નવરાત્રિ વિશેષ / 51 શક્તિપીઠમાં દેવીના રક્ષક તરીકે શિવ બટુક ભૈરવ તરીકે બિરાજે છે, ભૈરવનાં દર્શન ન કરાય તો દર્શન અધૂરાં ગણાય છે

Goddess Durga Mata and Batuk Bhairav mythology
X
Goddess Durga Mata and Batuk Bhairav mythology

Divyabhaskar.com

Nov 15, 2019, 07:17 PM IST

ધર્મ ડેસ્ક. શક્તિતત્વ દ્વારા જ આ સમસ્ત બ્રાહ્માંડ સંચાલિત થાય છે. શક્તિના અભાવમાં શિવમાં પણ સ્પંદન શક્ય નથી, કારણ કે શિવનું રૂપ જ અર્ધનારીશ્વર છે. કોઈ એવું નથી કહેતું કે તે બ્રહ્મહીન છે કે વિષ્ણુહિન છે કે શિવહીન છે બલ્કે એવું કહેવાય છે કે શક્તિહીન છે. આથી બધાનું અસ્તિત્વ સર્વારાધ્યા, સર્વમંગલકારિણી તથા અવિનાશિની શક્તિ કારણ જ છે.

પુરાણોમાં થયેલા ઉલ્લેખો અનુસાર વિવિધ શક્તિપીઠ સતીના શરીરના વિવિધ અંગોના નામના આધારે બનાવવામાં આવ્યા છે. તે તમામની પાછળ એક વિશેષ કથા પણ રહેલી છે, એવું માનવામાં આવે છે કે, દક્ષ પ્રજાપતિએ કંનખલ (હરિદ્વાર)માં 'બૃહસ્પતિ સર્વ' નામનો યજ્ઞ કર્યો હતો.

બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને અન્ય દેવી-દેવતાઓને તે યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ તેમના જમાતી ભગવાન શંકરને જાણી જોઈને બોલાવ્યા નહોતા. પિતાએ આમંત્રણ ન આપ્યું હોવા છતાં શિવની પત્ની અને દક્ષની પુત્રી સતી યજ્ઞમાં ભાગ લેવા ગયા હતા. યજ્ઞના સ્થળે સતીએ તેના પિતા દક્ષને આમંત્રણ ન આપવાનું કારણ પૂછ્યું અને તેના પિતા સામે ક્રોધ દર્શાવ્યો. તેના કારણે દક્ષ પ્રજાપતિએ શિવજીને અપશબ્દો કહ્યા. આ અપમાનથી પીડાતી સતીએ યજ્ઞના અગ્નિ કુંડમાં કૂદીને પ્રાણ ત્યાગ કર્યો હતો.

ભગવાન શંકરે જ્યારે આ દુર્ઘટનાની જાણ થઈ તો ક્રોધિત થતાં તેમની ત્રીજી આંખ ખુલી ગઈ અને ભયંકર તાંડવ કરવાનો સંકલ્પ કર્યો. ભગવાનના કહેવાથી તેમના તીવ્ર ક્રોધને કારણે બધા દેવો, ઋષિઓ, યજ્ઞ સ્થળેથી ભાગી ગયા હતા. શિવજી સતીના શરીરને યજ્ઞકુંડમાંથી બહાર કાઢી પોતાના ખભા પર ઉંચકીને પૃથ્વીની આસપાસ ફરવા સાથે તાંડવ કરવા લાગ્યા. પછી ભગવાન વિષ્ણુએ સમગ્ર સૃષ્ટિને પ્રલયથી બચાવવા માટે પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરને અનેક ટુકડાઓમાં કાપી નાંખ્યું હતું. એ શરીરનાં ટુકડાઓ ધરતી પર જ્યાં - જ્યાં પડ્યાં તે સ્થાનકોને શક્તિપીઠ કહેવામાં આવે છે.

દેશ અને દુનિયામાં આવેલા 51 શક્તિપીઠનું અનેરું મહત્ત્વ રહેલું છે. આ શક્તિપીઠોનું સ્થાન, જ્યાં અધિષ્ઠાત્રી શક્તિ તથા ભૈરવના નામ અને સતીના કયા અંગ કે આભૂષણ ક્યાં પડ્યા, કયા-કયા શક્તિપીઠ બન્યા તેનો પરિચય આ પ્રકારે છે-

નવરાત્રિમાં કન્યા પૂજન વખતે એક બાળક બોલાવવામાં આવે છે, તે બાળક બટુક ભેરવ રૂપમાં પૂજવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન શિવે દરેક શક્તિપીઠમાં માતાની સેવા માટે બટુક ભૈરવને તૈનાત કર્યા છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ શક્તિપીઠમાં માતાના દર્શન કર્યા પછી ભૈરવના દર્શ ન કરવામાં આવે તો દર્શન અધૂરાં માનવામાં આવે છે.

(આ 42 શક્તિપીઠ ભારતમાં છે. આ શક્તિપીઠો સિવાય એક બીજી શક્તિપીઠ કર્ણાટકમાં માનવામાં આવે છે. અહીં સતીના બંને કર્ણ પડ્યાં હતા. અહીં સતી જયદુર્ગા અને શિવને અભીરુ તરીકે ઓળખવામાં આવે છે. 9 શક્તિપીઠો વિદેશોમાં સ્થાપિત થયેલી છે)

1

કિરીટ- (પશ્ચિમ બંગાળ)

અહીં સતીના માથાનું આભૂષણ (મુગટ) પડ્યો હતો. અહીં શક્તિને વિમલા, ભુવનેશી કહેવાય છે તો ભૈરવ(શિવ) સંવર્ત નામથી ઓળખાય છે

2

વૃંદાવન- (ઉત્તર પ્રદેશ)

અહીં સતીના વાળ પડ્યાં હતાં. અહીં સતી ઉમા અને શંકર ભુતેશના નામે ઓળખવામાં આવે છે.

3

કરવીર-(મહારાષ્ટ્ર, કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિર)

અહીં સતીના ત્રિનેત્ર પડ્યાં હતાં. અહીં સતી મહિષમર્દિની અને ભૈરવ- ક્રોધીશ તરીકે ઓળખાય છે.

4

શ્રીપર્વત- (લદ્દાખ, કાશ્મીર)

અહીં સતીની જમણી કાનપટ્ટી પડી હતી. સતી અહીં શ્રીસુંદરી તથા શિવ સુંદરાનંદ તરીકે ઓળખાય છે.

5

વારાણસી- (વારાણસી મીરઘાટ પર વિશાલાક્ષી મંદિર)

અહીં સતીની કાનની મણી પડી હતી. અહીં સતી વિશાલાક્ષી તથા શિવ કાળભૈરવ તરીકે ઓળખાય છે.

6

ગોદાવરીતટ-(આંધ્રપ્રદેશ)

અહીં સતીના વામગન્ડ(ડાબો ગાલ) પડ્યો હતો. અહીં સતીને વિશ્વેશી, રુક્મણી તથા ભૈરવને દંડપાણિ, વત્સનાભ તરીકે ઓખવામાં આવે છે.

7

શુચિ- (તમિલનાડુ, શુચીન્દ્રમ)

અહીં સતીના ઉપરના દાંત પડ્યા હતાં. અહીં સતીને નારાયણી તથા શંકરને સંહારના નામે ઓળખવામાં આવે છે.

8

પંચસાગર-

અહીં સતીના નીચેના દાંત પડ્યા હતા. અહીં સતી વારાહી અને શંકર મહારુદ્રના નામથી ઓળખવામાં આવે છે. આ શક્તિપીઠના સ્થાન વિશે નિશ્ચિત સ્થાનની જાણ નથી.

9

જ્વાલામુખી- (હિમાચલ પ્રદેશ, કાંગડાનું જ્વાલામુખી મંદિર)

અહીં સતીની જીભ પડી હતી. અહીં સતી સિદ્ધિદ્ધા અને ભૈરવ ઉન્મત્ત રૂપમાં બિરાજીત છે.

10

ભૈરવપર્વત- (મધ્યપ્રદેશ)

અહીં સતીનો ઉપરનો હોઠ પડ્યો હતો. અહીં સતી અવન્તી અને શિવ લમ્બકર્ણ તરીકે એળખવામાં આવે છે.

11

અટ્ટહાસ- (બર્દવાન, પશ્ચિમ બંગાળ)

અહીં સતીનો નીચેનો હોઠ પડ્યો હતો. અહીં સતી ફલ્લરાદેવી તથા ભૈરવને વિશ્વેશ તરીકે ઓળખવામાં આવે છે.

12

જનસ્થાન- (મહારાષ્ટ્ર, નાસિક-પંચવટી ભદ્રકાલી મંદિર)

અહીં સતીની હડપચી પડી હતી. અહીં સતી ભ્રામરી અને ભૈરવને વિકૃતાક્ષ તરીકે ઓળખવામાં આવે છે.

13

કાશ્મીર- (કાશ્મીરમાં અમરનાથ ગુફાની અંદર)

અહીં સતીનું કંઠ પડ્યું હતું. આ જગ્યાએ સતી મહામાયા તથા ભૈરવ ત્રિસંધ્યેશ્વર તરીકે ઓળખવામાં આવે છે.

14

નન્દીપુર- (પશ્ચિમ બંગાળ)

અહીં સતીનો કંઠહાર પડ્યો હતો. અહીં સતી નન્દિની અને શિવ નન્દિકેશ્વર તરીકે ઓળખાય છે.

15

શ્રીશૈલ- (આંધ્રપ્રદેશ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર)

અહીં સતીની ગ્રીવા પડી હતી. અહીં સતીને મહાલક્ષ્મી તથા શિવને સંવરાનંદ, ઈશ્વરાનંદ તરીકે ઓળખવામાં આવે છે.

16

નલહટી- (પશ્ચિમ બંગાળ)

અહીં સતીની ઉદરનળી પડી હતી. અહીં સતી કાલિકા અને શિવ યોગીશ તરીકે ઓળખાય છે.

17

મિથિલા - (મિથિલા, જનકપુર - નેપાળ, સમસ્તીપુર)

અહીં સતીનું વામ સ્કંઘ(ખભો) પડ્યો હતો. અહીં શક્તિ ઉમા, મહાદેવી તથા શિવ મહોદર તરીકે ઓળખાય છે. આ ત્રણેય જગ્યાએ આ શક્તિપીઠ માનવામાં આવે છે.

18

રત્નાવલી- (મદ્રાસ)

અહીં સતીનો જમણો ખભો પડ્યો હતો. અહીં સતી શક્તિ કુમારી તથા ભૈરદાદા તરીકે શિવ સ્થાન ધરાવે છે.

19

પ્રભાસ- (ગુજરાત, સોમનાથ મંદિર પાસે)

અહીં સતીનું ઉદર પડ્યું હતું. અહીં સતી ચંદ્રભાગા અને શિવ વક્રતુન્ડના નામે ઓળખવામાં આવે છે.

20

જાલંધર- (જાલંધર, પંજાબ)

અહીં સતીનું ડાબુ સ્તન પડ્યું હતું. અહીં સતી ત્રિપુરમાલિની તથા શિવ ભીષણના નામે પ્રસિદ્ધ થયા છે.

21

રામગિરી- (આંધ્રપ્રદેશ)

અહીં સતીનું જમણું સ્તન પડ્યું હતું. અહીં સતી શિવાની અને ભૈરવરૂપમાં ચંડ વિદ્યમાન છે. ( કેટલાક વિદ્વાનો ચિત્રકૂટના શારદામંદિરને અને કેટલાક મૈહરના શારદા મંદિરને આ શક્તિપીઠ માને છે).

22

વૈદ્યનાથ- (બિહાર, વૈદ્યનાથધામ)

અહીં સતીનું હૃદય પડ્યું હતું. એટલા માટે તેને હદયપીઠ કે હાર્દપીઠ પણ કહે છે. પદ્મપુરાણમાં કહ્યું છે હૃદયપીઠ સમાન શક્તિપીઠ સંપૂર્ણ બ્રહ્માંડમાં ક્યાંય નથી. અહીં સતી જયદુર્ગા અને શિવ વૈદ્યનાથ તરીકે ઓળખાય છે.

23

વક્રત્રેશ્વર- (પશ્ચિમ બંગાળ)

અહીં સતીનું મન પડ્યું હતું. અહીં સતીને મહિષમર્દિની અને શિવને વક્ત્રનાથ કહેવામાં આવે છે.

24

કન્યકાશ્રમ- (તમિલનાડુ)

અહીં સતીની પીઠ પડી હતી. સતીને અહીં શર્વાણી તથા શિવને નિમિષ તરીકે ઓળખવામાં આવે છે. તમિલનાડુમાં ત્રણ સાગર સંગમ સ્થળ કન્યાકુમારીનું ભદ્રકાળી મંદિર જ આ શક્તિપીઠ છે).

25

બહુલા- (પશ્ચિમ બંગાળ)

અહીં સતીનો જમણો હાથ પડ્યો હતો. અહીં સતીને બહુલા તથા ભૈરવને ભીરુક તરીકે ઓળખવામાં આવે છે.

26

ઉજ્જયિની- (મધ્ય પ્રદેશ, ઉજ્જૈન, હરિસિદ્ધિ મંદિર)

અહીં સતીની કોણી પડી હતી. અહીં સતીનું નામ મંગળચંડિકા તથા શિવને માંગલ્યકપિલામ્બર તરીકે ઓળખવામાં આવે છે.

27

મણિવેદિક- (રાજસ્થાન, પુષ્કરની પાસે ગાયત્રી મંદિર)

અહીં સતીના હાથના બંને કાંડા પડ્યાં હતાં. અહીં શક્તિને ગાયત્રી તથા શિવને સર્વાનંદ તરીકે ઓળખવામાં આવે છે.

28

પ્રયાગ ( ઉત્તરપ્રદેશ)

અહીં સતીના હાથની આંગળી પડી હતી. અહીં સતીને લલિતાદેવી તથા ભૈરવને ભવ તરીકે ઓળખવામાં આવે છે. તીર્થરાજ પ્રયાગમાં અક્ષયવટની પાસે લલિતાદેવીનું મંદિર- કેટલાક વિદ્વાનો અલોપી માતાના મંદિરને શક્તિપીઠ કહે છે.

29

ઉત્કલ- (ઓરિસ્સા)

અહીં સતીની નાભિ પડી હતી. અહીં શક્તિ વિમલા અને શિવને જગત, જગન્નાથ તરીકે ઓળખે છે. (કેટલાક વિદ્વાનો જગન્નાથ પુરી મંદિરમાં વિમલાદેવી મંદિરને તો કેટલાક ઓરિસ્સાના યાજપુરમાં વિરજાદેવી મંદિરને શક્તિપીઠ માને છે.)

30

કાંચી- (તમિલનાડુ, કાંચીનું કાલી મંદિર)

અહીં સતીનું કંકાલ પડ્યું હતું. સતી અહીં દેવગર્ભા અને શિવને રૂરુ રૂપમાં ઓળખે છે.

31

કાલમાધવ- (મધ્યપ્રદેશ)

અહીં સતીનું ડાબુ નિતંબ પડ્યું હતું. શોન નદીના કિનારે આવેલા આ સ્થાનકને કાલી તથા શિવને અસિનાંગ કહેવામાં આવે છે. (આ શક્તિપીઠના સ્થાન વિશે શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ નથી મળતો)

32

શોણ- (બિહાર)

અહીં સતીનું જમણું નિતંબ પડ્યું હતું. અહીં દેવી નર્મદા- શોણાક્ષી તથા શિવ ભદ્રસેન તરીકે ઓળખાય છે. (કેટલાક વિદ્વાનો આ શક્તિપીઠને બિહારના આસારામમાં માને છે તો કેટલાક અમરકંટકના નર્મદા મંદિરના શોણ શક્તિપીઠ કહે છે.)

33

કામગિરિ- (અસમ, કામાખ્યા મંદિર, નીલાંચલ પર્વત)

અહીં દેવી સતીની યોનિ પડી હતી. અહીં સતીને કામાખ્યા અને શિવને ઉમાનાથ તરીકે ઓળખે છે. દેવીપુરાણમાં સિદ્ધપીઠોમાં કામરૂપને સર્વોત્તમ રૂપ ગણ્યું છે.

34

જયંતી- (મેઘાલય, જયન્તિયા પર્વત)

અહીં સતીની ડાબી જાંઘ પડી હતી. અહીં સતી જયંતી અને શિવ કમદીશ્વર તરીકે ઓળખાય છે.

35

મગધ- (બિહાર, પટના મોટી પટણેશ્વરી દેવી મંદિર)

અહીં સતીની જમણી જાંઘ પડી હતી. અહીં શક્તિ સર્વનંદકરી અને શિવ વ્યોમકેશ તરીકે ઓળખાય છે.

36

ત્રિસોતા- (પશ્ચિમ બંગાળ)

અહીં સતીનો ડાબો પગ પડ્યો હતો. અહીં સતીનું નામ ભ્રામરી તથા શિવનું નામ ઈશ્વર છે.

37

ત્રિપુરસુંદરી (ત્રિપુરા)

અહીં સતીનો જમણો પગ પડ્યો હતો. અહીં દેવી ત્રિપુરસુંદરી અને શિવ ત્રિપુરેશ તરીકે ઓળખાય છે.

38

વિભાષ- (પશ્ચિમ બંગાળ)

અહીં સતીના પગની ડાબી ઘૂંટી પડી હતી. સતી અહીં કપાલિની અને ભીમરૂપા તો શિવ સર્વાનંદ અને કપાલી તરીકે ઓળખાય છે.

39

કુરુક્ષેત્ર- (હરિયાણા)

અહીં સતીના જમણા પગની ઘૂંટી પડી હતી. અહીં સતી સાવિત્રી અને શિવ સ્થાણુ તરીકે જાણીતા છે.

40

યુગાદ્યા-(પશ્ચિમ બંગાળ)

અહીં સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો. દેવી અંહીં ભૂતધાત્રી અને શિવ ક્ષીરકંટક કે યુગાદ્ય તરીકે ઓળખાય છે.

41

વિરાટ- (રાજસ્થાન)

અહીં સતીના જમણા પગની આંગળીઓ પડી હતી. અહીં સતીને અમ્બિકા તથા શિવને અમૃત તરીકે ઓળખવામાં આવે છે.

42

કાલીપીઠ-(કોલકાતા, કાલીપીઠ મંદિર)

અહીં સતીની બાકીની આંગળીઓ પડી હતી. સતી અહીં કાલિકા અને શિવ નકુલીશ તરીકે ઓળખાય છે.

43

માનસ- ( તિબેટ,માનસરોવરના કિનારે)

અહીં સતીની જમણી હથેળી પડી હતી. અહીં સતી દાક્ષાયણી અને ભૈરવ અમર તરીકે પ્રખ્યાત થયા છે.

44

લંકા- (શ્રીલંકા)

અહીં સતીનું નૂપુર-ઝાંઝર પડ્યું હતું. સતી અહીં ઈન્દ્રાક્ષી અને શિવ રાક્ષસેશ્વર તરીકે ઓળખાય છે.

45

ગંડકી- (નેપાળ)

અહીં સતીનો જમણો ગાલ પડ્યો હતો. અહીં સતી ગંડકી તથા શિવ ચક્રપાણિ તરીકે ઓળખાય છે.

46

નેપાળ- (નેપાળ, ગુહ્યેશ્વરીદેવી)

અહીં સતીના બંને ઘુંટણ પડ્યા હતા. અહીં સતીને મહામાયા તથા શિવને કપાલ તરીકે ઓળખવામાં આવે છે.

47

હિંગુલા- (પાકિસ્તાન, બલૂચિસ્તાનના હિંગળાજમાં)

અહીં સતીનો બ્રહ્મરન્ધ(માથાનો સૌથી ઉપરનો ભાગ) પડ્યો હતો. અહીં સતી ભૈરવી, કોટ્ટારી તરીકે ઓળખાય છે તો શિવ ભીમલોચન તરીકે પ્રખ્યાત થયા છે.

48

સુગંધા- (બાંગ્લાદેશ)

અહીં સતીની નાસિકા પડી હતી. અહીં દેવી સુનંદા તથા શંકર ત્ર્યંબક તરીકે ઓળખાય છે.

49

કરતોયાતટ- (બાંગ્લાદેશ)

અહીં સતીનું ડાબુ તળિયું પડ્યું હતું. સતી અહીં અપર્ણા તથા શિવ વામન રૂપમાં જોવા મળે છે.

50

ચટ્ટલ- (બાંગ્લાદેશ)

અહીં સતીની જમણી બાહુ પડી હતી. અહીં સતીને ભવાની અને શિવને ચંદ્રશેખર કહે છે.

51

યશોર-(બાંગ્લાદેશ)

અહીં સતીની ડાબી હથેળી પડી હતી. અહીં સતીને યશોરેશ્વરી તથા ભૈરવદેવને ચંદ્ર તરીકે ઓળખે છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી