માનસ દર્શન / શિવની સૃષ્ટિમાં સઘળું છે, એની બહાર કશું નથીઃ મોરારિબાપુ

shravan month,beyond that Shivji life, Morari bapu

બધું શિવમય છે, તો શિવ સમસ્ત છે પછી 'રુદ્ર' પાઠ હોય કે 'ઇન્દ્ર' પાઠ હોય

Divyabhaskar.com

Aug 12, 2019, 12:15 PM IST

ધર્મ ડેસ્ક. એક જ સત્યને ઘણા એંગલથી જોઈ શકાય છે. શિવ તત્ત્વને પણ અનેક પ્રકારે જોવાની વિનમ્ર ચેષ્ટા આપણે ત્યાં થઈ છે. ઋગ્વેદનો એક મંત્ર છે, એમાં પાઠાંતર છે. એમાં બે પ્રકારના પાઠ મળે છે. એક પાઠમાં 'રુદ્ર' શબ્દ આવે છે અને બીજા પાઠમાં 'ઇન્દ્ર' શબ્દ આવે છે. મોટેભાગે 'ઇન્દ્ર' શબ્દ પ્રયોજાયો છે. મહામુનિ વિનોબાજીએ પણ ઇન્દ્રવાળો પાઠ સ્વીકાર્યો છે. એ મનીષીઓએ આપણને સંકેત આપ્યો છે કે, અહીં 'ઇન્દ્ર' શબ્દ જ યોગ્ય છે. એને પ્રણામ કરીને, 'રુદ્ર' શબ્દને પણ આપણે આદર આપીએ. વિવાદની કોઈ જરૂર જ નથી.

ઇન્દ્ર શ્રેષ્ઠાનિ દ્રવિણાનિ ધેહિ ચિત્તિં દક્ષસ્ય સુભગત્વમસ્મે.
પોષં રયીણામરિષ્ટિં તનૂનાં.
સ્વાદ્માનં વાચ: સુદિનત્વમહ્નામ્.

શિવદર્શનના પરિપ્રેક્ષ્યમાં મેં 'રુદ્ર' શબ્દનું દર્શન કર્યું છે, ગુરુકૃપાથી વેદનું મેં દર્શન કર્યું છે એમાં 'ઇન્દ્ર' શબ્દ બહુધા બ્રહ્મ, ઈશ્વર, શિવ તત્ત્વપરક જ આવ્યો છે. ઇન્દ્ર એટલે કે ત્યાં સ્વાર્થી એવો દેવરાજ ઇન્દ્ર નથી. તુલસીદાસજીએ દેવરાજ ઇન્દ્રને કપટી અને સ્વાર્થી દર્શાવીને બહુ જ ફટકાર્યો છે! વેદના ઇન્દ્ર બ્રહ્મ પર્યાય છે, ઈશ્વર પર્યાય છે, પરમાત્મા પર્યાય છે, રુદ્ર પર્યાય છે, એટલે 'રુદ્ર' પાઠ મળે તોપણ ચિંતા નથી. રુદ્ર ઇન્દ્ર છે. મારા મત મુજબ શિવની સૃષ્ટિમાં સઘળું છે, એની બહાર કશું નથી. બ્રહ્મ હોવાના નાતે એમની સૃષ્ટિમાં બધું જ મળશે. અહીં કેવળ શિવદર્શન માટે મારી આંખોએ જે જોયું છે એનો આશ્રય લઈને હું એ વેદમંત્રની વાત કરું છું.

'રુદ્ર શ્રેષ્ઠાનિ.' હવે 'રુદ્ર' શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું અને 'ઇન્દ્ર' શબ્દનો પણ પ્રયોગ કરું. હું એ ઇન્દ્રનો પાઠ પણ સ્વીકારું છું, કેમ કે આપણા પૂર્વસૂરિઓએ એ જ પાઠ સ્વીકાર્યો છે, એ વધારે પ્રમાણિત માની શકાય. વેદમાં વધારે પાઠાંતર નથી. વેદ મારી દૃષ્ટિએ હજી પણ અસ્પર્શ્ય છે. અન્ય ગ્રંથોમાં ઘણા પાઠાંતર છે. આ દેશમાં ઇતિહાસનું પુન: સંકલન થવું જોઈએ અને એ કોઈ વિશેષ આગ્રહવાદી લોકો દ્વારા ન થવું જોઈએ. વેદ કહે છે કે દરેક બાબતનું સંશોધન થવું જોઈએ. આંગણું રોજ સાફ કરવું પડે છે, પરંતુ આપણા હઠાગ્રહોએ આપણને ઘણી વાર તોડ્યા છે!

પૃથ્વીના મારા યુવાનો, સાવધાન રહેવું, વિવાદિત વાતોથી દૂર રહેવું. હું તમને રામકથા સંભળાવી રહ્યો છું, કેમ કે રામકથા આપણે એક સાચા નિજ ધર્મમાં સ્થાપિત કરવી છે. સહજ ધર્મમાં આપણે પ્રતિષ્ઠા કરીએ. જે અનાદિત કવિ શિવે શિવાને સંભળાવી, એ કથાને, એ શિવ તત્ત્વને ગોસ્વામીજીએ અંકિત કર્યું. તુલસીદાસે 'અયોધ્યાકાંડ'ના પહેલા દોહામાં એવું કેમ લખ્યું છે, 'જો દાયકુ ફળ ચારિ.' એ કયું ફળ છે? એ કયો ધર્મ આપે છે, એ કયો અર્થ આપે છે, એ કયો કામ આપે છે, એ કયો મોક્ષ આપે છે? રામકથા એક ધર્મ આપે છે અને એ છે અનન્યતા. મારા સ્વભાવથી વિરુદ્ધ કંઈ નહીં. મારી નિજતા જ મારો ધર્મ છે. આપણે ધર્મને કોઈ નામ ન આપીએ. ધર્મ ધર્મ છે. બાળકનો પોતાનો ધર્મ, કિશોરનો પોતાનો ધર્મ, વૃદ્ધોનો પોતાનો ધર્મ, માતાઓનો પોતાનો ધર્મ, પશુઓનો પોતાનો ધર્મ, સૂર્યનો પોતાનો ધર્મ. સૌનો પોતપોતાનો ધર્મ છે. મારી સમજ મુજબ રામકથા અનન્યતાનો ધર્મ આપે છે.

આપણે ભટકીશું નહીં, એકમાં સ્થિર થઈ જઈશું. ચાહે રામ, કૃષ્ણ, શિવ, અલ્લાહ, બુદ્ધ ક્યાંય પણ. મારી વ્યાસપીઠને કોઈ મુશ્કેલી નથી. રામ રહીમ છે અને કૃષ્ણ કરીમ છે. રામકથા અનન્યતારૂપી ધર્મની શીખ આપે છે. જ્યાં બીજું કોઈ ન હોય. બીજું હોય તો સંઘર્ષ થાય છે. દ્વૈત બુદ્ધિ વિના ક્રોધ નથી થતો. ક્રોધ વિના હિંસા નથી થતી. હિંસા વિના યુદ્ધ નથી થતું. એ બધું જ દ્વૈતથી થાય છે. આ હું અને આ તું! આ મારો ગ્રંથ અને આ તારો ગ્રંથ! વિનોબાજીનું અદભૂત વાક્ય છે કે, 'સંઘર્ષ ક્યારેય બે ધર્મ વચ્ચે નથી થતો, બે અધર્મની વચ્ચે થાય છે.' ધર્મ ક્યારેય યુદ્ધ નથી કરી શકતો, અધર્મ જ યુદ્ધ કરે છે. 'શિવ સમાન પ્રિય મોહિ ન દૂજા', એ 'માનસ'નું અદ્વૈત છે. આપણે ઘણી વાર ભાંગ્યા છીએ! ખંડ ખંડ થઈ ગયા છીએ! આપણું મૂળ સૂત્ર તો છે, ત્યાગો અને ભોગવો. એ વિચાર આપણા છે. આપણે બીજાને આપીને ખાઈએ છીએ. રામ રહીમ છે, એ ઉદાર છે, સંકીર્ણ નથી. તો વેદ પાઠાંતરથી બચી ગયા છે. ગુરુગ્રંથનું પણ પાઠાંતર નથી થઈ શક્યું. કેટલીક માત્રામાં જ્ઞાનેશ્વરી પણ એવી જ રહી છે. વિવાદમાં ન રહો. પાઠ 'ઇન્દ્ર' હોય કે 'રુદ્ર' હોય, કોઈ ફરક નથી પડતો. બધું શિવમય છે.

તો શિવ સમસ્ત છે. પછી 'રુદ્ર' પાઠ હોય કે 'ઇન્દ્ર' પાઠ હોય. શિવ જ ઇન્દ્ર છે, કારણ કે બ્રહ્મ છે. વેદસ્વરૂપ છે, બ્રહ્મસ્વરૂપ છે. મનીષીઓએ એનું ભાષ્ય કર્યું છે. હે ભગવાન, હે પરમાત્મા, હે સદાશિવ, હે રુદ્ર, જે અમને દ્રવ્ય તો આપે છે, ધન તો આપે છે, પરંતુ શ્રેષ્ઠ દ્રવ્ય આપનારા અમને શ્રેષ્ઠ ધન આપો. વિપુલ માત્રામાં નિકૃષ્ટ ધન ન આપશો. મારો કહેવાનો મતલબ છે કે આપણી પરંપરામાં દ્રવ્ય માગવામાં આવ્યું છે, પરંતુ આપણને શ્રેષ્ઠ ધન મળે એવું મગાયું છે. અહીં લક્ષ્મી મળે, કચરો નહીં. એ રૂપ માગે છે. તો શિવ દિગંબર હોવા છતાં એ દેનારા છે. શ્રેષ્ઠ દેનારા મહાદેવ છે, ઇન્દ્ર કે રુદ્ર જે કહો તે.

ભગવાન શિવ પાસે બીજી માગ કરવામાં આવી છે કે, 'ચિત્તિં દક્ષસ્ય' એટલે કે સજ્જન લોકો જેવું ચિંતન અમને આપો, દુર્જનનું ચિંતન નહીં. સજ્જનો જેવું ચિંતન કરે છે, એવી વિચારધારા અમને પ્રાપ્ત થાય. વૈશ્ચિક વિચારધારા પ્રાપ્ત થાય, એવી માગ શિવ પાસે કરવામાં આવી છે. 'સુભગત્વમસ્મે', આચાર્યોએ એનો મતલબ એવો કર્યો છે કે અમારું સૌભાગ્ય વધારો. અમને ભાગ્યવાન બનાવો. અમે દુર્ભાગી ન રહીએ. તારા હોવાથી અમે ભાગ્યવાન બનીએ. કોઈ જનમમાં અમે એવી માંગ કોઈ ને કોઈ રૂપે કરી હશે ત્યારે, 'બડે ભાગ માનુસ તનુ પાવા.' અમે ભાગ્યવાન થયા છીએ અને મનુષ્યશરીર પ્રાપ્ત કરીને ભારતમાં આવ્યા છીએ. અમને ભાગ્યવાન બનાવો એવી શિવ પાસે માગ કરવામાં આવી. 'પોષમ્.' અમારું પોષણ કરો.

દુનિયા અમારું શોષણ કરે છે, એટલે હે ઠાકુર, હૈ પરમાત્મા, હે સદાશિવ, અમારું પોષણ કરો. અમારું આનંદવર્ધન કરો. અમારો આનંદ અખંડ રહે, ક્ષણિક ન હોય એવી કૃપા કરો. 'તનેનામ્.' વેદના ઋષિ આગળ કહે છે કે અમારા શરીરને સુદૃઢ બનાવો. અમારું શરીર નીરોગી રહે, સ્વસ્થ રહે, જેથી અમે સાધના કરી શકીએ, જપ કરી શકીએ. અમે બીજાના ઉપયોગમાં આવી શકીએ. અમને એવો દેહ મળે. 'વાચ:.' અમને મધુર વાણી આપો. આપણે વેદ પાસે, રુદ્ર પાસે મધુર વાણી માગી હતી. 'સત્યમ્ બ્રૂયાત્ પ્રિયમ્ બ્રૂયાત્.' વાલ્મીકિજીએ રામજીને કહ્યું કે જે પ્રિય સત્ય બોલે એમના હૃદયમાં આપ નિવાસ કરો. આપણો પ્રત્યેક દિવસ સુદિન બને. આપણા આખા આયુષ્યના જેટલા દિવસ હોય એ પ્રત્યેક દિવસ સુદિન બને. જેટલા દિવસો આવા સત્સંગમાં જાય, લોકોનું હિત કરવામાં, બીજા સાથે પ્રીત કરવામાં, સેતુ બનાવવામાં જાય એ જ આપણા સુદિન છે. તો હે શિવ, હે ભોલેબાબા, અમે તારી સ્તુતિ કરીએ છીએ.

(સંકલન : નીતિન વડગામા)

X
shravan month,beyond that Shivji life, Morari bapu
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી