ગણેશ ઉત્સવ / તમિલનાડુનું કરપકા વિનાયક મંદિર, અહીં ગણેશજીની પ્રતિમાને માત્ર બે જ હાથ છે

karpaka vinayak temple in tamil nadu, only two arms of Ganesha idol

Divyabhaskar.com

Sep 10, 2019, 01:16 PM IST

ધર્મ ડેસ્ક. હાલ ગણેશ ઉત્સવ અંતિમ તબક્કા તરફ છે. દેશભરમાં ભગવાન ગણેશના ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે. આવું જ એક મંદિર તમિલનાડુના તિરુપથુર તાલુકના પિલ્લરેપટ્ટીમાં છે. જે કરપકા વિનાયક મંદિર તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે, અહીં ભગવાન ગણેશની પ્રતિમા પર ચોથી સદીની આસપાસ નકશી કામ કરવામાં આવ્યું હતું. આ મંદિરની દેખરેખ ચેટ્ટીયાર સમુદાય દ્વારા રાખવામાં આવે છે. આ સમુદાયના નવ સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે.

આ મંદિર ઈ.સ. 1091થી 1238 વચ્ચે બન્યું હોવાનું અનુમાન

કરપકા વિનાયક મંદિર ભગવાન ગણેશને સમર્પિત એક પ્રાચીન અને ગુફા મંદિર છે. આ મંદિરને પિલ્લરેપટ્ટી પીલર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં એક ગુફા આવેલી છે જે એક જ પથ્થર કાપીને બનાવવામાં આવી છે. ગુફામાં ભગવાન શિવ અને અન્ય દેવતાઓના પથ્થરના શિલ્પ છે. મંદિરના ગર્ભગૃહની અંદર પર્યાપ્ત લાઇટિંગ માટે તેલના વિશાળ દીવાનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મળેલા શિલાલેખો અનુસાર, આ મંદિર અંદાજે ઈ.સ. 1091 અને 1238 વચ્ચે બનાવવામાં આવ્યું હતું.

પાંડ્યા રાજાઓએ તેનું નિર્માણ કર્યું હતું

પાંડ્યા રાજાઓ દ્વારા મંદિર પિલ્લરેપટ્ટી એક ટેકરી પર બનાવવામાં આવ્યું હતું. મંદિરમાં અન્ય તીર્થસ્થાન ભગવાન શિવ, કાત્યાયિની દેવી, નાગલિંગમ અને પશુપતિસ્વરને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે, દેવી કાત્યાયિનીને પ્રાર્થના કરવાથી કુંવારી યુવતીઓના લગ્ન ઝડપથી થાય છે અને ભગવાન નાગલિંગમની પૂજા કરવાથી બાળકનો જન્મ થાય છે. તો પશુપતિશ્વરની પૂજા કરવાથી સંપત્તિ અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

ગણેશજીની મૂર્તિ સોનાથી મઢેલી છે

આ મંદિરમાં ગણેશની 6 ફૂટ ઊંચી એક જ શિલામાંથી બનેલી મૂર્તિ છે. સામાન્ય રીતે ગણેશનાં દરેક સ્વરૂપોમાં ચાર હાથ હોય છે, પરંતુ આ મંદિરમાં સ્થાપિત મૂર્તિમાં ગણેશને માત્ર બે હાથ છે. મુખ્ય પ્રતિમા સોનાથી મઢાયેલી છે. અહીં ગણેશજીની સુંઢ જમણી બાજુએ છે, જેના કારણે તેમને વેલપુરી પિલ્લઈ પણ કહેવામાં આવે છે. અહીં તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓ ઉત્તર દિશા તરફ છે. ગણેશજી માટે ઉત્તર તરફ મુખ રાખવું અને જમણી તરફની સુંઢ શુભ માનવામાં આવે છે. તે સમૃદ્ધિ, સંપત્તિ અને જ્ઞાનનું કારક બને છે.

X
karpaka vinayak temple in tamil nadu, only two arms of Ganesha idol
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી