Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શાં માટે 12 સંક્રાંતિમાં મકર-સંક્રાંતિ સૌથી શ્રેષ્ઠ છે? અનોખો મહિમા ધરાવતાં આ દિવસે દાન કરવું ફળદાયી છે
ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ છે. આ પર્વ વિશે અમદાવાદના મેદનીય જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા જણાવે છે કે આબોહવા, પ્રકૃતિ, પર્યાવરણ, ૠતુ, વાતાવરણ જેવી બાબતોની જાણકારી અને તેનો રાજકીય, સામાજિક, ધાર્મિક મહિમા વગેરેની ગણતરી હેતુ પૃથ્વીને જે બે ગોલ દ્વારા સરળ બનવામાં આવી છે. તેમાં એક ઉત્તર અને બીજું દક્ષિણ છે. તેમાં પણ બે પદ્ધતિની ગણતરી કરવામાં આવી છે. એક સાયન અને બીજું નિરયન. આ બંને પદ્ધતિ પૃથ્વીના ભ્રમણને કારણે સૂર્યનો પ્રવેશ થાય છે તેના અનુસાર ધ્યાનમાં લેવાય છે.
ટૂંકમાં કહીએ તો પૃથ્વીને 12 રાશિ વડે વહેંચી છે અને દરેકના 30 અંશ ગણેલ છે જે કુલ 360 અંશમાં થાય છે. આ બાર રાશિ જે બે ગોલમાં વહેંચાયેલ છે જે એક ઉત્તર ગોલ સૂર્ય મકરથી મિથુન રાશિ અને બીજું દક્ષિણ ગોલ કર્કથી ધન રાશિ. સૂર્ય જ્યારે એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે ત્યારે સંક્રાંતિ થઈ કહેવાય અને સંક્રાંતિનો સરળ અર્થ કરીએ તો પ્રવેશ કરવું, પાર કરવું કે હટવું થાય. મકર સંક્રાંતિ એટલે સૂર્યનું ધન રાશિથી હટવું/પાર કરવું અને મકર રાશિમાં પ્રવેશ કરવું
સંક્રાંતિનો પુણ્યકાળ:-
- સૂર્ય જો 60 કલાની ગતિથી ભ્રમણ કરે તો 32 કલા અને 32 ઘટી એટલે કે 12 કલાક અને 48 મિનિટનો સમય પુણ્યકાળ ગણાય છે. પરંતુ જો બે દિવસના સૂર્યોદયના સમય પ્રમાણે સૂર્યની ગતિ જો 54 થી 56 કલા થતી હોય તો અહીં સંક્રાંતિ કાળ 13 કલાક અને 12 મિનિટનો ગણાય છે. આ સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન પૂજા, જાપ દાન વિશેષ ફળદાયી હોય છે. કારણ કે સૂર્યને પ્રત્યેક્ષ દેવ અને ગ્રહોમાં રાજા, શાસક, આત્મનો કારક, પ્રકાશ આપનાર કહેવાય છે. માટે આ સમયે દાન આપવાથી આત્મબળ વધે છે, ગરીબી દૂર થાય છે, અપકીર્તિથી બચાવ થાય છે.
- સૂર્યની આ બાર સંક્રાંતિથી બાર માસ અને છ ૠતુની ગણતરી થાય છેઃ-
- દરેક સંક્રાંતિનું ફળ અલગ અલગ હોય છે જેમાં રાજકીય, ભૌગોલિક, પ્રાકૃતિક વગેરે જેવી બાબતનું ફલાદેશ કરાય છે અને તેમાં ખાસ નોંધવા જેવી બાબત એ હોય છે કે આ દિવસે કઈ તિથિ, ક્યુ નક્ષત્ર, કઈ ચંદ્ર રાશિ, દિવસ કે રાત્રીનો કયો સમય ચાલે છે તેની જાણકારી મેળવીને ફલાદેશ કરાય છે.
- સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્તર ગોલમાં પણ પ્રવેશ કરે છે અહીં એ ધ્યાનમાં રાખવાનું કે મકર રાશિમાં 30 દિવસ હોય છે તો ઉત્તર ગોલમાં 6 રાશિ એટલે 180 દિવસ હોય છે આ બાબત મકર રાશિ અને ઉત્તરાયણ વચ્ચેનો અર્થ સમજાવે છે પણ તે બંને એક જ દિવસે આવે છે.
- ઉત્તરાયણના દિવસે ઘણાં વિદ્વાન કે જાણકાર પવનની દિશા પવનની ગતિ, ઊંચાઈ, કેટલાં સમય સુધી પવનની દિશામાં થતાં પરિવર્તન વગેરે જેવી બાબતનો અભ્યાસ આબોહવા, આર્થિક, સામાજિક પરિવર્તન કે કુદરતના કોઈપણ એંધાણનો અભ્યાસ કરતાં અને જાણકારી મેળવતા હતાં.
- ઉતારગોલના પ્રવેશ સમય હોવાથી ઉત્તરાયણ કહેવાય છે. જે હિન્દુ ધર્મ મુજબ ખુબ જ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. મહાભારત કાળ દરમિયાન જ્યારે ભીષ્મ પિતામહ બાણ શૈયા પર હતાં અને તેમને તો ઈચ્છા મૃત્યુનું વરદાન પણ હતું, છતાંપણ તેમને ઉત્તરાયણ પર્વની પ્રતીક્ષા કરી હતી અને આ દિવસે તેમને પોતાના દેહનો ત્યાગ કરેલો.
- દાન, પુણ્ય, જાપનો મહિમા ધરવતાં આ મહિમાવાળા દિવસે જો ઘઉં, ગોળ, શેરડી, તલ, ધન, કપડાં, જેવી વસ્તુનું દાન તેમજ ગાયને અન્ન અને જરૂરિયાતને મદદ કરવી વગેરે બાબત પોતાની યથા શક્તિ મુજબ કરે તો ખૂબ ફળદાયી બને છે
- કેટલાંક લોકો આ દિવસે વાર્ષિક વ્રત પણ શરૂ કરે છે અને તે બીજા ઉત્તરાયણ સુધી પાલન કરે છે. જેમ કે, પાણી પીતા પહેલાં ભગવાનનું નામ લેવું, જમતાં મૌન રાખવું કે થાળીમાંથી પહેલો કોળિયો ગાયને આપવો વગેરે. આવા વ્રત કલ્યાણ હેતુ હોય છે.