Back

ધાર્મિક વિધિઓ

કાળી ચૌદસ

કાળી ચૌદસ

કાળી ચૌદસનું શાસ્ત્રોક્ત રીતે શું મહત્વ છે?


કાળી ચૌદસે દેવી મહામાયા કે મહારાત્રિનું પ્રાગટ્ય થયું, એવું કાલિકાપુરાણ, માર્કણ્ડેયપુરાણ, તંત્રગ્રંથો વગેરેમાં કહ્યું છે. વિષ્ણુની યોગનિદ્રા એટલે મહારાત્રિ, કાળરાત્રિ કે મોહરાત્રિ. કાળી ચૌદસે આવી કાળરાત્રિ કે કાલિકાની પૂજા-ઉપાસના કરાય છે. કાળીચૌદસની અધિષ્ઠાત્રી દેવી આ રીતે મહાકાલિકા છે.


કાળી ચૌદસના દિવસે તાંત્રિક સાધના શા માટે કરવામાં આવે છે?


કાળી ચૌદસે પ્રગટ થયેલ દેવી મહારાત્રિનું વર્ણન તંત્રગ્રંથોમાં થયું છે, તેથી યોગિનીતંત્ર, કાત્યાયનીતંત્ર, લક્ષ્મીતંત્ર, કાલિકાપુરાણ વગેરેમાં દર્શાવેલી વિવિધ તાંત્રિક સાધનાઓ કેટલાક કરે છે. તંત્રગ્રંથોમાં મહામાયા કે મહારાત્રિના દશ સ્વરૂપો બતાવ્યાં છે. આ દશેય સ્વરૂપોની પૂજા-ઉપાસના માટેના વિવિધ પ્રયોગો-યંત્રો છે. આમાં ખાસ કરીને શ્રીયંત્ર જેવા વિવિધ યંત્રો, ભૈરવીચક્ર, પંચમકાર સેવન વગેરેથી સાધના કરાય છે. આવી સાધનાઓ વામમાર્ગી ગણાઈ છે. તેથી મોટાભાગના લોકો આવી સાધનાઓથી દૂર રહે છે.


કાળી ચૌદસને નરકચતુર્દશી તરીકે શા માટે ઓળખવામાં આવે છે?


આ દિવસે કૃષ્ણ તેમજ સત્યભામાએ નરકાસુરનો સંહાર કરીને સોળ હજાર કન્યાઓને નરક જેવી કારાગારની કોટડીમાંથી મુક્ત કરીને પ્રકાશગૃહમાં લઈ ગયેલા તેમજ ભગવાન વામે વિરાટ સ્વરૂપ ધારણ કરીને રાજા બલિને પાતાળની અંધારી ખાઈમાં ધકેલી દીધેલો. તેથી કાળી ચૌદસને નરકચતુર્દશી કહે છે.


કાળી ચૌદસે કકળાટ કાઢવાનો વિધિ શા માટે કરવામાં આવે છે? તેમાં વડાં સામેલ કરવાનું પ્રયોજન શું છે?


વર્ષભર જે કજિયા-કંકાસ થયા હોય, તેનો કકળાટ દિવાળીના આગલા દિવસે એટલે કે કાળીચૌદશની રાત્રે કે સંધ્યાટાણે કાઢ્યો હોય તો દિવાળીની ઉજવણી આનંદથી સંપ સહકારની ભાવનાથી ઉજવી શકાય. કકળાટ કાઢવા માટે સંધ્યા ટાણે તેલમાં તળેલાં વડાં પાંચ નંગ ઘરના સભ્યોના માથા પરથી ઉતારી તેને ચાર રસ્તે દીવા સાથે મૂકાય છે અને ફરતે પાણીની ધાર કરાય છે. આમ કરવાથી કામણ-ટૂમણ, ઘરમાં પ્રેતાદિકનો વાસ વગેરેથી હેરાનગતિ કે કકળાટ થતો નથી. યમરાજાની કૃપાથી અનેક પ્રકારના કકળાટોમાંથી મુક્તિ મળે છે. ઉકળતા તેલના તતડાટમાં તળાતાં શ્યામ વડાં તો કકળાટનાં પ્રતીક છે.


દિવાળી જેવા પ્રકાશપર્વની વચ્ચે કાળી ચૌદસની ઉજવણીનો પ્રવેશ કેવી રીતે થયો?

કાળીચૌદસ દેવી મહારાત્રિનો પ્રાગટ્યદિન છે. મહારાત્રિને કાળરાત્રિ પણ કહેવાય છે. આવી કાળી રાતમાંથી દિવાળીની ઝળહળતી ઉષા પ્રગટે છે. ચૌદસ કે અમાસની રાત્રિમાંથી નવા વર્ષનું પ્રભાત પ્રગટે છે. અંધકારમાં પણ પ્રકાશ છુપાયો છે. તેથી જ પ્રકાશપર્વની વચ્ચે કાળી ચૌદસની ઉજવણીનો પ્રવેશ થયો. અસત્ય અને અજ્ઞાનના અંધારામાંથી પણ જ્ઞાનપ્રકાશ પ્રગટાવવાનો સંકલ્પ કરવાનો સંદેશ કાળીચૌદસની અંધારી રાત આપે છે.


કાળી ચૌદસને રૂપ ચૌદસ તરીકે શા માટે ઓળખવામાં આવે છે?


કાળીચૌદસે રૂપાળી કે ગોરી સ્ત્રીઓ આંખોમાં જાતે બનાવેલ કાજળ-મેંશ આંજે છે. કાજળથી આંખો રૂપાળી દેખાય છે. વળી એવી પણ લોકમાન્યતા છે કે કાળી મેંશ આંજવાથી કોઈની નજર લાગતી નથી. વળી આ દિવસે શરીરની કાન્તિ (રૂપ) વધારવા તલના તેલની માલિશ કરાય છે. સંધ્યાટાણે કાળા અને સફેદ એમ બન્ને પ્રકારના તલથી યમરાજનું તર્પણ કરાય છે. આવા તર્પણથી શારીરિક સુંદરતા વધે છે અને દીર્ધાયુષ્ય મળે છે. એવી માન્યતા છે. તલના તેલમાં લક્ષ્મીનો વાસ હોવાથી તલના તેલનું સેવન દેહની સુંદરતા વધારે છે. આવા કારણોથી કાળી ચૌદસ રૂપચૌદસ પણ કહેવાય છે.


કાળીચૌદસે હનુમાનની પૂજા કેમ કરાય છે?


આસોવદ ચૌદસે મધ્યરાત્રિએ અંજનાદેવીની કૂખે હનુમાન અવતર્યા, તેમ પુરાણો કહે છે. તેથી રાત્રિના સમયે હનુમાનની પૂજા ઉપાસના કરાય છે. સુંદરકાંડ, હનુમાન ચાલીસા, હનુમાન કવચ વગેરેના પાઠ કરાય છે. હનુમાન જયંતીનો મહોત્સવ ઉજવાય છે. હનુમાનને તેલ-સિંદૂર ચઢાવાય છે. ઘંટાકર્ણ મહાવીરની પણ ઉપાસના કરાય છે.

(માહિતી: પ્રો. ડો. મણિભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રપતિ સન્માનિત સંસ્કૃત વિદ્વાન)

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

તિથિ-તહેવાર

Dec 2018

ધર્મ દર્શન

TOP