Back

ધાર્મિક વિધિઓ

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી

ગણપતિને વિધ્નહર્તા શા માટે કહેવામાં આવે છે?


પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતીના સ્નાનચૂર્ણના માટીના પિંડમાંથી ગણપતિનું પ્રાગટ્ય થયું છે. પુત્ર ગણેશને પિતા શિવે અજાણતાં 'ગજાનન' કરી નાખ્યા. આવું બેડોળ રૂપ જોઈ પાર્વતીએ દુ:ખી થઈને શિવજીને કહ્યું, 'આવા હાથીના મોંઢાવાળા બાળકનો કોણ ભાવ પૂછશે? સૌ એની મશ્કરી કરશે.'

શિવજીએ પાર્વતીને કહ્યુ, ' અરે, એવું નહીં થાય. તારો દીકરો તો ગણનો અધિપતિ થશે, ગણપતિ કહેવાશે. દરેક શુભ-મંગળ પ્રસંગે એની સૌથી પહેલાં પૂજા થશે અને વિધ્નોના હરનાર દેવ તરીકે તેની બધી જગ્યાએ પૂજા થશે.' આ રીતે શિવજીએ જ ગણપતિને વિધ્નહર્તા બનાવી દીધા.


ગણેશચતુર્થીના દિવસે ચંદ્રદર્શન કરવાનો નિષેધ શા માટે છે?


આમ તો ચતુર્થીના ચંદ્રનું દર્શન મંગળકારી મનાય છે, પરંતુ ભાદરવા સુદ ચતુર્થીએ ચંદ્રદર્શનનો નિષેધ કરાયો છે. કન્યા સંક્રાન્તિ એટલે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્રદર્શનથી ખોટું આળ ચડે કે કલંક લાગે છે. પૌરાણિક કથા પ્રમાણે ગણેશે પોતાની રિદ્ધિ-સિદ્ધિ પત્નીઓ સાથે આકાશમાગ્રે કૈલાસ જવા પ્રસ્થાન કરતા માર્ગમાં ચંદ્રલોકના ચંદ્રે બેડોળ-હાથીના મુખવાળી દેહાકૃતિ જોઈને ગણેશની મશ્કરી કરી, તેથી ક્રોધિત થઈને ગણેશે તેને શાપ આપ્યો. 'હે રૂપના અભિમાની ચંદ્ર! આજે એટલે કે ભાદરવા સુદ ચોથે કોઈ તારી સામે નજર પણ નહીં નાખે અને નાખશે તો તેને કલંક લાગશે, આફત ઉતરી આવશે.' શાપ નિવારણ માટે બ્રહ્માજીએ ચંદ્રને ચતુર્થીવ્રત કરવાનો ઉપાય બતાવ્યો. દિવ્યાંગની મશ્કરી ન કરાય, એવો બોધ આમાંથી મળે છે.

ગણપતિને પ્રસાદમાં લાડુ મોદક જ કેમ ચઢાવાય છે?


એકવાર દેવોએ અમૃતથી બનાવેલો એક મોદક (લાડુ) પાર્વતીને ભેટ આપ્યો. શિવ-પાર્વતીના બન્ને પુત્રો કાર્તિકેય અને ગણેશે તે લાડુ માતા પાસે માગ્યો. માતાએ કહ્યું કે તમારા બન્નેમાંથી પૃથ્વીની પ્રદિક્ષિણા કરીને જે પહેલો આવશે, તેને આ લાડું મળશે. કાર્તિકેય પૃથ્વીપ્રદક્ષિણા કરવા નીકળી ગયા, પરંતુ બુદ્ધિશાળી ગણપતિ તો માતા-પિતાની પ્રદિક્ષિણા કરીને ઊભા રહી ગયા! કાર્તિકેય પૃથ્વીની પ્રદિક્ષિણા કરીને પાછા આવ્યા. પાર્વતીએ જણાવ્યું, 'માતા-પિતાની પ્રદિક્ષિણા-સેવા તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં ચઢિયાતી છે. ગણેશે સાચી પ્રદક્ષિણા કરી છે, તેથી આ લાડું હું તેને આપું છું.' આ રીતે ગણેશને લાડું મળ્યો, તે 'મોદકપ્રિય' થઈ ગયા. આથી ગણપતિને પ્રસાદમાં લાડું (મોદક) ચઢાવાય છે.


શા માટે એકી સંખ્યામાં ઉજવવામાં આવે છે ગણેશ-મહોત્સવ?


ગણેશચતુર્થીએ 'ગણેશોત્સવ'નો આરંભ થાય છે. પહેલા, ત્રીડા, પાંચમા, સાતમા કે અગિયારમાં દિવસે એટલે કે એકી સંખ્યામાં ગણે-મહોત્સવ ઉજવીને ગણેશ-મૂર્તિ/મહોત્સવનું વિસર્જન કરાય છે. એકી સંખ્યા સુકનિયાળ અને શુભ મનાય છે. તેથી કેટલાંક મુહૂર્ત વગેરે કાઢવામાં પણ એકી સંખ્યાનો ખ્યાલ રખાય છે. ગણપતિ તો 'એકદંતી' છે, તેથી પણ એકી સંખ્યાનું મહત્વ છે.


ગણેશોત્સવ દરમિયાન પૂજેલા ગણપતિની મૂર્તિનું વિસર્જન શા માટે કરાય છે?


સર્જન વિસર્જનનું ચક્ર ચાલ્યા કરે છે. ગણેશ જન્મ માતા પાર્વતીએ માટીના પિંડમાંથી કરેલો. ગણેશોત્સવમાં 'ગણેશસર્જન', 'ગણેશપૂજન' અને 'ગણેશવિસર્જન' સાથે સંકળાયેલ સર્જન, પૂજન અને વિસર્જન તો પરમાત્માની અગમ્ય લીલા છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોમાંથી સૃષ્ટિ અને તેના પદાર્થોનું સર્જ થાય છે અને અંતે તેનું વિસર્જન થતાં, પોતાનાં મૂળ તત્વોમાં એ વિલીન થાય છે. ગણેશમૂર્તનું વિસર્જન આવું સત્ય શીખવે છે. એવી પણ માન્યતા છે કે ગણેશોત્સવના ગણપતિને વિદાય આપીએ ત્યારે તે ઘર-શેરીની તમામ સમસ્યાઓ સાથે લઈ જઈને, જળમાં વિસર્જિત થઈ જાય છે. આમાંથી એક બીજું સત્ય એ પણ પ્રગટે છે કે સાકાર મૂર્તિનું વિસર્જન થાય છે એમાં વિરાજમાન ઓમકારસ્વરૂમ ગણેશજી તો અજરામર રહે છે.


(માહિતી: પ્રો. ડો. મણિભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રપતિ સન્માનિત સંસ્કૃત વિદ્વાન)

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ધર્મ દર્શન

TOP