29મીથી આદ્યશક્તિની ઉપાસનાનું મહાપર્વ શરૂ થશે, શુભ મુહૂર્તમાં વિધિવત ઘટસ્થાપન કરવું જોઈએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રિમાં માતાજીને ચાંદીની કે સોનાની નથડી ચડાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

ધર્મ ડેસ્ક- સામાન્ય રીતે શરદઋતુની નવરાત્રિમાં વિશેષરૂપથી આદ્યશક્તિની ઉપાસના કરવી જોઈએ. એવી જ રીતે વસંતઋતુની નવરાત્રિમાં પણ જગદંબા ઉપાસના ફળદાયી છે. વર્ષભરની કુલ 4 નવરાત્રિમાંથી મહા અને અષાઢની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે અને ચૈત્ર અને આસો માસની નવરાત્રિને મહા નવરાત્રિ કહેવાય છે.
 
શ્રીમદ્ દેવીભાગવત આધારિત માની ઉપાસના (વ્યાસજીના મુખે) આસો સુદ એકમમાં નંદાતિથિનું ખૂબ જ મહત્ત્વ છે એટલે કે પ્રતિપ્રદાના દિવસે હસ્ત નક્ષત્ર હોય તો તે જ સમયમાં સ્થાપન કરી વિશેષ પૂજા ખૂબ જ ફળ પ્રદાન કરે છે. કળશ સ્થાપન કરીને દેવી-પુરાણોના મંત્રોચ્ચાર સાથે મા જગદંબાની સંપૂર્ણ પૂજા કરવી. આ રીતે મા જગદંબાની નિયમિત નવ દિવસ પૂજા આરાધના કરવી. વ્રત દરમિયાન ઉપવાસ-ફળાહાર કે એકટાણું કરી શકાય. જો ઉપાસકથી નવ દિવસ ઉપવાસ એકટાણાં ન થઈ શકે તો છેલ્લા ત્રણ દિવસ સાતમ-આઠમ-નોમ પણ કરી શકાય, તેથી પણ પૂરી નવરાત્રિ ઉપાસનાનું ફળ પ્રાપ્ત થાય છે.
 
ખાસ કરીને તમામ ઋતુમાં પુષ્પથી મા જગદંબાની ઉપાસના કરવી. ચંદન, કપૂર, મદાર, કમળ, અશોક, બ્રહ્મપુષ્પ, ચંપો, કનેર, માલતી, બિલીપત્ર, સુગંધી અત્તર, ધૂપ-દીપ, માતાજીને પ્રિય એવા નૈવેદ્યમાં સુખડી, કેસરમિશ્રિત પ્રસાદ, આંબળા, શિંગોડા તમામ ઋતુફળ, નારિયેળ, લીંબું આદું વગેરે મા જગદંબાને અર્પણ કરવાથી આદ્યશક્તિ ખૂબ જ પ્રસન્ન થાય છે. શક્ય હોય તો નવરાત્રિ દરમિયાન ત્રણેય સમય મા ભગવતી જગદંબાની ઉપાસના કરવી. નવરાત્રિ વ્રત દરમિયાન સાધકે બ્રહ્મચર્ય પાળવું અને ભૂમિશયન કરવું જોઈએ.
 

મનોકામના પૂર્ણ કરવા વિશિષ્ટ પ્રયોગો
 
નવરાત્રિ દરમિયાન કે અન્ય દિવસોમાં માતાજીને અખરોટ, કેસર, કુમકુમ, કાજલ, હલવાનો ભોગ, ગુલાબ મોગરાનો ગજરો, એલચી લવિંગવાળું પાનનું બીડું અર્પણ કરવાથી મા આદ્યશક્તિ જગદંબા ખૂબ જ પ્રસન્ન થાય છે.
 
- માતાજીને ચાંદીની કે સોનાની નથડી ચડાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
 
- બે વર્ષથી 10 વર્ષ સુધીની કન્યાઓને, વસ્ત્ર- અન્ન-ભેટસોગાદ- અલંકાર- શ્રૃંગારનાં સાધનો અર્પણ કરવાથી ઉપાસકની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
 
- માતાજીને લાલ ચૂંદડી, લાલ દાડમ, લાલ કરેણનું ફૂલ અર્પણ કરવું.
 
- નવરાત્રિ દરમિયાન શ્રીયંત્રને સિદ્ધ કરવાનો અતિ ઉત્તમ સમય હોઇ આ સમયમાં દૂધ-કેસર-મલાઈ-મધ અને ગંગાજળ મિક્સ કરી આ દ્રવ્ય વડે શ્રીસૂક્તની ઋચાઓનું મનન કરતાં શ્રીયંત્ર ઉપર અભિષેક કરવાથી શ્રીયંત્ર સિદ્ધ થાય છે અને ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે.
 
- ઓમ્ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્યૈ: આ મંત્રનો સતત અનુષ્ઠાન કરવું. આ મંત્રમાં ત્રણેય મહાન દેવીનો વાસ છે. સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર. જેનાથી ત્રણેય દેવીની પ્રસન્નતા રહે છે.
 
- દુર્ગા સપ્તશતીનું નિત્ય પઠન કરવું, આ ઉપરાંત દુર્ગા અષ્ટોતરશત નામ સ્તોત્ર, રાત્રિસૂક્ત, અર્ગલા સ્તોત્ર, દુર્ગાબત્રીસી નામ સ્તોત્ર, કુંજીકા સ્તોત્રના નિયમિત પાઠ કરવાથી ઉપાસકના હૃદયમાં-ઘરમાં-પરિવારમાં હકારાત્મક ઊર્જાનું નિર્માણ થાય છે.
 
ટૂંકમાં માનવને મળેલા આ પવિત્ર જન્મમાં જગદંબાને પ્રસન્ન કરવાનો, અમોઘ શક્તિ મેળવવાનો, તમામ સુખ-ભોગ-ઉપભોગ પ્રાપ્ત કરવાનો આ નવરાત્રિ સુવર્ણ અવસર છે. માનવે આ સમયને વેડફ્યા વિના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે આ પવિત્ર દિવસોમાં મા જગદંબાની ઉપાસના પરાયણ રહેવું એ જ નવરાત્રિનું મુખ્ય ધ્યેય છે.
 

‘નવરાત્રિ પર્વ’માં ‘ઘટ સ્થાપન’ વિધિ
 
- અધિકારી આચાર્ય કે જ્ઞાનસંપન્ન ગુરુવર્યના સંપૂર્ણ માર્ગદર્શન અનુસાર સૂચિત મંગલકારી શુભ મુહૂર્તમાં ઘરના દેવાલયમાં કે યોગ્ય સાનુકૂળ સ્થળે, ધોળી માટી અને ગાયના પવિત્ર છાણ વડે તે જગ્યા પર લીંપણ કરી, બાજઠ ઢાળી, બાજઠને લાલ કે લીલા રેશમી વસ્ત્રથી (સ્થાપનથી) આચ્છાદિત કરી, તેમાં ધાન્ય તરીકે ચોખા (અક્ષત) પધરાવી, માની મૂર્તિનું સ્થાપન કરવું. જો મૂર્તિ ન હોય તો, નવાર્ણ મંત્રયુક્ત યંત્રની સ્થાપના કરવી. પીઠ પૂજા માટે પાંચ પલ્લવ (કપૂરી પાન પણ લઇ શકાય)થી યુક્ત જળ ઘડામાં પૂજન અર્થે કંકુ, ચોખા, ફૂલ, અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર, સોપારી, લીલી ધરો અને રોકડો રૂપિયો પધરાવી અખિલ બ્રહ્માંડમાં જડ અને ચેતન સર્વ પરિબળો સમન્વિત સમગ્ર વિશ્વ આપણું કલ્યાણ-રક્ષણ કરે તે માટે પ્રાર્થના કરવી.
 
- જવારા તથા કુંભસહિત માતાજીની મૂર્તિ કે યંત્રની દરરોજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અધિકારી આચાર્ય પાસે યથાશક્તિ પૂજા કરવી-કરાવવી. પ્રતિદિન ચંડીપાઠ પણ કરી-કરાવી શકાય.
 
- દરરોજ એક કુમારિકાનું પૂજન કરી, રોજ એક કુમારિકા વધારતાં જઇ, નવ દિનપર્યંત, નવદુર્ગાના પ્રતીક સમાન કુમારિકાઓને પૂજી, પ્રત્યેક કુમારિકાને વસ્ત્ર, અલંકાર, આભૂષણ અર્પણ કરી, દક્ષિણા આપી, ભોજનથી તૃપ્ત કરવી.
- ધન અને ધાન્યની અભિવૃદ્ધિના ભાવ સાથે, તે જ જગ્યાએ પાંચ, સાત કે નવ પ્રકારનાં ધાન્યનું (શક્ય હોય ત્યાં સુધી નવ ધાન્ય જ લેવાં) મિશ્રણ કરી જવારા વાવી તેનું નવ દિનપર્યંત જતન કરવું.
 
પંચાંગ પ્રમાણે ઘટ સ્થાપનના શુભ મુહૂર્ત 29 સપ્ટેમ્બર 2019 રવિવારે શારદીય નવરાત્રિની ઘટ સ્થાપના થશે. જેમાં સવારે 06.16 થી સાવરે 07.40 સુધી (સમયાવધિ 1 કલાક 24 મિનિટ) રહેશે અને અભિજિત મુહૂર્ત સવારે 11.48 વાગ્યાથી બપોરે 12.35 વાગ્યા સુધી (સમયાવધિ 47 મિનિટ) રહેશે.

અન્ય સમાચારો પણ છે...