સાવચેતી / ‘અમારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ છે તો પણ...?’

Dr. Smita sharad thakar article for Divyashree and Madhurima

  • ડોક્ટરી તપાસ અને ટેસ્ટમાં તફાવત છે, જેનો ખ્યાલ દર્દીને હોય એ જરૂરી છે
  • ઇન્ફર્ટિલિટીના કિસ્સામાં પુરુષે પણ કેટલાક ટેસ્ટ કરાવવા પડે છે

Divyabhaskar.com

May 22, 2019, 02:58 PM IST

ડૉ. સ્મિતા શરદ ઠાકર. નિશાંત અને પિના જ્યારે પહેલી વખત મારી પાસે આવ્યાં, ત્યારે એક સર્વ સામાન્ય ફરિયાદ લઇને આવ્યાં હતાં. ‘બહેન, અમારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ છે, તો પછી અમને બાળક કેમ થતું નથી?’
મેં એમ પૂછ્યું, ‘તમે કેટલાં ડોક્ટરો પાસે જઇ
આવ્યાં છો?’
જવાબમાં પિનાએ પાંચ ડોક્ટરોની પાંચ ફાઇલો ટેબલ પર મૂકી દીધી. એમાંથી બે તો ઊંટવૈદ્યોની હતી.

વિરમગામ બાજુના એક બોગસ ડિગ્રીધારી ડોક્ટર રોજ સેંકડો નિ:સંતાન દંપતીઓને ફાલતુ દવાઓ આપીને ખંખેરી લે છે. એની ફાઇલ ઉઘાડીએ તો કેસપેપરમાં અને દવાના કાગળમાં એક પણ અક્ષર વાંચી ન શકાય તેવા આડાઅવળા લીટા તાણેલા છે. એની ફાઇલને બાજુ પર મૂકી દીધી. બીજી ફાઇલ પણ ઊંટવૈદ્યની જ હતી જેને ગર્ભધારણની પ્રક્રિયા, સ્ત્રી અને પુરુષ પ્રજનનાંગોની રચના કે તેની ફિઝિયોલોજી વિશે રજમાત્ર અભ્યાસ કે માહિતી નહોતાં.

બાકીની ત્રણ ફાઇલો ત્રણ અલગ અલગ ક્વોલિફાઇડ અને અનુભવી ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરોની હતી, પણ આશ્ચર્યની વાત એ હતી કે આ પતિપત્ની ત્રણેય ડોક્ટરોના ક્લિનિકમાં ફક્ત એક જ વાર ગયાં હતાં.

ડૉક્ટર એમનો કેસ કાઢે, વિગત પૂછે, શારીરિક તપાસ કરે પછી કોઇ પરીક્ષણ કરવાનું સૂચન કરે એ પછી નિશાંત અને પિના એ લોકો પાસે જવાનું બંધ કરે અને ડોક્ટર બદલાવી નાખે. બીજા એક ગાયનેકોલોજિસ્ટ એકાદ મહિનો ગોળીઓ આપે અને પછી બીજા મહિને કોઇ પરીક્ષણ કરવાનું સૂચવે એટલે આ યુગલ એની પાસે જવાનું બંધ કરી દે. આવી રીતે ત્રણ ડિગ્રીધારી ડોક્ટરો અને બે ડિગ્રી વગરના ડોક્ટરોની મુલાકાત લીધા પછી આ કપલ મારી પાસે આવ્યું હતું. એમાં સૌથી વધારે પૈસા ડિગ્રી વગરના ડોક્ટરો પાસે ખર્ચાઇ ગયા હતા, કારણ કે એ લોકોએ દવાઓ પણ પોતાને ત્યાંથી જ આપી હતી. જ્યારે કોઇ ડોક્ટર બહારથી દવા ખરીદવા માટેનું પ્રિસ્ક્રિપ્શન લખી આપવાને બદલે પોતાની પાસેથી જ દવા ડિસ્પેન્સ કરે અને તગડી રકમની માગણી કરે ત્યારે દર્દીએ ચેતી જવા જેવું ખરું. હોશિયાર દર્દીએ હંમેશાં પૂછી લેવું, ‘ડોક્ટરસાહેબ, તમે જે દવા અમને આપી છે એનું નામ લખી આપશો?’

મોટા ભાગે એ ડોક્ટર દવાનું નામ નહીં લખી આપે કારણ કે એ જ દવા, ગોળી કે કેપ્સ્યૂલ મેડિકલ સ્ટોરમાંથી ખૂબ સસ્તા ભાવે મળી જતી હોય છે.
મેં બધી જ ફાઇલોનો અભ્યાસ કરી લીધાં પછી પૂછ્યું, ‘તમે એવું કેમ કહો છો કે તમારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ છે? હકીકતમાં તમે એક પણ ટેસ્ટ તો કરાવ્યો જ નથી.’

નિશાંત અને પિનાને મારા પ્રશ્નથી ઊંડું આશ્ચર્ય થયું હોય એવું જણાયું. નિશાંતે પત્નીની તરફ પૃચ્છાભરી નજરે જોયું. પિનાએ મારી સામે જોઇને ખુલાસો કર્યો, ‘બહેન, પાંચે-પાંચ ડોક્ટરોએ મારી શારીરિક તપાસ કર્યા પછી મને કહ્યું હતું કે બધું બરાબર છે. તો નોર્મલ રિપોર્ટ છે એવું જ કહેવાયને?’

હું હસી પડી. મને એની અણસમજ પ્રત્યે દયા આવી. આપણા દેશના લોકોમાં હજુ પણ મેડિકલ સાયન્સની સાચી વિભાવના પહોંચી જ નથી. કોને ફિઝિકલ ચેકઅપ કહેવાય અને કોને ઇન્વેસ્ટિગેશન્સ કહેવાય એ બે વચ્ચેનો તફાવત શિક્ષિત દર્દીઓ પણ જાણતા નથી હોતા.

મેં એને સમજાવ્યું, ‘ડોક્ટર તારી શારીરિક તપાસ કરે એને માત્ર તપાસ જ કહેવાય, ટેસ્ટ નહીં. શારીરિક તપાસમાં માત્ર એટલું જ જાણી શકાય કે ગર્ભાશયનું કદ નાનું-મોટું છે કે નોર્મલ છે અને બંને અંડાશય ઉપરછલ્લી રીતે યથાસ્થાને અને સામાન્ય કદના છે કે નહીં. ગર્ભાશયમાં હાથથી પારખી શકાય તેવી ગાંઠ હોય તો એના વિશે પણ માહિતી મળી શકે. જો ચેકઅપ દરમિયાન ગર્ભાશય કે અંડાશય પર સોજો આવેલો હોય તો દુખાવો થાય એટલે થોડો સંકેત મળી રહે, પણ જનનાંગોની આંતરિક રચના વિશે બધી જ માહિતી શારીરિક તપાસ દ્વારા જાણી શકાતી નથી. દાખલા તરીકે, ગર્ભાશયની અંદરની દીવાલમાં મસો હોય અથવા દીવાલ ખૂબ જ પાતળી કે જાડી હોય, ફેલોપિયન નળીઓ ખુલ્લી છે કે બંધ, એન્ડોમટ્રિઓસિસ નામની બીમારી છે કે નહીં - આ અને આવી ઘણીબધી જાણકારી શારીરિક ચેકઅપ દ્વારા મેળવી શકાતી નથી.’

પિનાના મગજમાં થોડો થોડો પ્રકાશ પ્રસરવા લાગ્યો, ‘તમે કહો છો એ બધી જાણકારી કેવી રીતે મેળવી શકાય?’

‘એના માટે અનેક પ્રકારનાં પરીક્ષણો આવશ્યક બની રહે છે. લેબોરેટરીમાં થતાં લોહી અને પેશાબનાં ટેસ્ટ, અનેક જાતનાં હોર્મોનલ પરીક્ષણો, સોનોગ્રાફી, લેપ્રોસ્કોપી તથા હિસ્ટ્રોસ્કોપી જેવાં પરીક્ષણો કરાવવા પડે છે. આટલા બધા ટેસ્ટ કરાવ્યા પછી તું કહી શકે કે તારા રિપોર્ટ્સ નોર્મલ છે કે એબનોર્મલ. આ તો માત્ર તારી જ વાત થઇ. ઇન્ફર્ટિલિટીના કિસ્સામાં પુરુષે પણ કેટલાક ટેસ્ટ કરાવવા પડે છે. જો શુક્રાણુની ઓછપ અથવા તો ગેરહાજરી હોય તો તેણે યુરોલોજિસ્ટ પાસે પણ જવું પડે છે.’

મારી વિસ્તૃત માહિતી સાંભળીને પતિપત્ની બોલી ઊઠ્યાં, ‘બહેન, હવે અમે સમજી ગયા છીએ. તમે જેમ કહેશો તેમ અમે કરીશું.’ પછી મેં જરૂરી લેબોરેટરી ટેસ્ટ્સથી શરૂઆત કરી.

X
Dr. Smita sharad thakar article for Divyashree and Madhurima
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી