Back

ધાર્મિક વિધિઓ

જન્માષ્ટમી

જન્માષ્ટમી

* જન્માષ્ટમીની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ?

- દુર્જન-સંહાર, સજ્જન-રક્ષણ, અધર્મ-નાશ અને ધર્મની સ્થાપના માટે શ્રીકૃષ્ણ પ્રત્યેક યુગમાં (કલ્પમાં) અવતાર લે છે. પુષ્ટિમાર્ગની માન્યતા પ્રમાણે સારસ્વત-કલ્પમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. સર્વસામાન્ય મત પ્રમાણે ઈ.સ. પૂર્વે 5000ના સમયગાળામાં શ્રાવણ વદ અષ્ટમીએ શ્રી કૃષ્ણે જન્મ ધારણ કર્યો હતો, તેથી કહી શકાય કે, સંભવત: સાત હજાર વર્ષ પહેલાં, શ્રાવણ-વદ આઠમથી 'જન્માષ્ટમી'ની ઉજવણીની શરૂઆત થઈ હતી.

* જન્માષ્ટમીની ઉજવણીના ભાગ રૂપે ઉપવાસ કરવાનું માહત્મ્ય શું છે?

- શ્રાવણ વદ અષ્ટમીની રાત્રે બાર વાગે, દેવકીના આઠમા પુત્ર રૂપે મામા કંસના કારાગારમાં શ્રીકૃષ્ણનો જન્મ થવાનો હતો. શ્રીકૃષ્ણનો જન્મ નિર્વિધ્ને થાય, એવી પ્રાર્થના અને પ્રતિક્ષા સાથે, એ જન્મને વધાવવા માટે આનંદોલ્લાસપૂર્વક દિવસભર ઉપવાસ કરવામાં આવે છે અને મધ્યરાત્રિએ જન્મ-પ્રાગટ્ય થયા પછી અથવા બીજા દિવસે નવમીએ પારણાં કરીને ઉપવાસ છોડવામાં આવે છે. વલ્લભાચાર્યે પણ શ્રીવિષ્ણુના કૃષ્ણ, વામન, નૃસિંહ અને રામ એ ચાર જન્મ પ્રસંગે ઉપવાસ કરવાનું કહ્યું છે.

* જન્માષ્ટમીના બીજા દિવસે 'પતરાળી' (પત્રાળી) જમવાનો શું મહિમા છે?

- મથુરામાં જન્મ પછી, બાળકૃષ્ણને કંસથી બચાવવા પિતા વાસુદેવ દ્વારા ગુપ્ત રીતે ગોકુળમામ નંદરાયને ત્યાં લઈ જવાય છે. તેના હરખમાં બીજા દિવસે નવમીએ નંદરાયે સૌને આગલા દિવસના જન્માષ્ટમીના ઉપવાસના પારણા રૂપે પતરાળામાં ભોજન આપ્યું અને ગવાયું: 'ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી.'

આ ઉપરાંત કૃષ્ણનો જમવાની 'પતરાળી' સાથે બીજી રીતે પણ સંબંધ છે. 'ઈન્દ્રપ્રસ્થમાં' યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ પ્રસંગે શ્રીકૃષ્ણે જાતે પત્રાળી ઊંચકી હતી. ભક્ત નરસિંહ મહેતાએ નાગરોની નાત જમાડી ત્યારે પણ શ્રીકૃષ્ણે છૂપાવેશે પતરાળીઓ ઊંચકેલી. આમાંથી જન્માષ્ટમીના બીજા દિવસે 'પતરાળી' જમવાનો મહિમા સ્થપાયો હતો.

જન્માષ્ટમીના દિવસે ઉપવાસ હોવા છતાં ‘પંચાજીરી’નો પ્રસાદ શા માટે અપાય છે?

- ‘પંચાજીરી’ (કે ‘પંજરી’) એટલે (1) સૂંઠ, (2) અજમો, (3) વરિયાળી, (4) ધાણા અને (5) જીરું એ પાંચ પદાર્થોના ભૂકામાં ખાંડ ભેળવીને કરાતું મિશ્રણ. આ પાંચેય પદાર્થો ‘ફરાળી’ ગણાય છે અને સાથે-સાથે તે પાચક અને આરોગ્યવર્ધક ગણાય છે. તેથી ઉપવાસ હોવા છતાં એનો પ્રસાદ તરીકે ઉપભોગ થાય છે. વળી ભગવાનને તો ઉપવાસ હોય નહીં, તેથી બાળગોપાળ આવો પ્રસાદ આરોગે એવી ભાવના વૈષ્ણવોમાં પ્રવર્તે છે.

જન્માષ્ટમીના દિવસે ‘દહીં-હાંડી’ ફોડવાનું માહાત્મ્ય શું છે?

- બાળકૃષ્ણ તો ભારે નટખટ, તે તો બાળકો-ગોવાળિયાંઓ માટે મસ્તીખોર માખણચોર ગોઠિયા છે. બાળકૃષ્ણને ઊંચે છીંકામાં મૂકેલ મટકીમાં રાખેલ દહીં-માખણ, મટકી ફોડીને કે ઊંચે ચઢીને પણ ચોરીછૂપીથી ખાવાની મજા પડતી. તે કોઈની આવી મટકી ફોડી નાખે તો પણ સૌ એના પર હેત વરસાવે. દહીં-માખણ તે એકલા ન ખાતા પણ સૌ ગોપ બાળકોને, વાંદરાઓને વહેંચી દેતા. દૂધ-દહીં-માખણનો સંગ્રહ ન કરાય. તેનું તો સૌને વિતરણ કરાય . ખાવુંને ખવડાવવું માખણચોરીની લીલા પાછળનું બાળકૃષ્ણનું આવું તત્વજ્ઞાન છે. આવી મીઠાસ હોય ત્યાં નંદ-યશોદાનું ગોકુળિયું સર્જાય. બાળકૃષ્ણની આવી લીલાને અનુસરી આજે પણ જન્માષ્ટમીના દિવસે ઊંચે બાંધેલ દહીં-હાંડી ફોડાય છે.

જન્માષ્ટમીએ જુગટું રમવાનો રિવાજ ક્યારથી અને કઈ રીતે શરૂ થયો? બાળકૃષ્ણ અંગે જુગટું રમવાનો કોઈ સંબંધ છે ખરો?

- કૌરવ-પાંડવો જુગાર રમતા. શ્રીકૃષ્ણની અનુમતિથી દુર્યોધને પાંડવોને જુગટું રમવા બોલાવેલા. જુગટું રમવામાં કૌરવો કપટ કરશે, એવો શ્રીકૃષ્ણને ખ્યાલ નહોતો. કૌરવ-પાંડવો બે વાર જુગટું રમેલા. પહેલા જુગટામાં પાંડવો રાજપાટ હારી ગયા, વનવાસી થવું પડ્યું. વનવાસ પૂર્ણ થયા પછી પાંડવોને ઈન્દ્રપ્રસ્થનું રાજ્ય મળ્યું. દુર્યોધને ફરી જુગટાનો દાવ ખેલ્યો, એમાં પાંડવો દ્રૌપદી સહિત બધુ જ હારી ગયા. દુર્યોધન-દુઃશાસન દ્વારા દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતાં શ્રીકૃષ્ણે ચીર પૂર્યા. આમ શ્રીકૃષ્ણ જુગારના સાક્ષી બની રહ્યા. મહાભારતકાળથી જુગટું રમવાનો રિવાજ પ્રચલિત થયો. આવા કારણોથી જન્માષ્ટમીએ પણ જુગટું રમાય છે.

શ્રીકૃષ્ણની ‘રાસલીલા’નું શું રહસ્ય છે?

- શ્રીકૃષ્ણની ગોપીઓ સાથેની રાસલીલા એટલે પરમાત્મા (કૃષ્ણ) અને જીવાત્મા (ગોપી) વચ્ચેના નિર્મળ પ્રેમસંબંધનું પ્રતીક.


(માહિતી :પ્રો. ડો. મણિભાઈ પ્રજાપતિ - રાષ્ટ્રપતિ સન્માનિત સંસ્કૃત વિદ્વાન, મહેસાણા)

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

તિથિ-તહેવાર

Dec 2018

ધર્મ દર્શન

TOP