હોલિકાદહનની તારીખને લઈને અનેક અસમંજસ છે, આ પાછળનું કારણ એ છે કે પૂનમની તિથિ બે દિવસ રહેશે. હોલિકાદહન બનારસ (UP)ના કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન (MP)નાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરોમાં 6-7 માર્ચના રોજ રાતે 12.40થી 5.56 વાગ્યા વચ્ચે થશે. 7મીએ સાંજે મથુરા-વૃંદાવનમાં હોળી પ્રગટાવવામાં આવશે, પરંતુ સમગ્ર દેશમાં ધુળેટી એટલે કે રંગો રમવાનો દિવસ 8મી માર્ચે જ રહેશે, એટલે કે દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં હોળીદહનના 24 કલાક પછી જ ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં હોલિકાદહન તા. 06.03.2023 સોમવારે સાંજે 07.00થી 09.30 દરમિયાન કરવું શ્રેષ્ઠ રહેશે.
આ પ્રકારની ઘટના 28 વર્ષ પહેલાં 26 માર્ચ 1994ના રોજ બની હતી. જ્યારે હોલિકાદહન મુહૂર્ત રાત્રે માત્ર થોડા કલાકો માટે હતું, કારણ કે એ વર્ષે પણ પૂર્ણિમાની તારીખ બે દિવસની હતી અને એ સૂર્યાસ્ત પછી શરૂ થઈ તેમજ બીજા દિવસે સૂર્યાસ્ત પહેલાં સમાપ્ત થઈ ગઈ.
જાણો હોલિકાદહન ક્યારે કરવું જોઈએ...
સવાલ : હોલિકાદહનની તારીખને લઈને મતભેદ શા માટે?
જવાબ: દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે જ હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે ધુળેટીનો તહેવાર ઊજવવામાં આવે છે, પરંતુ આ વખતે પૂનમની તિથિ બે દિવસ રહેશે. એને કારણે મૂંઝવણ છે. આ સાથે જ અશુભ ભદ્રાકાળ પણ રહેશે. આ કારણસર હોલિકાદહનનો ઉલ્લેખ કેટલાક પંચાંગોમાં 6 માર્ચ અને અન્યમાં 7 માર્ચે છે.
સવાલ : પૂનમ અને ભદ્રા કેટલો સમય હશે?
જવાબ : પૂનમ 6 માર્ચે સાંજે 4.30 વાગ્યે શરૂ થશે અને 7મીએ સાંજે 6.10 વાગ્યા સુધી રહેશે. આ સાથે ભદ્રા 6 માર્ચની સાંજે લગભગ 4.18 વાગ્યે 7 માર્ચની સવારે સૂર્યોદય સુધી રહેશે, જેમાં ભદ્રાની પુચ્છનો સમયગાળો 6 તારીખે સાંજે 4:18 વાગ્યાથી 9:17 વાગ્યા સુધી રહેશે.
સવાલ: હોલિકાની પૂજા ક્યારે કરવી જોઈએ ?
જવાબ: હોળીની પૂજા પૂનમના દિવસે સૂર્યાસ્ત સમયે કરવાનો નિયમ છે. આ એટલા માટે કે 6 માર્ચની સાંજે સંધ્યાકાળમાં એટલે કે 6.24થી 08.51 વાગ્યા દરમિયાન હોળીપૂજા કરવી શુભ રહેશે.
સવાલ: ક્યાં રાજ્યમાં ક્યારે હોળી પ્રગટાવવામાં આવશે?
જવાબ: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 6ઠ્ઠી અને 7મીની વચ્ચેની રાત્રે હોળી પ્રગટાવવામાં આવશે. પંજાબ, હરિયાણા, રાંચી અને ઉત્તરપ્રદેશમાં 6 અને 7 તારીખે, એટલે કે બંને દિવસે, જ્યારે ગુજરાત, દિલ્હી, પટના અને હિમાચલમાં 7 તારીખે સાંજે હોલિકાદહન થશે. એ જ સમયે 8 માર્ચે દેશભરમાં ધુળેટીની ઉજવણી કરવામાં આવશે.
સવાલ: હોલિકાદહનનું મુહૂર્ત કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
જવાબ: હોલિકાદહનનો શુભ સમય ત્રણ બાબત દ્વારા નક્કી કરવામાં આવે છે, જેમાં પૂનમની તિથિ અને સૂર્યાસ્ત પછીનો સમય, જેને પ્રદોષકાળ કહેવામાં આવે છે. એ બંને હોવા જોઈએ. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે ભદ્રકાળ ન હોવો જોઈએ.
અખિલ ભારતીય વિદ્વત પરિષદ અને કાશી વિદ્વત પરિષદનું કહેવું છે કે જ્યારે આ ત્રણ યોગ એકસાથે રચાય છે ત્યારે એવું ભાગ્યે જ બને છે, તેથી જ સૌથી મહત્ત્વની વસ્તુ પૂર્ણિમા તિથિએ હોલિકાદહન હોવું જોઈએ. જો પૂર્ણિમા સાથે ભદ્રા હોય તો હોલિકાદહન ભદ્રાના પુચ્છકાળના અંતિમ સમયમાં પણ કરી શકાય છે.
હોળીની જ્વાળાની દિશા દ્વારા શુભ-અશુભ ફળ
સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા, કોઈ પ્રસાદી રૂપી વસ્તુ હોળી જ્વાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદક્ષિણા ફરાય છે. હોળી પ્રાગટ્ય ભદ્રારહિત કરણમાં કરાય છે. ભદ્રા એટલે વિષ્ટિ, જો ભદ્રાના સમયમાં પ્રાગટ્ય થાય તો એ પ્રાંત માટે અશુભ ફળ મળે એવું પણ જાણવા મળે છે. હોળીની જ્વાળા કઇ દિશા તરફ જાય છે કે ઉપર આકાશ તરફ જાય છે એ મુજબ એનાં ફળ મળતાં હોય છે, જેમ કે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય વગેરે પરથી શુભાશુભ બાબત એ વર્ષ પૂરતું જણાતી હોય છે. એમાં ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના જેવી શુભાશુભ બનાવો જે-તે પ્રાંત/વિસ્તારો બાબતે કેટલાક લોકો વરતારો કાઢતા હોય છે. હોળી અંગે ઘણા પ્રાંતમાં અલગ મહિમા અને કેટલીક પ્રથા/માન્યતા મુજબ જોવા મળે છે.
પૂનમના દિવસે ઉગ્ર સ્વરૂપમાં રાહુ હોય છે
હોળી પહેલાંના આઠ દિવસમાં ગ્રહોનો અશુભ પ્રભાવ પણ વધી જાય છે. આઠમના દિવસે ચંદ્ર, નોમના દિવસે સૂર્ય, દશમના દિવસે શનિ, એકાદશીએ શુક્ર, બારસના દિવસે ગુરુ, તેરસના દિવસે બુધ, ચૌદશના દિવસે મંગળ અને પૂનમના દિવસે રાહુ ઉગ્ર સ્વભાવમાં રહે છે.
રાહુના અશુભ પ્રભાવથી માનસિક તણાવ, કન્ફ્યૂઝન અને અજાણ્યો ભય વધે છે. રાહુને કારણે જ અનેક લોકો ખોટા નિર્ણય લે છે, એટલે રાહુથી બચવા માટે હોલિકાદહનમાં ગાયના ગોબરથી બનેલાં છાણાં પ્રગટાવવામાં આવે છે. પૂનમ તિથિએ પાણીમાં ગંગાજળ અને ગૌમૂત્ર મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.