ધર્મ ડેસ્ક : લગ્નજીવનમાં એકમેક વચ્ચેનો તાલમેલ ખૂબ જરૂરી હોય છે. એટલા માટે શ્રીમદ ભાગવતની ત્રણ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
1. એકબીજાનું સન્માન કરવું
2. એકબીજામાં વિશ્વાસ કરવો.
3. એકબીજા પ્રત્યે નિષ્ઠા રાખવી.
આ ત્રણ વાતને નજર અંદાજ કરી તો પરીવારને વિખેરાતા વાર લાગતી નથી. આ વાતને શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવેલી રાજા યયાતિની કથાથી સમજીએ.
રાજા યયાતિ પ્રતાપી રાજા હતા. તેમના લગ્ન દૈત્ય ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે થયા હતા. લગ્ન પહેલા શુક્રાચાર્યએ યયાતિ પાસેથી એ વચન લીધું હતું કે તે ક્યારેય દેવયાની સિવાય કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખશે નહીં. જ્યારે દેવયાની ગર્ભવતી થઈ ત્યારે શર્મિષ્ઠા નામની યુવતીને તેની ઈર્ષા થઈ. શર્મિષ્ઠા રાજા યયાતિના મહેલની પાછળ એક કુટિરમાં રહેતી હતી. તેણે યયાતિને પોતાના સૌંદર્યની જાળમાં ફસાવી લીધો.
એક દિવસ દેવયાનીને આ વાતની જાણ થઈ ગઈ. તેણે શુક્રાચાર્યને યયાતિના વ્યવહારની વાત કરી. આ વાત સાંભળી શુક્રાચાર્યએ યયાતિને શ્રાપ આપ્યો કે તે યુવા અવસ્થામાં જ વૃદ્ધ બની જશે. યયાતિએ પોતાની ભૂલની ક્ષમા માંગી પરંતુ રાજાના લગ્નજીવનનું સુખ, વિશ્વાસ અને સન્માન પૂરું થઈ ગયું હતું. એટલા માટે આ ત્રણ વાતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.