Back

ધાર્મિક વિધિઓ

હોમ » ધર્મ દર્શન » તિથિ-તહેવાર » મકર સંક્રાંતિ

મકર સંક્રાંતિ

મકર સંક્રાંતિ

ધર્મ ડેસ્ક: સમગ્ર ભારત વર્ષમાં મકર સંક્રાંતિ પર્વ અનેક વિધ રીતે ઉજવાય છે. ગુજરાતમાં મકર સંક્રાંતિને ઉતરાયણ કહેવાય છે. મહારાષ્ટ્રમાં મકરસંક્રાંતિ, પંજાબ-હરિયાણામાં લોરી, તામિલનાડુમાં પોંગલ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં સંક્રાંતિ તરીકે ઓળખાય છે.


સંક્રાંતિ એટલે ગતિ, એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં પ્રવેશ કરવો તે. આ દિવસે સૂર્ય ધનરાશિમાંથી વિદાય લઈ મકરાશિમાં પ્રવેશ કરે છે. એટલે મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ સહેજ ગતિ કરે છે. ઉત્તર તરફ નમે છે. એટલે ઉત્તરાયણ પણ કહેવાય છે. ઉત્તર + અયન, ઉત્તર તરફ ગતિ. મકર સંક્રાંતિથી એટલે કે 14 જાન્યુઆરીથી 6 માસ સુધીનો સમય એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણ એટલે દેવતાઓનો દિવસ. ઉત્તરાયણના 6 માસ દરમિયાન મૃત્યુ થાય તો જીવ વૈકુઠમાં સ્થાન પામે છે. ઉત્તરાયણના 6 માસ પૂરા થાય એટલે દક્ષિણાયનના 6 માસ શરૂ થાય છે. છ માસ સુધી દક્ષિણાયન એટલે દેવતાઓની રાત્રિ કહેવાય છે. દક્ષિણાયનમાં મૃત્યુ પામનાર જીવ ચંદ્રનો પ્રકાશ મેળવી ફરીથી સંસારમાં જન્મ લે છે.


વિવિધ પ્રકારની સંક્રાંતિ: સંક્રાંતિ એટલે પહોંચવું, સ્થાન બદલવું, દાખલ થવું, એવો થાય. વર્ષમાં કુલ 12 સંક્રાંતિ થાય છે.


ખાસ કરીને સંક્રાંતિના ચાર વિભાગ છે.


1. અયનસંક્રાંતિ- મકરસંક્રાંતિ અને કર્ક સંક્રાંતિ (દક્ષિણાયન) (ઉત્તરાયણ)
ર. વિષુવસંક્રાંતિ- મેષસંક્રાંતિ અને તૂલા સંક્રાંતિ (રાત-દિવસ સરખા હોય છે.)
3. ષડશીત સંક્રાંતિ- જેમાં મિથુન કન્યા ધન અનેમીન સંક્રાંતિ
4. વિષ્ણુપદી સંક્રાંતિ- જેમાં વૃષભ, સિહ, વૃશ્ચિક અને કુંભ સંક્રાંતિ.


વિશેષમાં વાર અને નક્ષત્ર સાથે સંકળાયેલી સંક્રાંતિમાં મન્દા, મંદાકીની, ધ્વંશી, હોરા, મહોદરી, રાક્ષસી તથા વિશ્રીતા આ તમામે તમામ પ્રકારની સંક્રાંતી અતિપૂણ્યદાયક ગણાય છે. સંક્રાંતિ કાળમાં કરેલા દાન-પૂણ્ય-વ્રત અક્ષયપુણ્ય આપનારા બને છે.


તેથી જ મકર સંક્રાંતિએ તલ, ગોળ શેરડી , અનાજ , સૂવર્ણ, ચાંદી, ધાતુપાત્ર, કંબલ, વગેરે દાનમાં આપવાની પ્રણાલી છે.


જ્યોતિષશાસ્ત્રના નિમય પ્રમાણે મંકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના દિવસે થતી હોવાથી આ તહેવાર 14 જાન્યુઆરીએ ભારતભરમાં ઉજવાય છે.


ઉત્તરાયણે વિષ્ણુસસ્ત્ર નામની અનમોલ ભેટ


બાણ શૈયા ઉપર ઈચ્છા મૃત્યુને પામનાર ભીષ્મને યુધિષ્ઠીર પ્રશ્નો પુછે છે કે માનવ કલ્યાણ માટે શું ? અંતિમ તત્વ કોણ? તેના જવાબમાં ભીષ્મપિતામહ અંતિમ લક્ષ ભગવાન શ્રીહરિ(વિષ્ણુ)ને બતાવે છે અને તેના એક જાર નામનો ઉલ્લેખ કરીને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર માનવ કલ્યાણ હેતુ બતાવે છે અને ઉતરાયણે સાંજના ઈચ્છા મૃત્યુ ધારણ કરી મોક્ષને પામી જાય છે.


મકરસંક્રાંતિ પર્વ એટલે પતંગ પર્વ


આ ઉત્સવમાં લોકો રંગબેરંગી પતંગ ચડાવે છે. પતંગોત્સવ એવો શુભ સંદેશ આપે છે કે ભગવાન સુધી પહોંચવા જ્ઞાન અને ભક્તિરૂપી ઊંચાઈ પ્રાપ્ત કરો તો જરૂર ચડતા પતંગની માફક પ્રભુ પાસે પહોંચી શકાય છે.


ઉત્તરાયણે સૂર્ય ઉપાસના


ઉત્તરાયણે સવારમાં વ્હેલાં ઠંડા પાણીમાં તલ ઉમેરીને તલસ્નાન કરવાનું મહાત્મ્ય છે. ત્યારબાદ તામ્રપાત્રમાં જળભરી તેમાં ચંદન-પુષ્પ-અક્ષત ઉમેરીને સૂર્ય નારાયણને અર્ધ્ય આપવાથી સૂર્યનારાયણ ભગવાન ઉપાસકના જીવનમાં તેજ અને નીરોગીતા પ્રદાન કરે છે.


વિશેષમાં શ્રીવિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અતિ ઉત્તમ ફળ પ્રદાન કરે છે. સૂર્ય ઉપાસનાથી, આદિત્ય હ્રદય સ્તોત્રના પાઠ કરવાથી તમામ ગ્રહ પીડામાંથી મુક્તિ મળે છે.


આ દિવસે પિતૃ ઉપાસના પણ ઉત્તમ ફળદાયી છે. આ દિવસે સૂર્યોદય પહેલા તામ્રપાત્રમાં સાકર મીશ્રીત જળ ભરીને પીપળે જળ ચડાવવાથી પિતૃદેવ ખૂબ પ્રસન્ન થાય છે. સંક્રાંતિ કાળણાં આ પ્રયોગ કરાય છે.


આ દિવસે વામન ભગવાન બલરામ પાસે વરદાન માગવા આવે છે. બલરામ ત્રણ ગડલા પૃથ્વી આપે છે. તરત જ તેને જ્ઞાનનો ઉદય થયો. બલરામ કહે છે કે દર મકર સંક્રાંતિએ હું પૃથ્વી ઉપર આવીશ. લોકોને ભેટ સોગાદ આપીશ. દાન ધર્માદા કરીશ. આ રીતે વામન ભગવાને તેમની ઈચ્છા મુજબનું વરદાન આપ્યું. તે યાદમાં આંધ્રપ્રદેશ અને દક્ષિણ પ્રાંતમાં આ દિવસે આંગણામાં રથ ઉપર સવાર બલરામનું ચીત્ર અંકિત કરવાની પ્રથા છે.


મકર સંક્રાંતિ એટલે ખરા અર્થમાં જીવાત્માની લીલા વિભૂતિમાંથી નિત્ય વિભૂતિ (વૈકુઠ)માં ગતિ જ છે. ખરા અર્થમાં આત્માની સંક્રાંતિ થવી જોઈએ તેવું નિરૂપણ કરે છે.

(માહિતી: જ્યોતીન્દ્ર અજવાળીયા)

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ધર્મ દર્શન

TOP