વેલેન્ટાઈન્સ ડે / ઉર્વશી, મેનકા અને રંભા સહિત સ્વર્ગમાં 11 મુખ્ય અપ્સરાઓ હતી, જે પોતાના રૂપ અને યૌવનથી દરેકને મોહિત કરતી

velentine day special: There were 11 main apsaras in heaven, including Urvashi, Manaka and Rambha

Divyabhaskar.com

Feb 14, 2020, 07:49 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ અપ્સરા જેને આજના લોક વાયકામાં પરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણી પૌરાણિક કથાઓ અને શાસ્ત્રો પ્રમાણે એક અંત્યત સુંદર અને કળાઓમાં કુશળ, સ્વર્ગલોકમાં રહેતી તેજસ્વી દિવ્ય સ્ત્રી એટલે અપ્સરા. અપ્સરા દેવલોકમાં અત્યંત સુંદર અને મોહક, જાદુઈ શક્તિ ધરાતી માનવામાં આવે છે, તેમના સુંદર, ચંચળ અને અનુપમ સૌંદર્યને કારણે તેઓએ ઘણીવાર દેવલોકની રક્ષા પણ કરી છે. કેટલાંક ઋષિઓની તપસ્યા ભંગ કરી છે તો ક્યારેક દાનવોને મુગ્ધ કરીને ધાર્યા કામ પણ કરાવી લીધા છે. આ પ્રકારની પ્રભાવશાળી આવડત, સુંદર રૂપ, મનમોહક અદાને કારણે તેનું સ્વર્ગલોકમાં ઊંચુ સ્થાન છે. વેલેન્ટાઈન્સ ડેના અવસરે અપ્સરા વિશે તમામ જાણકારી અમદાવાદના મેદનીય જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા દ્વારા આપવામાં આવી રહી છે.

કેટલા પ્રકારની અપ્સરાઓ છે?
કેટલાંક કથનો મુજબ દેવરાજ ઇન્દ્રના સ્વર્ગમાં 11 અપ્સરાઓ મુખ્ય હતી. જેમાં કૃતસ્થલી, કુંજકરથરા, મેનકા, રંભા, પ્રમલોચા, અનુલોચા, ધ્રુતાવી, વરચા, ઉર્વશી, ઉર્વચીતી અને તિલોતમાનો સમાવેસ થાય છે. એક અન્ય માન્યતા પ્રમાણે 108 થી લઈને 10008 અપ્સરાઓ હતી તેવું ઉલ્લેખવામાં આવે છે.

તિલોતમા અપ્સરા:-
કશ્યપ અને અરિસતાની બ્રાહ્મણ પુત્રી જેને અયોગ્ય સમયે સ્નાન કરવાના અપરાધમાં અપ્સરા થવાનો શ્રાપ મળ્યો હતો. બીજી દંત કથા પ્રમાણે કુબજા નામની મહિલાએ તપશ્ચર્યા દ્વારા વૈકુંઠ પદ પ્રાપ્ત કર્યું હતું, ત્રીજી દંત કથા અનુસાર સુંદ અને અસુંદ નામના રાક્ષસોના અત્યાચાર નાથવા બ્રહ્માજીએ વિશ્વની ઉત્તમ વસ્તુઓમાંથી તલ-તલ જેટલી સુંદરતા લઈને આ અતિ સુંદર સ્ત્રીની રચના કરી જે તિલોતમા તરીકે ઓળખાઈ. આ અપ્સરાના લીધે બંને રાક્ષસોએ અંદરોઅંદર લડવા લાગ્યાં અને તેમનો અંત થયો.

પૂંજાકસ્થળી અપ્સરાઃ-
દેવરાજ ઇન્દ્રની સભામાં એકવાર મહાન તપસ્વી ઋષિ દુર્વાસાનું આગમન થયું હતું. સભાના કાર્યમાં અતિ વ્યસ્ત આ અપ્સરાના કામકાજના ખલેલથી ગુસ્સે થઈ દુર્વાસા ઋષિએ આ સુંદર અપ્સરાને વાંદરી થવાનો શ્રાપ આપ્યો હતો. પરંતુ તેની નિર્દોષતા અને આજીજી સાંભળીને દુર્વાસા ઋષિએ તેના ઉદ્ધારનો ઉપાય પણ બતાવ્યો હતો. ઉપાય પ્રમાણે અમુક સમય મર્યાદા સુધી વાંદરી સ્વરૂપ ધારણ કરશે અને આદરણીય પણ બનશે. આગળ જતાં આ અપ્સરા વાનર શ્રેષ્ઠ વિરજની પત્નીના ગર્ભથી વાનરીરૂપમાં જન્મ લીધો અને તેનું નામ અંજની રાખવામાં આવ્યું. તેના વિવાહ વાનરરાજ કેશરી સાથે થયા હતાં. ત્યાર બાદ તેમનાં પુત્ર તરીકે હનુમાનજીનો જન્મ થયો હતો. જે રામભક્ત તરીકે પ્રખ્યાત થયા હતાં.

ઉર્વશી અપ્સરાઃ-
પોતાના રૂપ અને યૌવનથી દરેકને મોહિત કરનાર ઉર્વશીના જન્મ બાબતની એક કથા પ્રમાણે, એક સમયે ભગવાન વિષ્ણુએ નર અને નારાયણ રૂપમાં અવતાર લીધો અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા શરૂ કરી હતી. તેમની તપસ્યાની જાણ દેવરાજ ઇન્દ્રને થઈ જેથી તેઓ ચિંતિત બન્યા અને ભય લાગ્યો કે તેઓ ભગવાન શિવ પાસે ઇન્દ્રાસન માંગશે. આ તપસ્યા ભંગ કરવા ઇન્દ્રએ અનેક અપ્સરાઓ મોકલી હતી. પરંતુ તેનાથી નર અને નારાયણ જરાય વિચલિત થયા નહીં. તેઓએ પોતાના સાથળમાંથી ઇન્દ્રએ મોકલેલ અપ્સરાથી પણ વધુ સુંદર અપ્સરા ઉત્પન્ન કરી હતી. જેનું નામ ઉર્વશી પડ્યું હતું. ત્યારબાદ આ અપ્સરા ઇન્દ્રને ભેટમાં અપાઇ હતી.

ઉર્વશી સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા હતી. તેના ઉપર દરેકનું મન મોહિત થતું હતું. પરંતુ ઉર્વશીનું મન પાંડુપુત્ર અર્જુન પર લાગ્યું હતું. જ્યારે અર્જુન યુદ્ધ હેતુ દિવ્ય અસ્ત્ર મેળવવા ઇન્દ્રલોકમાં ગયા હતાં, ત્યાં અર્જુન અને ઉર્વશીની અચાનક મુલાકાત થઈ અને ઊર્વશીને પ્રેમ થઈ ગયો હતો. પરંતુ યુદ્ધ અનિવાર્ય હતું જેથી અર્જુને તેનો પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. આ બાબતથી ગુસ્સે થઈ ઉર્વશીએ અર્જુનને શ્રાપ પણ આપ્યો હતો. આ શ્રાપ ટૂંક સમય હેતુ અર્જુનના બચાવ હેતુ ઉપયોગી પણ બન્યો હતો.

મેનકા અપ્સરાઃ-
મેનકા ઇન્દ્રની જેટલી વિશ્વાસુ અપ્સરા હતી તેટલી જ મનમોહક પણ હતી. જ્યારે દેવરાજ ઇન્દ્રને સમાચાર મળ્યા કે મહાન ઋષિ વિશ્વામિત્ર કોઈ કાર્ય હેતુ ઘોર તપસ્યા કરી રહ્યા છે. ત્યારે ઇન્દ્રદેવ ચિંતામાં પડી ગયાં અને વિચાર કરવા લાગ્યાં કે આ તપસ્યા પાછળનું કારણ શું હોઈ શકે? તેમણે તરત જ મેનકાને પૃથ્વીલોક પર જઈ વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરવાનું કહ્યું. વિશ્વામિત્ર જ્યાં તપસ્યા કરી રહ્યા હતાં, ત્યાં જઈ મેનકાએ તેની મોહકઅદા અને નૃત્યથી તપસ્યા ભંગ કરવાની કોશિશ કરી પરંતુ વિશ્વામિત્ર વિચલિત થયા જ નહીં. આ જોઇને દેવરાજ ઇન્દ્રએ કામદેવને મેનકાની મદદ કરવા જણાવ્યાં. કામદેવે પોતાના માદક અને મોહન બાણ વડે વિશ્વમિત્ર પર પ્રહાર ચાલુ કર્યાં, તેમજ મેનકા પોતાની અદા અને નૃત્યના પ્રભાવથી વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરવામાં સફળ થઈ. બંને વચ્ચે પ્રેમ પણ થયો અને તેમને એક દીકરી પણ થઈ જેનું નામ શકુંતલા રાખવામાં આવ્યું. આ શંકુતલાને હસ્તિન નરેશ દુષ્યંત સાથે પ્રથમ નજરે પ્રેમ થયો અને તેમની સાથે લગ્ન કર્યા. તેમના પુત્રએ હસ્તિન રાજ્યનો પોતાના પરાક્રમથી વિસ્તાર કર્યો અને હસ્તિનથી હસ્તિનાપુર રાજ્ય બન્યું. આ પરાક્રમી વીર એટલે મહારાજા ભરત.

રંભા અપ્સરાઃ-
સમુદ્ર મંથન દરમિયાન જે વસ્તુ ઉત્પન્ન થઈ હતી, તેમ રંભા નામની અત્યંત સુંદર અપ્સરાનો પણ ઉદ્દભવ થયો હતો. આ રંભા નામની અપ્સરા સુંદર વસ્ત્રો, અલંકાર, શ્રૃંગારથી સુશોભિત અને અત્યંત મોહક લાગતી હતી. જે મનને પણ વિચલિત કરી દે તેવી આ અપ્સરાને જાણવા માટે પણ પોતાના મનને નિયંત્રણમાં રાખવું પડે.

X
velentine day special: There were 11 main apsaras in heaven, including Urvashi, Manaka and Rambha

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી