તિથિ-તહેવાર:આજથી 20 દિવસ સુધીમાં લગ્નનાં 9 મુહૂર્ત, 14 ડિસેમ્બરથી કમૂરતાં બેસશે, આ 1 મહિનો અશુભ ગણાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બુધવારે કારતક સુદ અગિયારસે વિક્રમ સંવત 2077ની પ્રથમ પ્રબોધિની એકાદશી (ભાગવત) છે. આ એકાદશી શ્રદ્ધા-ભક્તિપૂર્વક મનાવવામાં આવે છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર આવા શુભ દિવસથી ચાતુર્માસની સમાપ્તિ થશે. ઉપરાંત, આ દિવસથી તુલસીવિવાહની સાથે લગ્નગાળાનો પણ પ્રારંભ થશે, જે ૧૪ ડિસેમ્બર સુધી રહેશે. 20 દિવસના ગાળામાં લગ્નનાં 9 મુહૂર્ત છે. ત્યાર બાદ એક મહિનો ધનારક (કમૂરતા) તરીકે ગણાશે. આ એક મહિનો માંગલિક કાર્યો માટે અશુભ માનવામાં આવે છે. વર્ષની પ્રથમ એકાદશીના શુભ દિવસે ભગવાન વિષ્ણુનાં તુલસી માતા સાથે લગ્ન થયાં હોવાથી તેને દેવઊઠી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભગવાન વિષ્ણુના તુલસી માતા સાથે વિવાહ થયાં હોવાથી આવા દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરાતાં નથી. આ દિવસે જૂનાગઢની લીલી પરિક્રમાનો પણ પ્રારંભ થતો હોય છે. જોકે આ વખતે કોરોનાને કારણે પરિક્રમા પ્રથમ વાર બંધ રાખવામાં આવી છે. નૂતન વરસની પ્રથમ એકાદશી આવતી હોવાથી ભક્તોએ અવશ્ય ઉપવાસ કરવો જોઈએ અને શક્ય હોય તો મૌન રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. આ દિવસે ગૌસેવા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.

વિ.સં. 2077માં લગ્નનાં શુભ મુહૂર્તઃ-

નવેમ્બર: 25, 27, 30

ડિસેમ્બર: 1, 2, 7, 8, 9, 10

એપ્રિલ: 24, 25, 26, 28, 29, 30

મે: 1, 2, 4, 7, 8, 19, 20, 21, 22, 24, 26, 27, 28, 30, 31

જૂન:3, 4, 6, 15, 16, 19, 20, 21, 24, 26, 28

જુલાઈ:1, 2, 3, 4, 13, 15

નવેમ્બર: 16, 20, 21, 22, 26, 28, 29, 30

ડિસેમ્બર:1, 7, 9, 11, 13, 14

દેવઊઠી એકાદશીની પૂજાવિધિઃ-
શેરડીનો મંડપ બનાવવો અને તેની વચ્ચે ચોક બનાવી, તેમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર રાખવું. ભગવાનનાં ચરણચિહ્ન બનાવવાં. ભગવાનને શેરડી, સિંઘાડા તેમજ ફળ, મીઠાઈ સમર્પિત કરવા. ઘીનો દીવો કરવો અને ધ્યાન રાખવું કે તે રાત્રે પણ ચાલતો રહે. સવારે ભગવાન વિષ્ણુના ચરણની પૂજા કરવી અને તેમને જાગ્તર કરવા. ભગવાનને જાગ્તર કરવા માટે શંખ, ઘંટ અને કીર્તનનો ધ્વનિ કરવો. ત્યાર બાદ એકાદશીની કથા કરવી. ભગવાનને પ્રણામ કરી અને મનોકામના વ્યક્ત કરવી.