Back

યાત્રાધામ

અમદાવાદમાં આવેલું ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર ‘પરમ ધામ’

અમદાવાદમાં આવેલું ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર ‘પરમ ધામ’

અમદાવાદમાં આવેલું ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર ‘પરમ ધામ’

 

નિર્માણ - 

 

 1973માં અમદાવાદ શહેરની સરહદોની બહાર ગણાતાં જોધપુર ટેકરા વિસ્તારમાં સ્વામી ચિન્મયાનંદજીના હસ્તે પરમધામનું ભમિપૂજન થયું હતુ. 6 વર્ષ બાદ 1979માં સ્વામી ચિન્મયાનંદજી, સ્વામી અખંડાનંદજી મહારાજ, શકુંતલા દેસાઈ અને મૃણાલિની સારાભાઈ જેવા મહાનુભાવોની હાજરીમાં મંદિરના કળશની અભિષેકવિધી થઈ હતી. 

 ખાસ વાત એ છે કે, આ કૃષ્ણ મંદિરનાં શિખર પરના કળશમાં ભગવાન શંકરનું ત્રિશૂળ પણ શોભે છે જે દર્શાવે છે કે, ઈશ્વર એક જ છે, ફક્ત નામ - રૂપ જુદાં - જુદાં છે. જાન્યુઆરી 2017માં મંદિરનું નવનિર્માણ થયું. જેમાં ભગવાન શ્રી વેણુગોપાલની શ્યામમનોહર રંગની મૂર્તિ, ભગવાન શ્રી ગંગેશ્વર મહાદેવ, વનવાસી સ્વરૂપે શ્રી સીતા-રામજી, વીર હનુમાન, સિદ્ધિવિનાયક ગણપતિજીની મનોહર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી.

 

મહાત્મ્ય - 

 

પરમધામ સ્થાપત્યકળાની રીતે એક અજાયબી છે. મંદિરના નવનિર્માણમાં જૂના મંદિરમાં વપરાયેલાં પથ્થરોનો ફરી ઉપયોગ કરાયો છે. પરંપરાગત મંદિરોના શિખરોથી અલગ અહીં ફોલ્ડેડ પ્લેટ્સથી શિખર રચવામાં આવ્યું છે. પ્લેટ્સની વચ્ચે આવેલાં કાચના પટ્ટાઓમાંથી સવારના સમયે સૂર્યનાં કિરણો મંદિરમાં પ્રવેશતાં જ અદભૂત દૃશ્ય રચે છે. મંદિરની અનોખી ડિઝાઈનને પ્રતિષ્ઠીત આગાખાન એવોર્ડ માટે નોમિનેટ કરાઈ હતી.

 

 બીજી ખાસ વાત એ છે કે, મંદિરના પ્રદક્ષિણા પથમાં પ્રદક્ષિણા કરતી વખતે બધેથી કળશ અને ધજાનાં દર્શન થઈ જાય છે. વળી, મંદિરમાં રેઈન હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. આમ, આધુનિકતા અને ટેક્નોલોજીના ત્રિવેણી સંગમ જેવા પરમધામને ‘ગ્રીન બિલ્ડિંગ્સ ઓફ 2017’ કેટેગરીમાં હુડકો દ્વારા પ્રથમ પારિતોષિક મળ્યું છે. 

 

આધ્યાત્મિક - સાંસ્કૃતિક યોગદાન -

 

 ‘ સમાજ કે દેશમાં પરિવર્તન લાવવા માટે વ્યક્તિએ પહેલાં પોતાની જાતમાં પરિવર્તન લાવવું જરૂરી છે.’ એ ધ્યેય સાથે પરમધામમાં દાયકાઓથી લોકોને આદ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે ઉન્નત બનાવવાની પ્રવૃત્તિ ચાલે છે. રોજ આરતી- પૂજા- સત્સંગ સાથે નાનાં બાળકો માટે શિશુવિહારનાં વર્ગો, યુવાનો માટે ચિન્મય યુવા કેન્દ્ર અને 18 વર્ષના કિશોરથી વૃદ્ધ વડિલો સુધી સૌના માટે દર અઠવાડિયે સ્ટડી ક્લાસ ચાલે છે. મહિલાઓ માટે દેવી ગ્રુપ્સનાં ક્લાસ પણ અહીં કાર્યરત છે.

 

 આ ઉપરાંત સંસ્કૃત ભાષાનાં વર્ગો, ગીતાગાન ક્લાસ, યોગ ક્લાસ, સ્વરાંજલિ ભજન ક્લાસની સાથે-સાથે  અનેક વર્કશોપ્સ, વાર્ષિક ગીતાગાન સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓથી પરમધામ ગૂંજતું રહે છે.

 

 

દર્શન - આરતીનો સમય -

 

 રોજ સવારે 6.15 વાગ્યે અને સાંજે 6.15 વાગ્યે

 

દર્શનનો સમય -

 

 રોજ સવારે 5.30 થી રાત્રે 9.30 વાગ્યા સુધી

 

સરનામુ -

 

 પરમધામ

ઈસરોની સામે, જોધપુર ટેકરા, 

અમદાવાદ - 380015

ગુજરાત

 

ફોન નં - 

 

079 - 26741527

 

વેબસાઈટ -

 

ahmedabad.chinmaymission.com

 

ઈ-મેઈલ -

 

[email protected]

 

ફેસબુક / ટ્વિટર / ઈન્સ્ટાગ્રામ -

 

cmahmedabad

 

મુખ્ય આકર્ષણો -

 

 મંદિરમાં રોજ  યજુર્વેદી પદ્ધતિથી પૂજા અર્ચના કરવામાં આવે છે, જે તેની વિશેષતા છે. અહીં મંદિર પાટોત્સવ, શિવરાત્રી, રામનવમી, ગુરુપૂર્ણિમા, જન્માષ્ટમી વગેરે જેવા ઉત્સવો અત્યંત ભાવ અને ઉલ્લાસથી ઊજવવામાં આવે છે.

 

કેવી રીતે પહોંચવું -

 

નજીકનું BRTS સ્ટોપ - ઈસરો

રેલ્વે સ્ટેશન - કાલુપુર રેલ્વે સ્ટેશન - 10 કિમી.

હવાઈ માર્ગે - અમદાવાદ એરપોર્ટ - 16 કિમી.

 

નજીકનાં મંદિરો -

 

 શિવાનંદ આશ્રમ - 190 મીટર

ઈસ્કોન મંદિર - 1 કિમી.

તિરૂપતી બાલાજી મંદિર - 13 કિમી.

વૈષ્નૌદેવી મંદિર - 15 કિમી.

 

અન્ય મંદિરો

TOP