તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Why Wedding Rituals Required From Muhurat To Konkotri, Ganesh Sthapna Act.

માત્ર ફેરા ફરવાથી લગ્ન પૂર્ણ થતાં નથી, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મુહૂર્ત, કંકોત્રી, પીઠી અને મીંઢળનું પણ ખૂબ મહત્ત્વ છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

1) લગ્ન સાથે જોડાયેલ રીતિ-રિવાજોનો ધાર્મિક અર્થ

લગ્ન સંસ્કાર વડે યુવક-યુવતીનું નવું સઃજીવન શરૂ થાય છે, શિક્ષા અવસ્થામાંથી સહજીવન જીવી સંસ્કૃતિ, પરંપરા, વંશ, કુળવૃદ્ધિ તરફ પ્રયાણનો માર્ગ છે. તેમાં તેમની સમાજ પ્રત્યેની ફરજ જીવન પ્રત્યેની નિષ્ઠા શરૂ થાય છે. એટલે જ લગ્નને એક સંસ્કાર ગણવામાં આવે છે.  

લગ્નના દરેક તબ્બકા જેમ કે કંકોત્રી લખવી, ગણેશ સ્થાપન, માણેકસ્તંભ, પીઠી, ઉકરડી, ગ્રહશાંતિ, મોસાળું, જાન પ્રસ્થાન, હસ્તમેળાપ, કન્યાવિદાય, ગૃહપ્રવેશ વગેરે જેવી બાબતમાં લાભ, શુભ, અમૃત, ચલ જેવા ચોઘડિયાં પસંદ કરાય છે, અને રાહુકાળમાં કોઈ કામ કરવામાં આવતાં નથી. તદુપરાંત ગુરૂપુષ્ય નક્ષત્રમાં પણ લગ્ન થતાં નથી, સામાન્ય રીતે ગોરજ સમય પસંદ કરવામાં આવે છે, હસ્તમેળાપ સમયની કુંડળીમાં સામાન્ય રીતે 1, 4, 7, 12 માં સ્થાનમાં સૂર્ય કે મંગળ, રાહુ જેવા ગ્રહને પસંદ કરવામાં આવતાં નથી. તેમજ ગુરૂ અને શુક્રનો અસ્ત થતો ના હોય તે ધ્યાન રાખવામાં આવે છે.  

કંકોત્રી એટલે લગ્નમાં આમંત્રણ અને પ્રસંગની વિગતવાર માહિતી, હજારો વર્ષ પૂર્વે લગ્નનું આમંત્રણ મુખ્યત્વે મૌખિક અપાતું, આમંત્રણ સાથે વાજિંત્રો અને વ્યંજન વિશેષ તરીકે હતું, પછી ધીમે-ધીમે ભોજપત્ર, વૃક્ષ છાલ અમલમાં આવ્યું હતું. ત્યારબાદ કાગળ સ્વરૂપ આવ્યું અને હવે કોમ્પ્યૂટર યુગમાં ઈ-કાર્ડ પણ જોવા મળે છે. શાસ્ત્રોમાં કંકોતરી કયા મુહૂર્તમાં કેવી રીતે લખવી અગત્યની છે. પરંતુ ક્યારે અને કેવી રીતે પોહચતી કરવી તે સમય સંજોગ પર આધારિત છે. સામાન્ય રીતે કંકોતરી લખવમાં સવારનું ચોઘડિયું પસંદ કરવામાં આવે છે, ગણપતિદાદા સમક્ષ ઘરના વડીલની હાજરીમાં ધૂપ-દીપ કરી, મંત્રોચ્ચાર વડે પૂજન કરી, પોતાનાં ઇસ્ટ દેવનું સ્મરણ કરીને લખવાની શરૂઆત કરવામાં આવે છે. પ્રથમ 5 કે 7 માં પોતાના ઇષ્ટદેવ, કુળદેવતા, નગરદેવ, સ્થાનિક દેવ, આરાધ્ય દેવ કે દેવી અને ત્યારબાદ પોતાનાં નજીકના અંગત અને હિતેચ્છુને લખી પૂજા પાસે મુકવામાં આવે છે, આમ પોતાની પરંપરાને પણ ધ્યાન રાખવામાં આવે છે.  

સામાન્ય રીતે મેંદીના નાનાવૃક્ષ નકારાત્મકતા સામે રક્ષણ આપવાના હેતુથી ઉગાડવામાં આવે છે. લગ્નપ્રસંગે પણ કન્યાના હાથમાં મેંદી લાગવાથી તેને નજરદોષ અને નકારાત્મકઊર્જા દૂર કરવામાં મદદ મળે છે. મેંદીનો રંગ પ્રેમનું પ્રતીક પણ છે, એક શણગારનું રૂપ પણ છે, એક સામાન્ય માન્યતા પ્રમાણે મેંદીનો રંગ જેટલો ઘેરો તેટલો જ તેને પતિ પ્રેમ મળે છે.  

લગ્નએ મોટો શુભપ્રસંગ ગણાય છે. તેમાં અભિવૃદ્ધિ કરવા, પોઝિટિવ ઊર્જા વધારવા, માંગલિક શબ્દો વડે કે પ્રાંતિય રિવાજ મુજબ ગીતએ સંસ્કૃતિનો એક ભાગ છે.  

વિઘ્ન દૂર કરનાર પ્રથમ પૂજનીય દેવ ગણપતિદાદાના આશીર્વાદ હેતુ તેમનું સ્થાપન થાય છે, અને નવગ્રહના આશીર્વાદ હેતુ તેમનું વિધિવત પૂજન થાય છે. નવગ્રહના આશીર્વાદથી જીવનમાં સુખ શાંતિ રહે અને જીવનમાં સૂર્યથી આત્મવિશ્વાસ, ચંદ્રથી મનની શાંતિ, મંગળથી જીવનપ્રવાહની શક્તિ, બુધથી બુદ્ધિ,  ગુરુથી જ્ઞાન અને નવસર્જન શક્તિ,  શુક્રથી જીવનહેતુ ઈચ્છા, શનિથી ગહનતા અને ફરજ, રાહુથી વર્તન અને  કેતુથી સાંસારિક રહસ્ય અને મોક્ષ પ્રાપ્ત થાય છે.  

આપણે લગ્ન અગ્નિની સાક્ષીએ કરતાં હોઈએ છીયે, માટે પ્રથમ સ્તંભ અગ્નિ દિશામાં રોપી ત્યાર બાદ નૈઋત્ય, વાયવ્ય, ઈશાન એમ વિદિશામાં રોપવામાં આવે છે. ઘણી જગ્યાએ સૂર્ય માસ મુજબ પ્રથમ સ્તંભનું રોપણ કરવામાં આવે છે. પરંતુ સ્તંભ મોટેભાગે વિદિશામાં રોપવામાં આવે છે.  

પીઠી કાર્ય સામાન્ય રીતે લગ્નના એક દિવસ પહેલાં કરવામાં આવે છે, આ વિધિ વર અને કન્યાના શારીરિક સૌંદર્યની વૃદ્ધિ હેતુ, ઉપરાંત પીઠીમાં આવતી હળદર જે ગુરૂ ગ્રહને પ્રભાવિત કરે છે. ગુરૂ સંસારજીવનમાં અગત્યનો ભાગ ભજવે છે, હળદર આયુર્વેદની દ્રષ્ટિએ પણ કીટાણુનાશક છે જે વર, વધુને કોઈ જંતુ કે અન્ય પ્રકારે રક્ષા પણ કરે છે. સામાન્ય રીતે પીઠીમાં આ પ્રકારની વસ્તુઓ હોય છે. થોડો ઘઉંનો લોટ, કપૂર કાચલી પાવડર, હળદર પાવડર, ચંદન પાવડર, ચણાનો લોટ, ગુલાબ પાંખડીનો પાવડર અને અન્ય પ્રાંતિય રિવાજ મુજબ વસ્તુઓ ઉમેરવામાં આવે છે. આ વસ્તુમાં રિવાજ મુજબ પાણી, દહીં અથવા તેલ કે અન્ય કોઈપણ વસ્તુ ઉમેરાય છે. હાલમાં બજારમાં તૈયાર પીઠી પણ સરળતાથી મળી જાય છે,   

યોગ્ય સમય અને ચોઘડિયું નક્કી કરી, વર/કન્યાને બાજોઠમાં પૂર્વ દિશા તરફ મુખ રાખી બેસાડવામાં આવે છે અને 5 કે 7 સુહાગણ સ્ત્રી વડે તેને લેપ કરાય છે, ગીતો ગવાય છે અને પછી સ્નાન કરાવવામાં આવે છે, પીઠી વર/કન્યાના પરસ્પર પ્રેમ અંગેનું માંગલિક કાર્ય છે.  

મીંઢળએ એક રક્ષા સૂત્ર છે, જેમાં એક વનસ્પતિના ફળને દોરામાં પરોવી અને તે ફળની બંને બાજુ એક ગાંઠ વાળવામાં આવે છે અને વર/કન્યાના જમણાં હાથના કાંડામાં બાંધવામાં આવે છે. લગ્નની સંપૂર્ણ વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી રાખવામાં આવે છે. મીંઢળ નકારાત્મક ઊર્જા અને ખરાબ નજરદોષથી બચાવ કરે છે. 

અશુભ તત્વ સામે રક્ષણ, ખરાબ નજર કે કોઈની ઈર્ષાના ભોગ બને નહીં તે હેતુ એક રક્ષા કવચ તરીકે આ વસ્તુઓ રાખવાની પ્રથા છે.  

ફુલેકું એટલે વરરાજાને લગ્ન અગાઉ કોઈ રાત્રી દરમિયાન સુસજ્જ થઈ ગામમાં ફરવા લઈ જવામાં આવે છે, વરઘોડો એટલે લગ્ન માટે યોગ્ય મુહૂર્તમાં વરરાજા પરણવા માટે પ્રયાણ કરે. સામૈયા એટલે જાનની વધામણી હેતુ કન્યાપક્ષ દ્વારા સ્ત્રીઓ સ્વાગત હેતુ જાય છે અને ત્યાં વરરાજાનું પૂજન થાય છે. રસ્તામાં કોઈ નકારાત્મક શક્તિના પ્રભાવથી બચાવ અને શુકન, શુભત્વ વધારવાનો હેતુ હોય છે.  

એક નાની વાટકી કે લોટોમાં આખું મીઠું, સિક્કો, સોપારી મૂકી તેના પર લાલ, લીલો કે સફેફ રૂમાલ વીંટાળી તેના પર સાથિયો કરવામાં આવે છે. પછી કોઈ નાની બહેન કે ભાણીને વરરાજા પાછળ તેને અડકાડી ઘૂઘરાની જેમ અવાજ કરાય છે. જેથી વરરાજાના મનમાં આવતાં ખોટા વિચારો અશુભ તત્વ દૂર થાય અને તેને થોડો ઉત્સાહિત રાખવામાં આવે છે.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો