સ્વામિનારાયણ મંદિર, બોચાસણ

પોતાના જીવનકાળમાં સ્વામિનારાયણ ભગવાન કુલ 32 વખત બોચાસણ આવ્યા હતા

ધાર્મિક મહાત્મ્યઃ ભગવાન સ્વામિનારાયણ ઈસ 1799માં નીલકંઠવર્ણી તરીકે ભારતભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ બોચાસણ પહેલી વાર પધાર્યા હતા અને આ ગામમાં પ્રાચીન રામજી મંદિરમાં તેમણે ભગવાનની આરતી ઉતારી હતી. આ ગામના વડીલ શ્રી કાશીદાસ મોટાએ ભગવાન નીલકંઠવર્ણીને બોચાસણમાં જ વસી જવા આગ્રહ કર્યો તો ભગવાને તેમને કહ્યું હતું કે, એક દિવસ અહીં હું મારા સૌથી પ્રિય ભક્તની સાથે જ કાયમ માટે આવીને વસીશ. 

પોતાના જીવનકાળમાં સ્વામિનારાયણ ભગવાન કુલ 32 વખત બોચાસણ આવ્યા હતા અને દર વખતે તેઓ કાશીદાસના બળદગાડામાં જ બિરાજીને વિહાર કરતા હતા. યોગાનુયોગે શાસ્ત્રીજી મહારાજ 5 જૂન, 1905ના રોજ વડતાલધામથી અલગ થઈને સૌ પ્રથમ બોચાસણમાં જ આવ્યા અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સ્થાપના કરી.

 

એ પછી છ મહિનામાં તેમણે અહીં મંદિર બંધાવ્યું અને ગર્ભગૃહમાં અક્ષર અને પુરુષોત્તમ એટલે કે ગુણાતીતનંદ સ્વામી અને ઘનશ્યામ મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.  


ઐતિહાસિક માહાત્મ્યઃ સહજાનંદ સ્વામીએ સ્થાપેલ સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય બે ગાદી એટલે વડતાલ અને કાલુપુર. સહજાનંદ સ્વામીના સ્વધામગમન પછી મંદિરમાં અક્ષરસ્વરૂપ સ્વામિનારાયણ ભગવાનની સાથે પુરુષોત્તમ સ્વરૂપ તરીકે ગુણાતિતાનંદ સ્વામીની મૂર્તિ સ્થાપવના મુદ્દે ઉગ્ર મતભેદો સર્જાયા.

 

અક્ષર અને પુરુષોત્તમને એક સાથે સ્થાન આપવાના સમર્થકો શાસ્ત્રીજી મહારાજના વડપણ હેઠળ એકત્ર થયા અને બોચાસણ ગામે નવી સંસ્થાની સ્થાપના કરી, જે આજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા તરીકે વિશ્વભરમાં મશહુર છે. 


શાસ્ત્રીજી મહારાજ પછી યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાનો વિકાસ કર્યો. આજે મહંત સ્વામી આ સંસ્થાના અધ્યક્ષ છે. BAPS તરીકે કરોડો શ્રદ્ધાળુઓમાં જાણીતી સંસ્થાના જન્મસ્થાન તરીકે પણ બોચાસણ ગામ અને મંદિરનું આગવું મહત્વ છે.

શાસ્ત્રીજી મહારાજ 5 જૂન, 1905ના રોજ વડતાલધામથી અલગ થઈને સૌ પ્રથમ બોચાસણમાં જ આવ્યા અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સ્થાપના કરી

નિર્માણઃ ઈ.સ. 1905.નિર્માતાઃ પ.પૂ. શાસ્ત્રીજી મહારાજ


મંદિરના મુખ્ય આકર્ષણો


* શ્રી ભગવાન સ્વામિનારાયણ મંદિર, શ્રી ગુણાતીતનંદ સ્વામી મંદિર, શ્રી ગોપાળાનંદ સ્વામી મંદિર, શ્રી હરિકૃષ્ણ મહારાજ મંદિર, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ઘનશ્યામ મરાહાજ, બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમાઓ
* દર મહિનાની પૂનમ તથા અગિયારસે દર્શનનો મહિમા છે. 


આરતીનો સમયઃ સવારે 6.00 મંગળા, સવારે 7.30 શણગાર, 11.15 રાજભોગ, સાંજે 7.00 સંધ્યા, રાત્રે 8.15 શયન 


દર્શનનો સમયઃ સવારે 6:00થી બપોરે 12.00, બપોરે 3.30થી રાત્રે 8.30
ફોટોગ્રાફીઃ મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.

1905માં શાસ્ત્રીજી મહારાજે આ મંદિરનું નિર્માણ કર્યું હતું.

કેવી રીતે પહોંચવુ


સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા ખેડા-આણંદ થઈને, મુંબઈથી વાયા સુરત-વડોદરા અને રાજકોટથી વાયા ચોટીલા-બગોદરા થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.

રેલ માર્ગેઃ નજીકનું રેલવે સ્ટેશન આણંદ (27 કિમી) છે. 


હવાઈ માર્ગેઃ વડોદરા (43 કિમી) નજીકનું એરપોર્ટ છે. 
 

નજીકના મંદિરો
 

1) શ્રી રણછોડરાયજી મહારાજ, ડાકોર 45 કિમી
2) શ્રી સંતરામ મંદિર, નડિયાદ, 30 કિમી
3) શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ, ગણેશપુરા 67 કિમી

દૂરથી આવનાર ભક્ત માટે અહીં 200 રૂમથી રહેવાની વ્યવસ્થા છે.

રહેવાની સુવિધા


મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં કુલ 200થી વધુ રૂમની ઉતારાની વ્યવસ્થા છે. આમાં એસી રૂમ, નોન એસી (સામાન્ય તથા ડીલક્ષ) રૂમનો સમાવેશ થાય છે, જેનો ટોકન ચાર્જ લેવાય છે. 

ભોજનની સુવિધાઃ દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિનામૂલ્યે જમવાની સુવિધા ઉપલબ્ધ છે. 


બુકિંગની સુવિધાઃ મંદિર ટ્રસ્ટમાં ફોન પર બુકિંગની માહિતી અપાય છે. જ્યારે અહીં ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનાર ભક્તને રૂમની સગવડ મળે છે. 


સરનામુઃ શ્રી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, મુ. બોચાસણ, જિ. ખેડા- 388140

ફોનઃ  +91 02696 - 286626, 286684 

ફેક્સઃ  +91 02696 - 286685 
 

ખાસ નોંધઃ અહીં આપેલ વિગતોમાં સ્થળ પર ફેરફાર હોઈ શકે છે. 

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP