Back

ધાર્મિક વિધિઓ

નાગપંચમી

નાગપંચમી

નાગપંચમી ઉજવણીની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ?


'પદ્મપુરાણ'ની કથા પ્રમાણે જન્મેજયનાં 'સર્પયજ્ઞ'માં ઉપદ્રવ કરતા બધા નાગ-સર્પોનો સંહાર કરવાનો હતો, પરંતુ બ્રહ્માજીની સલાહ પ્રમાણે બધા નાગોએ 'નાગતીર્થ' બનાવીને એકજ સ્થળે રહેવા લાગ્યા. આ રીતે સર્પોનો બચાવ થયો.

નાગોની મુક્તિનો એ દિવસ શ્રાવણ વદ પાંચમનો હતો. ત્યારથી નાગપંચમીની ઉજવણી થવા લાગી. આમ તો નાગપૂજાનાં મૂળ વેદકાળથી પણ પ્રાચીન છે. અથર્વવેદમાં નાગદેવતાની પૂજાના અને ઝેર ઉતારવાના મંત્રો મળે છે.


હિન્દુ સંસ્કૃતિમાં નાગને દેવ માનીને તેની પૂજા કરવા પાછળનું કારણ શું છે?


ભગવાન શિવે તો નાગને કંઠે લગાવ્યો છે. તેમના શરીરનાં આભૂષણો પણ નાગનાં છે. ભારતીય સંસ્કૃતિ કૃષિપ્રધાન છે. નાગ ખેતરની જમીનને ફળદ્રુપ બનાવે છે, જીવજંતુઓનું ભક્ષણ કરી પર્યાવરણની રક્ષા કરે છે. એના વિષનો અનેક દવાઓમાં ઉપયોગ થાય છે. નાગ ધરતીમાં રહેલા ગુપ્ત ધનસંપતિના માલિક-દેવ ગણાય છે, તે પૂર્વજ પણ મનાય છે. આ કારણોથી નાગને દેવ માની પૂજા કરાય છે.


દેશના વિવિધ વિસ્તારોમાં નાગપંચમીની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે?


'સ્કંદપુરાણ'માં નાગપંચમીનું વ્રત બતાવ્યું છે. સામાન્ય રીતે આ વ્રત કરીને તેની ઉજવણી કરાય છે. નાગપંચમીના દિવસે બારણાની બન્ને બાજુ દીવાલો ઉપર, પાણિયારે કે શેર-મહોલ્લામાં નાગનાં ચિત્રો દોરી એ ચિત્રો આગળ ઘીનો દીવો પ્રગટાવાય છે, દૂધ-દૂધપાક, કુલેર (બાજરાના લોટની), સુખડી વગેરેનું નૈવેદ્ય અર્પણ કરાય છે. 'ઓમ કુકૂલં હું ફટ સ્વાહા' એ મંત્રનો જાપ કરાય છે. આવો મંત્ર બોલવાથી સાપનું ઝેર ચઢતું નથી. સામાન્ય રીતે આખા દેશમાં નાગપંચમીની ઉજવણી આ રીતે થાય છે.


દેશના દક્ષિણના કેટલાક પ્રદેશોમાં નાગપંચમી નાગરપંચમી રૂપે ઉજવાય છે. ઉત્તર ભારત, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરેમાં નાગપંચમી તરીકે નાગદેવતાનો ઉત્સવ માનાવાય છે. આંધ્રપ્રદેશમાં કુમારિકાઓ સામૂહિક રૂપે નાગપૂજા કરે છે અને ભાઈની રક્ષા કરવા પ્રાર્થના કરે છે. કાશ્મીર, આસામ અને દક્ષિણના કેટલાક પ્રદેશોમાં નાગની માટીની મૂર્તિ બનાવી પૂજા થાય છે.


ભારત સિવાય અન્ય દેશોમાં નાગપંચમીની ઉજવણી કરાય છે?


વિશ્વના ઘણા દેશોના ઘણા દેશોમાં નાગપૂજા ઘણા પ્રાચીન સમયથી ચાલી આવે છે. જૈન અને બૌદ્ધ ધર્મોમાં પણ નાગદેવતા મનાય છે. નાગની સાત ફેણાઓની છાયામાં બેઠલા ગૌતમ બુદ્ધની મૂર્તિઓ મળે છે. બૌદ્ધધર્મનો જ્યાં પ્રચાર થયો છે, તે બધા દેશો જેવા કે નેપાળ, ભૂતાન, ચીન, જાપાન, થાયલેન્ડ, મલેશિયા વગેરે દેશોમાં નાગપંચમીના તહેવારોની ઉજવણી થાય છે. જાપાનના બૌદ્ધમઠામાં નાગોનાં શિલ્પો જોવા મળે છે. પોલેન્ડ, નોર્વે, મેક્સિકો, રોમ, આફ્રિકા, બેલીલોનિયા, મિશ્ર, ગ્રીસ વગેરે દેશોમાં નાગપૂજાનું માહાત્મ્ય છે. ફીઝી ટાપુમાં નાગમંદિરો છે, ભીંત ઉપર નાગ-નાગણોનાં ચિત્રો દોર્યા છે.


પુરાણોમાં નાગપંચમીનો ઉલ્લેખ ક્યાં ક્યાં જોવા મળે છે? તેની સાથે કેવા પ્રસંગો જોડાયેલા છે?


મહાભારત, સ્કંદપુરાણ, પદ્મપુરાણ, ભવિષ્યપુરાણ, વરાહપુરાણ વગેરેમાં નાગપંચમીનો ઉલ્લેખ છે. નાગ-સર્પોની ઉત્પતિ સંબંધી અનેક પૌરાણિક કથાઓ છે. મહાભારત, ભવિષ્યપુરાણ વગેરેમાં નાગોના વંશોની માહિતી મળે છે. તે પ્રમાણે દક્ષકન્યા કદ્રુને કશ્યપ ઋષિથી એક હજાર સર્પ ઉત્પન્ન થયા. કશ્યપના નાગપુત્રોમાં અનંત, વાસુકિ, કર્કોટક, પદ્મ, મહાપદ્મ, શંખ અને કલિક એટલા ખૂબ જાણીતા છે. આ પુત્રોમાં નાગજાતિ અસ્તિત્વમાં આવી. સ્કંદપુરાણના પ્રભાસખંડમાં નાગપંચમીનું વ્રત મળે છે.

પદ્મપુરાણ પ્રમાણએ બ્રહ્માજીના શાપથી જનમેજયના સર્પયજ્ઞમાં બધા નાગોનો સંહાર થવાનો હતો, પરંતુ બ્રહ્માજીએ તેમને બચાવ્યા. મહાભારતની કથા પ્રમાણે કર્કોટક નાગ દાવાગ્નિમાં ફસાયો, પણ નળ રાજાએ તેને બચાવ્યો. વિષ્ણુપુરાણમાં વિષ્ણુને શેષનાગની શયા પર શયન કરતા બતાવ્યા છે. મહાભારત પ્રમાણે અર્જૂન નાગ કન્યા ઉલૂપીને પરણ્યો હતો. સમુદ્ર મંથન પ્રસંગે દેવ-દાનવોએ વાસુકિ નાગને નેતરુ બનાવ્યો હતો.


અન્ય કોઈ પ્રાણીથી અલગ માત્ર નાગની પૂજા માટે અલાયદો તહેવાર હોવાનું કારણ શું?


વૈદિક ઋષિઓએ નાગમાં દેવતાનું સ્વરૂપ નિહાળ્યું. વિષ્ણુ અને શિવ જેવા મહાન દેવોનો પણ નાગ સાથે કાયમી સંબંધ છે. વિષ્ણુએ સાગરમાં શેષનાગની શયા બનાવી. શેષનાગ તો નારાયણનો અંશાવતાર છે. દ્વારકા પાસેનું નાગેશ્વર શિવનું જ્યોતિર્લિંગ છે.

હરિદ્વાર પર્વત પર વિરાજમાન મનસાદેવી નાગકુળનાં ગણાય છે. શેષનાગની સહસ્રફણા ઉપર આખી પથ્વી રહેલી છે, એવી પૌરાણિક માન્યતા છે. આવાં કારણોથી નાગનો અલગ તહેવાર અસ્તિત્વમાં આવ્યો.


ગુજરાતનાં જાણીતા નાગસ્થાનકો કે નાગ મંદિરો કયાં કયાં છે?


ઉત્તર ગુજરાતના દાસજ ગામના ગોગનારાયણ, બનાસકાંઠાના ઠીમામાં ધરણીધર શેષનાગ, ધંધુકા તાલુકાના ઘોઘાદેવ, થાનગઢના વાસુકિનાગ, કચ્છના ભુજંગદેવ, ધ્રોળના તંબોળીનાગ, રાધનપુર-ભૂજમાં ભૂજીયા-ભોરીંગ નાગદેવ, વઢિયારમાં ગોગા મહારાજ, સૌરાષ્ટ્રના ઝાંઝરડામાં ખેતલિયા દાદા, પાટણ પાસે ધારણોજ ગામે નાગરાજ તક્ષક, કચ્છના રણ પાસે લોલાડા ગામમાં નાગણેશ્વરી વેગેરે. ગોગાપીર કે ક્ષેત્રપાલ રૂપે પણ નાગદેવતા અનેક સ્થળે પૂજાય છે.


(માહિતી: પ્રો. ડો. મણિભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રપતિ સન્માનિત સંસ્કૃત વિદ્વાન).

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

તિથિ-તહેવાર

Dec 2018

ધર્મ દર્શન

TOP