મહાશિવરાત્રિનું મહત્વ, વ્રત વિધિ અને પૂજા વિધિ જાણો

મહાશિવરાત્રિ એટલે....

 

1. સદાશિવ પોતાની રાજધાની વારાણસીમાં જ્યોતિર્લીંગ સ્વરૂપે પ્રગટ થયા તે દિવસ.


2. માર્કંડેયમુનિએ શિવજીને પ્રસન્ન કરવા આકરી તપશ્ચર્યા કરી અને શિવજી કાલાગ્ની સ્વરૂપે પ્રગટ થયા તે દિવસ.


3. શ્રૃતિમાં જણાવ્યા મુજબ મુખ્ય દશ શૈવવ્રત માનું એક વ્રત એટલે શિવરાત્રિ


4. પાંચ જ્ઞાનેન્દ્રીય, પાંચ કર્મેન્દ્રીય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, માનવીના આ 14  સ્થાન ઉપર હમેશા અજ્ઞાનતાનું સામ્રાજ્ય છવાયેલું હોય છે. આ અજ્ઞાનતા દૂર કરી જ્ઞાનનું સામ્રાજ્ય પ્રસરાવવાનું શુભ વ્રત એટલે શિવરાત્રિ.


સમુદ્ર મંથન દરમિયાન ઝેર નીકળ્યું તે સદાશિવે પોતાના કંઠમાં ધારણ કર્યું. શિવજી મૂર્છિત થઈ ગયા. શિવજીને યથાસ્થિતિમાં લાવવા માટે માતા પાર્વતી અને તમામ દેવી-દેવતાએ રાત્રી જાગરણ કરી અનેક પ્રકારના દિવ્ય સ્તોત્રો ગાયા, શિવજી યથાસ્થિતિમાં આવ્યા. આ પવિત્ર રાત્રિ એટલે શિવરાત્રિ. 


શિવજી યથાસ્થિતિમાં આવ્યાને બોલ્યા,'' જે ઉપાસક, ભક્ત આ પવિત્ર રાત્રિએ ભક્તિથી ઉપવાસ કરશે, મહાપૂજા કરશે અને રાત્રિ જાગરણ કરશે તે મોક્ષના અધિકારી બનશે."


મહાશિવરાત્રિની મુખ્ય ત્રણ બાબત-


નાગરખંડમાં જણાવ્યા મુજબ શિવરાત્રિએ આખો દિવસ ઉપવાસ કરવો.
રાત્રીના ચારેય પ્રહરની શિવજીની મહાપૂજા કરવી.
રાત્રિ જાગરણ કરવું. જાગરણમાં શિવપૂજા, પંચાક્ષર મંત્રજાપ, મૃત્યુંજય મહામત્ર જાપ કરવો.


વર્ષમાં પાંચ પ્રકારનું શિવરાત્રિ આચરણ-


સાધકે વર્ષમાં પાંચવાર શિવરાત્રિ આચરણ કરવું જોઈએ.


1. નિત્ય શિવરાત્રિ- હર હંમેશ શિવની આરાધના, પૂજા અભિષેક કરવો તે.


2. પક્ષ શિવરાત્રિ- સુદ 14 અને વદ 14 માસમાં બન્ને દિવસ પૂજા-જાગરણ કરવું તે.


3. માસ શિવરાત્રિ- દર મહિનાની વદ 14એ મહાપૂજા, મંત્રજાપ, જાગરણ કરવું તે.


4. મહા શિવરાત્રિ- મહા મહિનામાં વદ 14એ રાત્રિના ચાર પ્રહરની પૂજા-આરાધના-ઉપવાસ-જાગરણ કરવું તે. 


5. યોગ શિવરાત્રિ- યોગીઓ યોગ નિંદ્રામાં સમાધિ અવસ્થામાં મહાશિવરાત્રિની રાત્રીએ માત્ર યોગ સાધનાથી તમામ પ્રકારની પૂજા કરે છે તે. 


પૌરાણિક કથા- ભીલ શિકારી શિકાર કરવા જતા સમયે અજાણતા ભૂખ્યો રહ્યો (ઉપવાસ થયો). અનાયાસે શિવલિંગ પૂજા થઈ. આખી રાતનું જાગરણ થયું. હરણાઓ શિકાર થવાથી બચી ગયાં. માનવતા કાર્ય થયું. અંતમાં ભિલ શિકારી, હરણાઓ તમામ પ્રભુના ચરણમાં સ્થાન પામ્યાં, મોક્ષના અધિકારી બન્યાં.


શિવરાત્રિ સર્વ અમંગલનો વિનાશ કરનારી, મુક્તિ પ્રદાન કરનારી અને સર્વ મંગલદાત્રી અને મોક્ષદાયીની છે. શિવપુરાણની કોટિ રુદ્રસંહિતામાં બતાવાયું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ એ બંને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ તથા પાર્વતીના પ્રશ્ન પર ભગવાન સદાશિવે બતાવ્યું કે શિવરાત્રિનું વ્રત કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. મોક્ષાર્થીને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ.

 

આ ચાર વ્રત આ પ્રમાણે છે (૧) ભગવાન શિવની પૂજા, (ર) રુદ્રમંત્રોનો જપ, (૩) શિવમંદિરમાં ઉપવાસ તથા (૪) કાશીમાં દેહત્યાગ. શિવપુરાણમાં મોક્ષના ચાર સનાતન માર્ગ બતાવાયા છે. આ ચારેયમાં પણ શિવરાત્રિ વ્રતનું મહત્ત્વ સવિશેષ છે તેથી તે અવશ્ય કરવું જોઈએ. આ વ્રત સૌને માટે ધર્મનું એક ઉત્તમ સાધન છે.

 

(માહિતી: જ્યોતીન્દ્ર અજવાળીયા)

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP