વ્રત / 12મી જુલાઈએ ગૌરી વ્રતનો પ્રારંભ : વ્રત વિધિ અને વ્રત કથા

Beginning of Gauri Vrat on July 12: Vrat Vidhi and Vrat Katha

  • અષાઢ સુદ-11 અને 13થી શરૂ થતાં ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત સંબંધી કથા ભવિષ્યોત્તર પુરાણમાં આલેખાયેલી જોવા મળે છે. 
  • આ બંને વ્રતોમાં શિવ-પાર્વતીની ઉપાસના કરી રૂડો વર, સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્તિનો હેતુ રહેલો છે 

Divyabhaskar.com

Jul 11, 2019, 12:04 PM IST

ધર્મ ડેસ્ક. વૈદિકકાળથી વ્રતની પરંપરા શરૂ થયેલી છે. વ્રતનો સાદો અર્થ 'નિયમ' થાય છે, પરંતુ આમાં જ્યારે ધર્મ ભળે એટલે તેનો અર્થ 'ધર્મસંગત આચરણ' એવો અર્થ થાય છે. અષાઢ સુદ અગિયારસથી કુમારિકાઓને મનભાવન ભરથાર (પતિ) પ્રાપ્ત કરાવનારું ગૌરીવ્રત અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્ત કરાવતું જયા પાર્વતી વ્રતની પણ શરૂઆત થઈ રહી છે, ત્યારે આપણે આ બંને વ્રતો વિશે થોડું જાણીએ.

શિવપુરાણની કથા: શિવપુરાણની કથા મુજબ હિમાલય પુત્રી પાર્વતીએ શિવજીને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રતો કર્યાં હતાં. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી જ કુમારિકાઓ પોતાને મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરે છે.

અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમાં સુધી પાંચ દિવસનું ગૌરીવ્રત તેમજ અષાઢ વદ બીજ સુધીનું જયા પાર્વતી વ્રત સતત પાંચ વર્ષ સુધી વારાફરતી કરવામાં આવે છે. આ બંને વ્રતમાં અષાઢી હરિયાળીને અનુરૂપ 'જવારા'નું પૂજન કરવામાં આવે છે. પકવેલાં રામપાત્રની અંદર ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય, ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જ્વારા ઉગાડાય છે. અષાઢ મહિનામાં આ સાતેય ધાન્યોથી ખેતરો (ધરતીમાતા) લહેરાતા હોય છે.

માતા પાર્વતીનું પ્રતીક 'જવારા': 'જવારા' માતા પાર્વતીનું પ્રતીક છે. રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને 'નાગલાં' બનાવી જવારાને ચઢાવાય છે. 'નાગલાં' શિવનું પ્રતીક છે. શિવ મૃત્યુંજય છે તો માતા પાર્વતી મૃત્યુંજયા છે. માટે બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે. આ વ્રતના અનુસંધાનમાં આપણાં સારસ્વત કવિ શ્રી રમેશ પારેખે એક સૂચક ગીત લખ્યું છે: 'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા,

પણ નાગલાં ઓછા પડ્યા રે લોલ!'

વ્રતના પહેલા દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને, વાવેલા 'જવારા' અને 'નાગલાં' પૂજાપા સાથે એક થાળીમાં લઈ સમૂહમાં શિવમંદિરે જાય છે. મંદિરે આવી જવારાને નાગલાં ચઢાવી અક્ષત-કંકુ દ્વારા ષોડશોપચારે પૂજા કરે છે. પૂજા કરીને શિવ-પાર્વતી પાતે મનગમતો ભરથાર માંગી, અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. પાંચ દિવસના વ્રત દરમિયાન કુમારિકાઓ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે માટે જ અમુક પ્રાંતમાં આ વ્રતને 'મોળા વ્રત-મોળાકત' કહે છે.

  • પાંચ દિવસનાં બંને વ્રતો જ્યારે પૂરાં થાય છે ત્યારે પાંચમાં દિવસે જવારાનું જળાશયમાં વિસર્જન કરી કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવ-પાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછીના છઠ્ઠા દિવસના પારણાં કરી વ્રતની પૂર્ણાહૂતિ કરે છે.
  • વ્રતનું ઊજવણું: સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ તેનું ઊજવણું કરવામાં આવે છે. ઊજવણામાં સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્યચિહ્નોનું દાન કરવામાં આવે છે.
  • ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત સંબંધી કથા ભવિષ્યોત્તરપુરાણમાં આલેખાયેલી જોવા મળે છે. બંને વ્રતોમાં શિવ-પાર્વતીની ઉપાસના કરી રૂડો વર, સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્તિનો હેતુ રહેલો છે.
  • તો આવો, આપણે સૌ આ વ્રતના અધિષ્ઠાતા શિવ-પાર્વતીને પ્રાર્થના કરીએ: હે પિતા! હે માતા! તમારું નિષ્ઠાપૂર્વક વ્રત કરનાર દીકરીઓને મનવાંચ્છિત ફળ આપજો!

(સુરેશ પ્રજાપતિ, વ્રતમહિમા)

X
Beginning of Gauri Vrat on July 12: Vrat Vidhi and Vrat Katha
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી