Back

ધાર્મિક વિધિઓ

લાભ પાંચમ

લાભ પાંચમ

લાભપાંચમની પૂજા કેવી રીતે કરવામાં આવે છે?


આ પવિત્ર દવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર 'શુભ', 'લાભ' જેવા શબ્દો લખીને 'સ્વસ્તિક' (સાથિયા)નું ચિહ્ન કરાય છે. નવા વર્ષના હિસાબના ચોપડામાં શ્રી૧। લખીને સવાઈ લક્ષ્મી મેળવવાનો જાણે સંકલ્પ કરાય છે. હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે લક્ષ્મી અને હિસાબના ચોપડાની પૂજા કરાય છે. જ્યારે જૈન ધર્મમાં મુખ્યત્વે જ્ઞાન (સરસ્વતી)ની પૂજા-ઉપાસના થાય છે.


લાભ પાંચમના દિવસથી જ વેપાર-ધંધા-પેઢની શુભ શરૂઆત શા માટે કરવામાં આવે છે?


લાભપાચમ કોઈપણ શુભ કાર્યનો આરંભ કરવા સર્વોત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે, તેથી દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલ વેપાર-ધંધાનો શુભારંભ લાભપંચમીથી થાય છે. કાળા ધનના તામસી માર્ગમાંથી ઉજળી સંપત્તિ અને જ્ઞાનના પ્રકાશમાં પ્રસ્થાન કરવાનું પુરુષાર્થ પર્વ એટલે લાભપંચમી કે જ્ઞાનપંચમી.


જૈનો માટે લાભપંચમી (જ્ઞાનપંચમી)નો શો મહિમા છે?


હિન્દુ (વેદિક પરંપરા) અને જૈન (શ્રવણપરંપરા) આ બન્ને પરંપરાઓમાં લાભ-પંચમીની અધિષ્ઠાત્રી દેવી શારદા (લક્ષ્મી અને સરસ્વતી) મનાય છે. વૈદિક ધર્મની 'લાભપાચમ' જૈનધર્મમાં મુખ્યત્વે 'જ્ઞાનપંચમી' બની રહી છે. જ્ઞાન પંચમીની દેવી સરસ્વતી છે.

જ્ઞાનની ઉપસના, જ્ઞાનના સંવર્ધન અને જ્ઞાનના દાન માટે જ્ઞાન પંચમીનો તહેવાર છે. આ દિવસે જૈનધર્મના ગણધરોએ સંકલિત કરેલ આગમ-ગ્રંથોનું વાંચન-શ્રવણ-લેખન થાય છે. આ દિવસે ગ્રંથપૂજા સાથે સાથે હસ્તપ્રત-ગંથોની નકલો કરવી-કરાવવી એ ધર્મકાર્ય મનાયું છે. આ કારણે અનેક જૈન જ્ઞાન ભંડારો અસ્તિત્વમાં આવ્યા છે.


આ તિથિને 'લાભપંચમી' શા માટે કહેવામાં આવે છે?


આ તિથિ સાથે લક્ષ્મીની પ્રાપ્તિનોલાભ જોડાયેલો છે, તેથી તેને 'શ્રીપંચમી' કે 'લાભપંચમી' કહે છે. લાભપાંચમે શ્રીસુક્તનો પાઠ કરવાનો મહિમા છે. આ વૈદિક સૂક્તમાં લક્ષ્મીને મનોકામના પૂર્ણ કરનારી કહી છે.

આચાર્ય યાસ્ક લક્ષ્મી શબ્દ સમજાવે છે: લક્ષ્મી- લાભાત વા લક્ષણાત વા. લાભ કરાવતી હોવાથી અથવા તો તેને લક્ષ્ય કરીને કોઈપણ કર્મ કરાતું હોય, તે લક્ષ્મી કહેવાય છે. આના આધારે આ તિથિનું નામ લાભપંચમી પડ્યું. વળી ગણપતિની બે પત્નીઓ રિદ્ધિ -સિદ્ધિના બે પુત્રો તે લાભ અને શુભ. આ બન્ને પંચમીનાં કલ્યાણકારી પ્રતીકો છે.

(માહિતી: પ્રો. ડો. મણિભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રપતિ સન્માનિત સંસ્કૃત વિદ્વાન)

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ધર્મ દર્શન

TOP