટ્રિશન વીક મનાવવામાં આવે છે
  • પોષક તત્ત્વોથી ભરપૂર હેલ્ધી ડાયટની સૌથી વધારે જરૂર પ્રેગ્નન્સી દરમિયાન પડે છે
  • પ્રેગ્નન્સીમાં માતા અને બાળકના પોષણની જવાબદારી ગર્ભવતી મહિલા પર હોય છે

Divyabhaskar.com

Sep 05, 2019, 05:07 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ભારતમાં દર વર્ષે 1થી 7 સપ્ટેમ્બરની વચ્ચે નેશનલ ન્યૂટ્રિશન વીક મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ આરોગ્યપ્રદ અને સંતુલિત આહાર ખાવાથી અને એકંદરે સ્વાસ્થ્યમાં સુધારો કરીને તમામ ઉંમરના લોકોમાં જાગૃતિ ફેલાવવાનું છે. જોકે, પોષક તત્ત્વોથી ભરપૂર હેલ્ધી ડાયટની સૌથી વધારે જરૂર પ્રેગ્નન્સી દરમિયાન પડે છે, કેમ કે, ગર્ભવતી મહિલા જે પણ ખોરાક ખાય છે, તેનું પોષણ તેની સાથે સાથે ગર્ભમાં ઉછરી રહેલા બાળકને પણ મળે છે.

માતા પર પોષણની જવાબદારી

પ્રેગ્નન્સીમાં માતા અને બાળકના પોષણની જવાબદારી ગર્ભવતી મહિલા પર હોય છે. તેથી ગર્ભાવસ્થાની શરૂઆતથી ગર્ભવતી મહિલાએ હેલ્ધી ડાયટવાળો ખોરાક ખાવો જોઈએ, જેથી માતા અને બાળક બંનેને સારી રીતે પોષણ મળી શકે. પ્રેગ્નન્ટ મહિલાના ડાયટમાં પોષક તત્ત્વોની ઉણપ ના હોવી જોઈએ. નહીં તો જન્મ લેનાર બાળક જન્મજાત ખોડ-ખાપણવાળું જન્મી શકે છે અથવા જન્મ દરમિયાન બાળકનું વજન ઓછું હોઈ શકે છે. આ રીતે બાળકોની ઈમ્યૂનિટી નબળી થઈ જાય છે અને બાળકને ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ રહે છે. તેથી ગર્ભવતી મહિલાઓએ પોતાના ડાયટમાં પોષણયુક્ત આહાર લેવો જોઈએ.

પ્રોટીન

ગર્ભમાં ઉછરી રહેલા બાળકોના શારીરિક વિકાસ માટે પ્રોટીન બહુ જરૂરી છે. એટલા માટે પ્રોટીનયુક્ત ડાયટનું સેવન કરવું. દાળ, ફ્રૂટ્સ, દૂધ, દહીં, પનીર ઉપરાંત ઈંડામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. જોકે, તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે, કાચું મીટ, કાચું ઈંડુ અને ઊકળ્યા વગરના દૂધ વગેરે જેવી વસ્તુઓના સેવનથી દૂર રહેવું.

વિટામિન અને મિનરલ્સ

શરીરના મેટાબોલિઝ્મ માટે વિટામિન બહુ જરૂરી હોય છે. તે તાજા શાકભાજી અને ફળો અને ડ્રાયફ્રૂટ્સમાંથી મળે છે. તેનાથી ફોલિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સ પણ મળે છે. તેથી તેનું સેવન પ્રેગ્નન્સીમાં કરવું જરૂરી છે.

ફાઈબર

ગર્ભાવસ્થામાં કબજિયાતની સમસ્યા રહે છે. તેનાથી બચવા માટે ફ્રૂટ્સ, શાકભાજીનું સેવન કરવું. તેમાં રહેલાં રેસા અને ફાઈબર કબજિયાતની સમસ્યાને દૂર રાખે છે.

વિટામિન સી

ગર્ભાવસ્થામાં શરીરમાં લોહીનો સપ્લાય વધી જાય છે. બ્લડપ્રેશર અને કેટલાક હોર્મોન્સના કારણે પેઢાંમાંથી લોહી નીકળે છે પરંતુ વિટામિન C વાળા ફ્રૂટ્ અને શાકભાજીનું સેવન કરવાથી વિટામિન C મળી રહે છે. આ ઉપરાંત લીંબુ, સંતરા વગેરે પણ લઈ શકાય છે.

આયર્નનું સેવન કરવું

બાળકના યોગ્ય વિકાસ માટે આયર્ન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, એટલાં માટે પાંદડાવાળા શાકભાજી અને ફ્રૂટ્સનું સેવન કરવું જરૂરી છે.

ફેટ અને કાર્બોહાઈડ્રેટ

પ્રેગ્નન્સી દરમિયાન એનર્જી માટે ફેટ જરૂરી છે. તે ઘી, તેલ અને મીટ વગેરેમાંથી મળે છે. તેવી જ રીતે કાર્બોહાઈડ્રેટ ચોખા, બટેટા, અને ચરબીયુક્ત પદાર્થોમાંથી મળે છે.

પર્યાપ્ત માત્રામાં પાણી પીવું

ગર્ભાવસ્થા દરમિયાન પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી હોય છે. પાણી પીવાથી તમારા પગમાં વાઢિયા પડશે નહીં. પાણી ઉપરાંત તમે શબરત પણ પી શકો છો પરંતુ તે ધ્યાન રાખવું કે શરબતમાં વધારે ખાંડ ના હોવી જોઈએ.

X
Pregnant women should take a healthy diet full of nutrients

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી