તહેવાર / 12મીએ દેવપોઢી એકાદશી સાથે ચાતુર્માસ શરૂ, 8 નવેમ્બર સુધી શુભ માંગલિક કાર્યો વર્જિત 

Devpodhi Ekadashi 12 July 2019

Divyabhaskar.com

Jul 11, 2019, 11:13 AM IST

ધર્મ ડેસ્ક : અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવપોઢી અગિયારસ 12મી જુલાઈએ છે અને આ સાથે ચાતુર્માસનો પણ પ્રારંભ થશે. આ ચાર માસ દરમિયાન શુભ માંગલિક કાર્યો વર્જિત મનાય છે. આ સમયગાળા દરમિયાન લગ્નકાર્ય પણ થતાં હોતાં નથી. હવે 8 નવેમ્બરે દેવઊઠી અગિયારસની સાથે ચાતુર્માસ પૂર્ણ થશે અને સીધાં તે મહિનામાં લગ્નનાં મુહૂર્ત આવશે.

18મી જુલાઈથી શહેરભરનાં મંદિરો, હવેલીમાં હિંડોળા પર્વનો પ્રારંભ થશે


ચાતુર્માસના સમય દરમિયાન અનેક જગ્યા પર ધાર્મિક, આધ્યાત્મિક સત્સંગ, ધ્યાન યોગ શિબિર જેવા કાર્યક્રમો યોજાશે. ખાસ કરીને વિશિષ્ટ નિયમ વ્રત-નિયમોની સાથે ઘણા બધા જાતકો બ્રહ્મચર્યની ઉપાસના કરી અનેકવિધ રીતે અલગ-અલગ ભક્તિમાર્ગ અપનાવે છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર, ચાતુર્માસમાં જપ, તપ, દાન, નિષ્ઠાના કર્મ કરવાનું મહત્વ છે.


ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ ચાતુર્માસમાં વ્રત કરવાની આજ્ઞા કરી છે. જ્યારે જૈનાચાર્ય મુજબ આવો સમય વિશેષ ધર્મભક્તિ કરવા માટે ઉત્તમ ગણવામાં આવ્યો છે.


વર્ષની 24 અગિયારસ પૈકી આ એકાદશીનું વિશિષ્ટ મહત્વ છે, કારણ કે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરતા હોવાથી તેને દેવપોઢી કે દેવપ્રબોધિની એકાદશી કહેવાય છે અને ભગવાન ભાદરવા સુદ અગિયારસના દિવસે પડખું ફેરવે છે. તેથી તેને પાર્શ્વવર્તીની એકાદશી કહે છે.


18મી જુલાઈથી હિંડોળાના વ્રતનો પ્રારંભ


ચાતુર્માસ દરમિયાન 18 જુલાઈથી હિંડોળાનાં વ્રતનો પ્રારંભ થશે, જેમાં ઠાકોરજીને અલગ અલગ હિંડોળાંમાં બિરાજમાન કરાવી ભક્તોને દર્શન કરાવાશે. શહેરભરનાં મંદિરો, હવેલીમાં કલાત્મક હિંડાળોનાં દર્શન કરી શકાશે.


નવેમ્બરમાં આ ચાર દિવસે લગ્નનાં મુહૂર્ત


ચાતુર્માસ પૂર્ણ થયા બાદ વિક્રમ સંવત 2076નાં નવેમ્બર મહિનામાં 19, 20, 21 અને 23 તારીખે લગ્નનાં શુભ મુહૂર્ત છે. આ ઉપરાંત ડિસેમ્બરમાં 5, 6, 11 અને 12 તારીખે લગ્નનાં મુહૂર્ત છે. ત્યાર પછીના મુહૂર્ત ઉત્તરાયણે કમુરતા ઉતર્યા બાદ આવશે.

X
Devpodhi Ekadashi 12 July 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી