Back

યાત્રાધામ

સોમનાથ

દ્વાદશ જ્યોતિર્લિંગમાં જેનું નામ પ્રથમ છે એવા સોમનાથમાં ભગવાન શિવે ખુદ પોતાની જ્યોતિ સ્થાપિત કરી હતી

ધાર્મિક માહાત્મ્ય:  દ્વાદશ જ્યોતિર્લિંગમાં જે શિરમોર સોમનાથ મહાદેવના મંદિરની સ્થાપના ચંદ્રએ કરી હતી. પૂરાણકથા મુજબ, દક્ષ રાજાની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, જેમાં રોહિણી તેની માનીતી રાણી હતી. રોહિણી પ્રત્યેના ચંદ્રના પક્ષપાતથી બાકીની પુત્રીઓએ દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી. આથી દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો. 

એ શ્રાપમાંથી મુક્ત થવા અગત્સ્ય ઋષિએ ચંદ્રને ધરતીના એવા છેડા પર શિવ આરાધના કરવા સૂચવ્યું જ્યાંથી સીધી લીટીમાં કોઈ અડચણ વગર દક્ષિણ ધ્રુવ આવતો હોય. સમગ્ર પૃથ્વી પર આવું એકમાત્ર સ્થળ છે.

 

એ સ્થળ એટલે હાલનું સોમનાથ મહાદેવ. ચંદ્રએ અહીં સોમેશ્વર મહાદેવની આરાધના કરી અને મંદિરની સ્થાપના કરી. હજારો વર્ષથી એ હિન્દુ ધર્મની પરમ આસ્થાનું કેન્દ્ર ગણાય છે. 


આદ્ય શંકરાચાર્યે દેશભરના પ્રસિદ્ધ શિવમંદિરો પૈકી બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ 12 મુખ્ય જ્યોતિર્લિંગની ઓળખ કરી ત્યારે તેમાં સોમનાથને મુખ્ય ગણાવ્યું છે. સ્કંદ પુરાણમાં પણ સોમનાથ મંદિરે થયેલી શિવ આરાધનાને મોક્ષપ્રાપ્તિ માટે ઉત્તમ ગણાવી હોવાથી આ સ્થાનનું ધાર્મિક મહત્વ અદકેરું મનાય છે. 


ઐતિહાસિક માહાત્મ્યઃ  અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતમાંથી નીકળેલા મહંમદે રસ્તામાં આવતાં તમામ હિન્દુ શાસકોને હરાવીને સોમનાથનું મંદિર તોડવામાં, લૂંટવામાં અનેકવાર સફળતા મેળવી હતી.

 

ગઝનીના આ આક્રમણોને લીધે સમગ્ર ભારતમાં હિન્દુઓની ચેતના હણાઈ ગઈ હતી અને હિન્દુ રાજાઓનો કુસંપ ખુલ્લો પડી ગયો હતો, જે કાળક્રમે વધુ તીવ્ર આક્રમણો અને છેવટે મુસ્લિમોના ભારત પરના કાયમી શાસનનું કારણ બન્યું. 

 

સોમનાથ મંદિર હમીરજી ગોહિલના વીરત્વની બીજી ઐતિહાસિક ઓળખ પણ ધરાવે છે. ગઝનીના આક્રમણ વખતે સોમનાથ મહાદેવની રક્ષા કરવા પાટણના રાજા ભીમદેવ સોલંકીના વડપણ હેઠળ ઉતરેલા સૈન્યમાં લાઠીના હમીરજી ગોહિલ નામના મોડબંધ યુવાન પણ હતા. જેમણે લગ્ન થયા એ જ દિવસે સોમનાથની રક્ષા કાજે બલિદાન આપ્યું હતું. 

 

સોમનાથ મંદિર અનેક વાર બન્યું, અનેક વાર તૂટ્યું. ભારતની આઝાદી વખતે આ મંદિર અત્યંત બિસ્માર અને જીર્ણ દશામાં હતું. એ વખતે તત્કાલિન ગૃહમંત્રી સરદાર પટેલે અરબી સમુદ્રની અંજલિ લઈને મંદિરના ભવ્ય જિર્ણોદ્ધારની પ્રતિજ્ઞા લીધી.

 

આજે અસ્તિત્વમાં છે એ મંદિર સરદાર પટેલ, ક.મા.મુનશી, ઉછરંગરાય ઢેબર વગેરેના પ્રયત્નોને લીધે આકાર પામ્યું છે. વૈશાખ સુદ પાંચમ, ઈસ. ૧૯૫૧ના દિવસે ભારતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે આ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.

સોમનાથ મંદિર માર્ગદર્શન, Somnath Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
સોમનાથમાં પાંચ સૌથી મોટા પ્રસંગ: શ્રાવણ માસ, શિવરાત્રી, કાર્તિક પૂર્ણિમાંનો મેળો અને સોમનાથ સ્થાપના દિવસ

મંદિરનાં મુખ્ય આકર્ષણો

સોમનાથમાં પાંચ સૌથી મોટા પ્રસંગ હોય છે. જેમાં શ્રાવણ માસ, શિવરાત્રી, કાર્તિક પૂર્ણિમાંનો મેળો અને સોમનાથ સ્થાપનાદિવસ મુખ્ય છે. આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર છઠ્ઠી વખત તેનું નિર્માણ થયું. 1948માં સોલંકી શૈલીથી બાંધેલું આજનું સોમનાથ મંદિર ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભુત પ્રદર્શન કરે છે. આ મંદિરની ઊંચાઇ 175 ફૂટની છે. શિખર પર કળશ અને ધ્વજ એ શિવતત્વની અનુભૂતિ કરાવે છે. છેલ્લાં 800 વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. 
 

આરતીનો સમય

સવાર: 7:00 am
બપોરે: 12.00
સાંજ: 7:00 pm
 

દર્શનનો સમય : સવારના 6.00 થી રાત્રીના 9.30 વાગ્યા સુધી. 

સોમનાથ મંદિર માર્ગદર્શન, Somnath Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
નવા મંદિરમાં 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

કેવી રીતે પહોંચવું
 

જમીન માર્ગેઃ  સોમનાથ જૂનાગઢથી 94 કિમી, રાજકોટથી 197 કિમી, અમદાવાદથી 410 કિમી દૂર છે.  અહીં આવવા માટે સરકારી અને ખાનગી બસોની સુવિધા છે. 


નજીકનું રેલવે સ્ટેશન: મંદિરથી સોમનાથ રેલવે સ્ટેશન 1.5 કિમી દૂર છે.

નજીકનું એરપોર્ટ : નજીકનું એરપોર્ટ દીવ છે. જે સોમનાથથી 94 કિમી દૂર છે.
 

નજીકનાં મંદિરો

1). ભાલકાતીર્થ- 4 કિમી
2). પ્રાચીતીર્થ-20 કિમી
3). ભવનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ- 93 કિમી

આજનુ સોમનાથ મંદિર ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભુત પ્રદર્શન કરે છે. આ મંદિરની ઊંચાઇ 175 ફૂટની છે.

રહેવાની સુવિધા

સોમનાથમાં રહેવાની સારી વ્યવસ્થા છે. somnath.orgની વેબસાઈટ પરથી ચાર ગેસ્ટહાઉસનું ઓનલાઈન બુકિંગ કરી શકાશે. જેમાં લીલાવતી અતિથિ ભવન, મહેશ્વરી અતિથિ ભવન, સાગર દર્શન ગેસ્ટહાઉસ અને તન્ના અતિથિગૃહ છે. 


લીલાવતી અતિથિ ગૃહમાં કુલ 73 રૂમ છે જેમાં એસી રૂમનું ભાડું રૂ. 950 છે, જ્યારે નોન એસી રૂમનું ભાડું રૂ. 750 છે. મહેશ્વરી અતિથિ ગૃહમાં કુલ 137 રૂમ છે, જેમાં એસી રૂમનું ભાડું રૂ. 950 છે, જ્યારે નોન એસી રૂમનું ભાડું રૂ. 750 છે. SUITEનું ભાડું રૂ. 1568 છે. સાગર દર્શન ગેસ્ટહાઉસમાં કુલ 66 રૂમ છે જેના રૂમનું ભાડું 2520 રૂ. છે. જ્યારે તન્ના અતિથિગૃહમાં 60 રૂમ છે જેમાં રૂમનું ભાડું રૂ. 500 છે.
 

બુકિંગ કેવી રીતે:  somnath.orgની વેબસાઈટ પરથી ચાર ગેસ્ટહાઉસનું ઓનલાઈન બુકિંગ કરી શકાશે. તેનો હેલ્પ લાઈન નંબર 9428214914 છે. 
 

લીલાવતી અતિથિ ભવન: +91-2876-233033
મહેશ્વરી અતિથિ ભવન:+91-2876-233130
સાગર દર્શન ગેસ્ટહાઉસ : +91-2876-233533
તન્ના અતિથિ ગૃહ: +91-2876-231212 
 

સરનામું: સોમનાથ મંદિર, જિલ્લો ગીર સોમનાથ, પીન- 362 268

ફોન નંબર: 94282 14915

 

અન્ય મંદિરો

TOP