Back

યાત્રાધામ

સંતરામ મંદિર

ગિરનારથી આવેલા સાધુ સંતરામ મહારાજે એક ખેતરમાં બનાવ્યું હતું નિવાસ્થાન

ધાર્મિક માહાત્મ્ય: ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આ પવિત્ર મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે અહીં વિ.સં. 1872માં ગિરનારથી એક સાધુ પધાર્યા હતા, જે સંતરામ મહારાજ હતા. એ સમયે બધા તેમને ગિરનારી બાબા સુખસાગરજી કહેતા હતા અને તેમણે નડિયાદથી દૂર એક ખેતરમાં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું. જેને હાલ દેરી તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં અનેકને તેમના પરચા મળ્યા.

 

તેમના પ્રત્યેની શ્રદ્ધા લોકોમાં વધતી ગઇ. તેમનામાં રહેલી અસાધારણ શક્તિઓની વાતો આસપાસના ગામમાં પણ ફેલાવા લાગી અને તેમના પ્રત્યે લોકોમાં આદરભાવ પણ વધવા લાગ્યો. બાદમાં લોકોએ તેમને ઘણો આગ્રહ કર્યો અને નગરમાં પ્રવેશ કરવા કહ્યું. નગરમાં જ્યાં તેમણે નિવાસ કર્યો ત્યાં બાદમાં સંતરામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જેના દર્શનાર્થે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. 

 

ગિરનારથી આવેલા સાધુ સંતરામ મહારાજે એક ખેતરમાં નિવાસ્થાન કર્યું. જ્યાં એક કૂવામાં તેમણે સ્નાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. એ સમયે ત્યાં એક ખેડૂત આવી પહોંચ્યો. સાધુએ તેમને ડોલ અને દોરડું મૂકી દેતા કહ્યું. પણ એ ખેડૂતે વાત ગણકારી નહીં. બાદમાં સાધુ કૂવાના થાળા પાસે બેસી ગયા અને કૂવાનું પાણી આપોઆપ ઉપર આવવા માંડ્યું.

 

સાધુએ પોતાની પાસે જે પાત્ર હતું તેનાથી સ્નાન કરવાનું શરૂ કર્યું. થોડી વારમાં એ ખેડૂત પાછો આવ્યો. તેણે જોયું કે કૂવાનું પાણી આપોઆપ બહાર આવી રહ્યું છે. તે સંતનાં ચરણોમાં પડી ગયો. જે તે સમયે રાયણના વૃક્ષની બખોલમાં સંતરામ મહારાજનું ઘર અને આશ્રમ હતો. 

 

એક દિવસ બાજુના ખેતરમાં અન્નના ઢગલા પડ્યા હતા. ખેડૂત એ અન્નના ઢગલાને ઘરે લઇ જવા માગતો હતો પરંતુ સાધુએ તેને ના પાડી તત્કાળ ઢાંકી દેવા કહ્યું. ખેડૂતે તેમની વાત સ્વીકારી અને અનાજને સુરક્ષિત કર્યું. થોડી વારમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો.

 

આવા અનેક પરચા આસપાસના લોકોમાં ફરતા થયા અને સાધુ પ્રત્યે લોકોની શ્રદ્ધા વધતી ગઇ. બાદમાં લોક આગ્રહ સાથે તેઓ નગરમાં પ્રવેશ્યા હતા. વિ.સં. 1887માં મહા સુદ પૂર્ણિમાના દિવસે સાંજે પાંચ વાગ્યે સંતરામ મહારાજે સમાધિ લેવાનો નિર્ણય કર્યો અને તેમના આદેશ અનુસાર એક અપ્રગટ દીપક રાખવામાં આવ્યો. 

 

શ્રદ્ધાળુઓની સામે તેઓ સમાધિમાં પ્રવેશ્યા. તેમના મસ્તકમાંથી એકાએક પ્રાગ્ટ્ય પામેલી દિવ્ય જ્યોતિથી અપ્રગટ દીવો પ્રજ્વલ્લિત થયો. એ વખતે જનતા પર સાકર વર્ષા થઇ અને એ દિવસ મંગલ મહોત્સવમય બની ગયો. સંતરામ મંદિરે દર વર્ષે એ દિવસે મોટો મેળો ભરાય છે અને મંદિરના મહારાજ તરફથી સાકરવર્ષા કરવામાં આવે છે. મંદિરમાં મૂર્તિ કે તસવીર નથી જ્યોતિ મંદિરનું મુખ્ય પૂજા પ્રતીક છે.

 

નિર્માણઃ વિ.સં. 1872માં સંતરામ મહારાજ નડિયાદમાં આવ્યા અને તેઓએ વિ.સ. 1887માં જીવતા સમાધી લીધી હતી. ત્યારથી આ જગ્યા લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. સમયની સાથે અહીં મંદિરોના નિર્માણ અને જીર્ણોદ્ધાર થયા.

 

મહત્વનાં આકર્ષણોઃ દર રવિવારે અહીં સંતરામ બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે. અહીં અખંડ રામધૂન ચાલે છે.

સંતરામ મંદિર મંદિર માર્ગદર્શન, Santram Temple Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
દર રવિવારે અહીં સંતરામ બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે. અહીં અખંડ રામધૂન ચાલે છે

આરતીનો સમય
સવારે તિલક દર્શન સમય 4:45 વાગ્યે
સવારે મંગળા દર્શન સમય 5:45 વાગ્યે 
બપોરે જાળી વધાવવાનો સમય 11:15 વાગ્યે
બપોરે જાળી દર્શન / ઉથાપન દર્શન સમય 3:30 વાગ્યે
સાંજે મંદિર વધાવવાનો સમય 7:15 વાગ્યે
સમાધિ સ્થાનનાં સાનિધ્યમાં ધ્યાનનો સમય 6થી 6:10 વાગ્યા સુધી 
દર ગુરુવારે બપોરે મંદિરનાં દર્શન 12:30 વાગ્યા સુધી
દર એકાદશી / રવિવારે મંદિરનાં દર્શન 11:30 વાગ્યા સુધી
દર પૂનમે સવારે 5:45 વાગ્યાથી સાંજે 7:15 વાગ્યા(આખો દિવસ) સુધી દર્શન ખુલ્લા રહેશે.
-
શ્રી સંતરામ દેરી 
દેરી સેવાનો સમય : સવારે 5 વાગ્યે 
સાંજે 5:30 વાગ્યે 
દર ગુરુવારે આખો દિવસ દર્શન કરી શકાશે
શણગાર સમય સવારે 5 વાગ્યે 
શણગાર ઉતારવાનો સમય રાત્રે 8 વાગ્યે 
દર્શન રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે 
અંગ્રેજી તારીખ પ્રમાણે જે પહેલો ગુરુવાર આવે ત્યારે 
સુંદરકાંડનો પાઠ સમય રાત્રે 9 વાગ્યે
પૂનમના દિવસે દર્શન રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહશે 

સંતરામ મંદિર મંદિર માર્ગદર્શન, Santram Temple Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
રહેવા માટે અહીંં હોલમાં 100 વ્યક્તિને સમાવવાની ક્ષમતા છે.

રહેવા અને જમવાની સુવિધા
રહેવા માટે મંદિરમાં સુંદર વ્યવસ્થા છે એ પણ વ્યક્તિ દીઠ માત્ર 20 રૂપિયાના ખર્ચે. અહીંના અતિથિનિવાસમાં 15 રૂમ છે અને ત્રણ મોટા હોલ છે. એ હોલમાં 100 વ્યક્તિને સમાવવાની ક્ષમતા છે. ગણેશભવનની અંદર 10 રૂમ છે. સંતોના નિવાસ માટે અહીં સત્સંગ ભવન છે જેમાં 25 રૂમ છે. જ્યારે કથાકાર માટે ભરત ભવનમાં રહેવાની વ્યવસ્થા છે. દરરોજ મંદિરમાં 2000 શ્રદ્ધાળુ આવે છે. દર ગુરુવારે આ સંખ્યા 5000 અને પૂનમના દિવસે 15000 હોય છે.

 

જમવાની વ્યવસ્થા મંદિર તરફથી ફ્રીમાં છે. સવારે 11.00થી 12.30 વાગ્યા સુધી અને સાંજે 6.30થી 7.30 સુધી.
 

બુકિંગ કેવી રીતે: રૂબરૂ જઈને જ બુકિંગ કરી શકાશે.
 

કેવી રીતે પહોંચવું: આ મંદિર અમદાવાદથી 57 કિમી, વડોદરાથી 60 કિમી, રાજકોટથી 235 કિમી, સુરતથી 218 કિમી અંતરે આવેલું છે.


નજીકનું રેલવે સ્ટેશન: નડિયાદમાં રેલવે સ્ટેશન છે.

 

નજીકનું એરપોર્ટ: અમદાવાદ (57 કિમી) અને વડોદરા(60 કિમી) નજીકનાં એરપોર્ટ છે.

આ મંદિરે દરરોજ 2000 શ્રદ્ધાળુ આવે છે

નજીકનાં મંદિરો:  1). હરિધામ સોખડા-52 કિમી.

2).ભાથીજી મંદિર ફાગવેલ- 54 કિમી 
3).કુબેરેશ્વર મહાદેવ મંદિર, વડોદરા-64 કિમી
4). નીલકંઠધામ અટલાદરા- 70 કિમી
5).પોઈચાધામ- 122 કિમી 
 

સરનામું: શ્રી સંતરામ સમાધી સ્થાન, શ્રી સંતરામ મંદિર નડિયાદ, 387001
 

ફોન નંબર: +91 (268) 2550005/6

 

અન્ય મંદિરો

TOP