તિથિ-તહેવાર:માર્ચ મહિનાનું કેલેન્ડરઃ આ મહિનામાં શિવરાત્રિ, હોળી સહિત અનેક મોટા તહેવારો ઊજવાશે

એક વર્ષ પહેલા

માર્ચ મહિનામાં શિવરાત્રિ, હોળી સહિત અનેક પ્રમુખ વ્રત અને તહેવાર આવશે. આ મહિનાની શરૂઆત મહા મહિનાના વદ પક્ષની બીજ તિથિ સાથે અમૃત કાળ સાથે થઇ રહી છે. મહિનાની શરૂઆતમાં જ પ્રથમ પૂજ્ય ગણેશ ભગવાનના વ્રત અંગારક ચોથથી થઇ રહી છે. તે પછી વિજયા એકાદશી, મહાશિવરાત્રિથી લઇને હોળી જેવા મોટા તહેવાર પણ આ ખાસ મહિનામાં આવશે. આ બધા વ્રત-તહેવારનું ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે. માર્ચનો મહિનો એટલા માટે પણ ખાસ છે કેમ કે આ મહિનામાં બે એકાદશી આવી રહી છે, જે વિજયા એકાદશી અને આમલકી એકાદશી છે. એવામાં આ મહિનો વિષ્ણુ ભક્તો માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. ચાલો જાણીએ માર્ચ મહિનામાં આવતાં મુખ્ય તહેવારોની તિથિ અને તેમનું ધાર્મિક દૃષ્ટિએ શું મહત્ત્વ છે.

2 માર્ચ, મંગળવારઃ- અંગારક ચોથ-
મહા મહિનાના વદ પક્ષની ચોથના દિવસે અંગારક ચોથનું વ્રત કરવામાં આવે છે. આ ચોથ ભગવાન ગણેશજીને સમર્પિત છે અને આ દિવસે વિઘ્ન વિનાશક ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે અંગારક ચોથનું વ્રત કરવાથી આખું વર્ષ ચોથ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે.

3 માર્ચ, બુધવારઃ- કાલાષ્ટમી
મહા મહિનાના વદ પક્ષની પાંચમ તિથિએ કાલાષ્ટમીનું વ્રત કરવામાં આવશે. આ વ્રત ભગવાન શિવના સ્વરૂપ કાળભૈરવને સમર્પિત છે. આ દિવસે રાતે જાગરણ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની કથા સાંભળવામાં આવે છે અને તેમની પાસેથી સુખ-સમૃદ્ધિના આશીર્વાદ માંગવામાં આવે છે. માન્યતા છે કે કાળભૈરવનું વ્રત કરવાથી બધી સમસ્યાઓથી મુક્તિ મળે છે અને તંત્ર-મંત્ર જેવી નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળી જાય છે.

8 માર્ચ, સોમવારઃ- સ્વામી દયાનંદ જયંતી અને વિશ્વ મહિલા દિવસ-
સ્વામી દયાનંદ સરસ્વતીની જયંતી 8 માર્ચ સોમવારના દિવસે ઊજવવામાં આવશે. સાથે જ આ દિવસે વિશ્વ મહિલા દિવસ પણ છે. સ્વામી દયાનંદજીનો જન્મ ગુજરાતના શહેર ટંકારામાં થયો હતો અને તેમની માતાનું નામ યશોદાબાઈ અને પિતાનું નામ કરશનજી લાલજી તિવારી હતું. તેમના પિતા એક અમીર, સમૃદ્ધ અને પ્રભાવશાળી વ્યક્તિ હતાં. તેઓ ઇચ્છે તો તેમનું જીવન સુખપૂર્વક પસાર કરી શકતાં હતાં પરંતુ તેમણે અનેક સમાજ સુધારના કાર્યો કર્યા અને આર્જ સમાજની સ્થાપના કરી.

9 માર્ચ, મંગળવારઃ- વિજયા એકાદશી-
મહા મહિનાના વદ પક્ષની એકાદશીને વિજયા એકાદશીના નામે ઓળખવામાં આવે છે અને આ વખતે આ શુભ તિથિ 9 માર્ચના દિવસે આવી રહી છે. શાસ્ત્રોમાં વિજયા એકાદશીને બધા વ્રતોમાં સૌથી ઉત્તમ માનવામાં આવે છે અને આ વ્રત કરવાથી બધા પાપ નષ્ટ થઇ જાય છે. વિજયા એકાદશીનું વ્રત કરવાથી બંને લોકમાં વિજય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની આરાધના કરવી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ સૌથી ઉત્તમ વ્રત છે.

11 માર્ચ, ગુરુવારઃ- મહાશિવરાત્રિ-
દર મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિએ શિવરાત્રિ આવે છે પરંતુ મહા મહિનાના વદ પક્ષમાં આવતી ચૌદશ તિથિને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિના પર્વને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાનું વિધાન છે. ભગવાન શિવજીનો આ મુખ્ય પર્વ છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતીજીના લગ્ન થયાં હતાં. આ દિવસે સાચા મનથી શિવ-પાર્વતીની પૂજા કરવાથી બધા પ્રકારના શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

17 માર્ચ, બુધવારઃ- વિનાયક ચોથ-
દર મહિનાના સુદ પક્ષની ચોથ તિથિ ભગવાન ગણેશજીને સમર્પિત હોય છે અને આ દિવસે વ્રત રાખવાનું વિધાન છે. આ દિવસે ભગવાન ગણેશજીની વિધિ-વિધાનથી પૂજા કર્યા પછી લાડવાનો ભોગ ધરાવવામાં આવે છે.

21 માર્ચ, રવિવારઃ- હોળાષ્ટક શરૂ-
હોળીથી આઠ દિવસ પહેલાં દર વર્ષે હોળાષ્ટક શરૂ થઇ જાય છે. આ વર્ષે આ તિથિ 21 માર્ચ, રવિવારના દિવસે છે. શાસ્ત્રો પ્રમાણે ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિથી ફાગળ પૂનમ સુધીનો સમય હોળાષ્ટક કહેવાય છે. આ દરમિયાન કોઇપણ શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે. કેમ કે, આ સમયગાળો અશુભ હોય છે. આ દરમિયાન માંગલિક કાર્યો કરવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

25 માર્ચ, ગુરુવારઃ- આમલકી એકાદશી-
ફાગણ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિને આમલકી એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ શુભ તિથિ 25 માર્ચ, ગુરુવારે આવે છે. હોળી પહેલાં આવતી એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવી જોઇએ અને જે લોકો વ્રત રાખી શકતાં નથી તેમણે આંબળાનું સેવન કરવું જોઇએ. તેનાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. મથુરામાં રંગભરની એકાદશીના દિવસે બાંકે બિહારીની હોળીનું વિશેષ આયોજન થાય છે.

28 માર્ચ, રવિવારઃ- હોળિકા દહન-
સનાતન ધર્મમાં હોળીનો તહેવાર સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે હોળાષ્ટકથી એકઠી કરેલી લાકડીઓ અને છાણાને એકઠા કરીને તેની પૂજા કરવામાં આવે છે અને શુભ સમયે હોળિકા દહન કરવામાં આવે છે. આ પર્વ સત્યનો પર્વ છે.

29 માર્ચ, સોમવારઃ- ધૂળેટીઃ-
ફાગણ મહિનાના વદ પક્ષની એકમ તિથિએ ધૂળેટી ઊજવવામાં આવે છે. આ દિવસે એકબીજા ઉપર રંગ લગાવવામાં આવે છે અને આ પર્વને વસંતોત્સવ સ્વરૂપમાં ઊજવવામાં આવે છે. આ તહેવારને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વમાં ઊજવવામાં આવે છે. આ દિવસે ગણગૌર પૂજા પણ શરૂ થાય છે, જે ખાસ કરીને રાજસ્થાનમાં ખૂબ જ ધૂમધામથી ઊજવવામાં આવે છે.