હેલ્ધી વુમન / મેનોપોઝ બાદ બ્લીડિંગ થાય એ ક્યારેક ગંભીર બીમારીનો સંકેત હોઇ શકે છે

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

મેનોપોઝ પછીના બ્લીડિંગને ગંભીરતાથી લેવું જોઇએ 

divyabhaskar.com

May 14, 2019, 11:09 AM IST

ડૉ. સ્મિતા શરદ ઠાકરઃ 58વર્ષના કિરણબહેન મારી પાસે આવ્યાં ત્યારે એમના ચહેરા પર ખાસ ચિંતા જેવું દેખાતું ન હતું. એમને મન એમની સમસ્યા સાવ સામાન્ય બાબત હતી. મેં પૂછ્યું, 'શું તકલીફ છે?' 'પાંચ દિવસ પહેલાં લોહીના ડાઘ દેખાયા છે. ખૂલીને માસિક આવે એવા નહીં. નાનકડાં ધબ્બા જેવું જ કહેવાય. તમારી પાસે આવવું પડે એવું લાગતું ન હતું, પણ મારો ભત્રીજો મેડિકલ કોલેજમાં ભણે છે. એ એક વાર કોઇની સાથે વાત કરતો હતો એ હું સાંભળી ગઇ હતી. એ કહેતો હતો કે એક વાર મેનોપોઝ આવી જાય એ પછી એક વર્ષ વીતી જાય અને જો ફરીથી બ્લીડિંગ શરૂ થાય તો એ વાતને હળવાશથી ન લેવી જોઇએ. ડૉક્ટરને મળીને તપાસ કરાવી લેવી જોઇએ. એટલે હું તમારી પાસે આવી છું.'
મેં કેસ પેપરમાં એમની સંપૂર્ણ વિગત નોંધી લીધી. કુલ કેટલી વાર પ્રેગ્નન્સી રહી હતી, કેટલાં સંતાનોને જન્મ આપ્યો, કેટલી કસુવાવડ થઇ, કોપર-ટી મુકાવી હતી કે નહીં, ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન કરાવ્યું હતું વગેરે જેવા અનેક પ્રશ્નો પૂછી લીધા. બહેનો કે માતાને કોઇ ગંભીર બીમારી લાગુ પડી હતી કે નહીં એ પણ જાણી લીધું.
આટલું કર્યા પછી મેં એમને તપાસ માટે એક્ઝામિનેશન ટેબલ પર સુવડાવ્યાં. પેટ ઉપરથી તપાસમાં કશું જ અસામાન્ય જાણવા ન મળ્યું. આંતરિક તપાસમાં પણ ગર્ભાશયનું કદ તથા અન્ય બાબતો નોર્મલ હતી, પણ મારા આશ્ચર્ય વચ્ચે જ્યારે મેં તપાસ પૂર્ણ કરી ત્યારે મેં હાથમાં પહેરેલાં રબ્બરના ગ્લવ્ઝ ઉપર લોહીના ડાઘ દેખાયા. મેં સાધન વડે ગર્ભાશયનું મુખ તપાસી લીધું. તેના પર ચાંદી જેવું કશું દેખાયું નહીં. એનો અર્થ એ થયો કે લોહી ગર્ભાશયની અંદરથી આવી રહ્યું હતું. મેં કિરણબહેનને મારી સામે બેસાડી અને સાવ સાદી ભાષામાં સમજાવ્યું, 'કિરણબહેન, કોઇ પણ સ્ત્રીમાં જ્યારે આવું બને ત્યારે મોટી બીમારીની શક્યતા ધ્યાનમાં રાખીને ચાલવું જોઇએ.' કિરણબહેન ભડકી ગયાં, 'મોટી બીમારી? એટલે? મને કેન્સર થયું છે?' 'ના. મોટી બીમારી એટલે માત્ર કેન્સર એવું કોણે કહ્યું? આનું કારણ સામાન્ય પણ હોઇ શકે, પણ આ ઉંમરે જો ગર્ભાશયમાંથી રક્તસ્રાવ હોય તો એનું કારણ શોધવું અત્યંત જરૂરી બની જાય છે.' કિરણબહેના કપાળ પર કરચલીઓ ઉપસી આવી, 'એના માટે શું કરવું પડશે?'
મેં કહ્યું, 'ક્યુરેટિંગ. આ એક સાવ નાની પ્રક્રિયા છે. એનેસ્થેટિસ્ટ આવશે. તમને બેભાન કરવાનું ઇન્જેક્શન આપશે. ફક્ત પાંચ જ મિનિટમાં હું તમારા ગર્ભાશયની અંદરથી દીવાલ ઘસીને બાયોપ્સી લઇ લઇશ. પછી એ બધું લેબોરેટરીમાં તપાસવા માટે મોકલી દઇશ. એના રિપોર્ટ ઉપરથી નિદાન વિશે માહિતી મળી જશે.'
મારી વાત સાંભળીને કિરણબહેનને અચાનક કંઇક યાદ આવ્યું. એમણે કહ્યું, 'બહેન, આજથી ત્રણ વર્ષ પહેલાં મેં આવી જ કોઇક તપાસ કરાવી હતી. એનો રિપોર્ટ તદ્દન નોર્મલ આવ્યો હતો, પણ એમાં મને બેભાન કરવામાં આવી ન હતી.' હું સમજી ગઇ કે એ શું કરવામાં આવ્યું હશે. હું આગળ કંઇ પૂછું તે પહેલાં જ કિરણબહેને પ્લાસ્ટિકની કોથળીમાંથી એક રિપોર્ટ કાઢીને ટેબલ પર મૂકી દીધો. મેં રિપોર્ટ વાંચ્યો. એ એક ટ્રસ્ટની હોસ્પિટલમાં કરવામાં આવેલો પેપસ્મીઅરનો રિપોર્ટ હતો. એ રિપોર્ટ સંપૂર્ણપણે નોર્મલ હતો.
હું મારી વાતમાં અટલ રહી, 'આ રિપોર્ટ નોર્મલ છે, પણ ત્રણ ‌વર્ષ પહેલાંનો છે. આપણે જે રિપોર્ટ કઢાવવાના છીએ એ વધારે અગત્યનો અને વધારે નિર્ણાયક બનશે.' કિરણબહેન મારી સલાહ સાથે સંમત થઇ ગયાં. મેં કહ્યું તે દિવસે ભૂખ્યા પેટે આવી ગયાં. એનેસ્થેટિસ્ટ પણ હાજર થઇ ગયા. એમણે કિરણબહેનને બેહોશીનું ઇન્જેક્શન આપ્યું. મેં પાંચ મિનિટની અંદર જ મારું કામ પૂરું કરી દીધું. ગર્ભાશયની અંદરથી જે બગાડ નીકળ્યો એનું પ્રમાણ એટલું બધું વધારે હતું કે એ જોઇને મને અમંગળ શંકા થઇ આવી. કિરણબહેન પંદર જ મિનિટમાં ભાનમાં આવી ગયાં અને એક કલાકની અંદર ઘરે જવા માટે ઊભાં પણ થઇ ગયાં. મેં આવશ્યક દવાઓ આપીને એમને જવા દીધાં.
એમનાં ગર્ભાશયમાંથી નીકળેલો બાયોપ્સી માટેનો બગાડ મેં એક સારી લેબોરેટરીમાં મોકલી આપ્યો. ત્યાંના પેથોલોજિસ્ટ એમના કાર્યમાં પારંગત ગણાતા હતા. હવે મારા ભાગે માત્ર એક જ કામ બાકી રહેતું હતું. રિપોર્ટ આવે તેની રાહ જોતાં બેસવાનું. આઠમા દિવસે પેથોલોજિસ્ટનો ફોન આવ્યો, ' મેડમ, કિરણબહેનની બાયોપ્સી મેં ઝીણવટપૂર્વક ત્રણ વાર તપાસી લીધી છે. એમને કેન્સર થયું છે. રિપોર્ટ તમને આવતી કાલે મળી જશે. તમે સારવાર બાબતમાં ઝડપ રાખજો નહીંતર કેન્સર ફેલાતાં વાર નહીં લાગે.'
મેં કિરણબહેનનો સી.ટી. સ્કેન કરાવ્યો. ફેફસાંમાં અને લીવરમાં કેન્સર ફેલાયું ન હતું તે જાણી લીધું પણ પેટની અંદરના ભાગમાં કેટલીક લિમ્ફનોટ્સ કેન્સરની ઝપટમાં આવી ચૂકી હતી. એ પછી એમનું યોગ્ય સમયે પૂરેપૂરી સાવચેતી રાખીને મોટું ઓપરેશન કરીને કિરણબહેનનો જીવ બચાવી લેવામાં આવ્યો. એ વાત લાંબી છે અને વૈજ્ઞાનિક જટિલતાથી ભરેલી છે. માટે હું વિગતમાં નથી જતી. બહેનો માટે માત્ર એટલી જ સલાહ છે કે મેનોપોઝ પછી એક વર્ષ બાદ કોઇ પણ પ્રકારનું બ્લીડિંગ થાય તો એને ગંભીરતાથી લેવું જોઇએ.

X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી