Back

યાત્રાધામ

રણછોડરાયજી, ડાકોર

12મી સદીનું મંદિર છે, દર પૂનમે ડાકોરમાં મેળો ભરાય છે.

ધાર્મિક માહાત્મ્યઃ દ્વાપરયુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તેમની ઘોર તપસ્યા બાદ ભગવાન શંકરે તેમને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહીં રહેશે.

 

અહીં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી 863 વર્ષથી સાક્ષાત બિરાજમાન હોવાનું મનાય છે. તેની પાછળની કથા મુજબ, ડાકોરમાં રહેતાં કૃષ્ણભક્ત બોડાણાને દર છ મહિનાની પૂનમે દ્વારકાધિશના દર્શને જવાની માનતા હતી. વૃદ્ધાવસ્થામાં તેનાંથી પ્રવાસ મુશ્કેલ બન્યો એટલે સ્વયં દ્વારકાધિશે તેને દર્શન આપ્યાં અને જગતમંદિરમાં સ્થાપિત મૂર્તિ ડાકોર લઈ જવા અનુમતિ આપી.

 

 

દ્વારકાધિશની મૂર્તિ ડાકોર લઈ આવેલા ભક્ત બોડાણાનું ગૂગળી બ્રાહ્મણો સાથેની અથડામણમાં મૃત્યુ થયું. એ પછી મૂર્તિને ડાકોર સ્થાપિત કરવા ગૂગળી બ્રાહ્મણો સંમત થયા, પરંતુ તેમણે મંદિરના વજન જેટલાં સોનાની માંગણી કરી. એ વખતે બોડાણાના પત્નીએ પોતાના નાકની ચૂની મૂર્તિની સામે ત્રાજવામાં મૂકી તો તેનું અને મૂર્તિનુ વજન બરાબર થયું. ત્યારથી દ્વારકાના મંદિરની અસલ મૂર્તિ ડાકોર મંદિરમાં સ્થાપિત થયેલી છે. 

 

 

પૌરાણિક માહાત્મ્ય:  હરિવંશ, સ્કંદ અને ભાગવત પૂરાણ મુજબ, જરાસંધ સાથેના યુદ્ધમાં વિજય મેળવવા માટે એક તબક્કે શ્રીકૃષ્ણે પીછેહઠ કરી હતી. રણ છોડી દીધું હતું માટે તેઓ રણછોડરાય કહેવાયા હતા. મથુરાથી સ્થળાંતર કરીને સમગ્ર યાદવો સાથે સલામત સ્થળની શોધમાં નીકળેલા શ્રીકૃષ્ણે ડાકોરમાં વિશ્રામ લીધો હતો. આથી આ મંદિરમાં રણછોડરાયની પ્રતિમા સ્થાપિત થયેલી છે. 

રણછોડરાયજી મંદિર મંદિર માર્ગદર્શન, Ranchhodraiji Temple Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
જરાસંધ સાથેના યુદ્ધમાં વિજય મેળવવા માટે એક તબક્કે શ્રીકૃષ્ણે પીછેહઠ કરી હતી. રણ છોડી દીધું હતું માટે તેઓ રણછોડરાય કહેવાયા હતા.

મુખ્ય આકર્ષણ: દર પૂનમે ડાકોરમાં મેળો ભરાય છે. જ્યારે જન્માષ્ટમીએ અહીં વિશેષ મધ્યરાત્રિ પૂજન થાય છે. ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના દિવસે અહીં 10 લાખથી વધુ ભક્તો આવે છે. પગપાળા ડાકોર યાત્રાનું ગુજરાતભરમાં ભારે મહત્વ છે.

 

નિર્માણ: આશરે ઈ.સ. 1155માં ગોપાલ જગન્નાથ તાંબવેકરે મંદિરનું નિર્માણ કર્યું હતું.

 

દર્શનનો સમય 

સવારે 6.45થી બપોરે 12.00, સાંજે 4.10થી 7.30
 

આરતીનો સમય

સવારે 6.50 મંગળા, સવારે 9.15 શ્રૃંગાર, સવારે 11.40 રાજભોગ, બપોરે 4.05 ઉથાપન, સાંજે 5.30 શયન, સાંજે 7.10 સખડી ભોગ

રણછોડરાયજી મંદિર મંદિર માર્ગદર્શન, Ranchhodraiji Temple Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
દ્વાપરયુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો.

કેવી રીતે પહોંચવું
 

સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા નડિયાદ અથવા વાયા ખાત્રજ ચોકડી, વડોદરાથી વાયા વાસદ, આણંદથી વાયા ભાલેજ ચોકડી થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
 

રેલમાર્ગેઃ ડાકોરમાં રેલવે સ્ટેશન છે. 
 

હવાઈમાર્ગેઃ સૌથી નજીકનું એરપોર્ટ છે અમદાવાદઃ 80 કિ.મી.
 

શ્રી રણછોડરાયજીની નજીકનાં મંદિરો 

(ડાકોરમાં) ડંકનાથ મહાદેવ મંદિર, લક્ષ્મીજી મંદિર, બોડાણા-ગંગાબાઇ મંદિર, શ્રીજી બેઠક, શ્રીજી ચરણ, શંકરાચાર્ય મઠ, શ્રી મંગલસેવા ધામ, સત્યનારાયણ મંદિર, બિલેશ્વર મહાદેવ મંદિર તેમજ ભગવાને પકડેલો લીમડો, બિલેશ્વર જૈનમંદિર, દત્તાત્રેય મંદિર, મોટા હનુમાન, નરસિંહ મંદિર, શ્રી ગળતેશ્વર મહાદેવ, ગળતેશ્વર, શ્રી ભાથીજી મહારાજ મંદિર, ફાગવેલ, શ્રી સંતરામ મંદિર, નડિયાદ

આશરે ઈ.સ. 1155માં ગોપાલ જગન્નાથ તાંબવેકરે મંદિરનું નિર્માણ કર્યું

રહેવાની સુવિધા

મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિગૃહમાં કુલ 20 જેટલા એસી અને નોન એસી રૂમની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં એસી રૂમના રોજના રૂ. 900 અને નોન-એસી રૂમના રોજના રૂ. 500નો ચાર્જ છે. તદુપરાંત દર્શને આવતા ભક્તો માટે અહીં રહેવા માટે આસપાસના ગેસ્ટહાઉસો તથા ધર્મશાળાઓ અને હોટેલોમાં સુવિધા ઉપલબ્ધ છે. આ માટેના ચાર્જિસ રૂ. 200થી રૂ. 1000 સુધીના છે.

ભોજનની સુવિધાઃ દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં ફક્ત રૂ. 35ના ટોકન ચાર્જ પર જમવાની સુવિધા ઉપલબ્ધ છે.
 

બુકિંગની સુવિધાઃ મંદિર ટ્રસ્ટમાં ફોન પર એડવાન્સ બુકિંગની સુવિધા છે. જ્યારે અહીં ગેસ્ટહાઉસો અને હોટેલમાં રૂમની ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનાર ભક્તને રૂમની સગવડ મળે છે. 

 

સરનામું: શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર, મુ. ડાકોર, તા. ઠાસરા, જિ. ખેડા


ફોનઃ +91-2699-244492

 

અન્ય મંદિરો

TOP