કયા કારણથી ઊજવાય છે ભાઇબીજ, જાણો પૌરાણિક કથા

- ભાઇબીજની ઉજવણી પાછળનું કારણ શું છે?


જ્યાં નારીની પૂજા થાય, ત્યાં દેવતાઓ પણ વાસ કરે છે, એવું ભગવાન મનુ કહે છે. ભાઇબીજના દિવસે બહેન ભાઇને જમવા બોલાવીને પોતાનો ભ્રાતૃપ્રેમ વ્યક્ત કરે છે. ભાઇ બહેનને દક્ષિણા આપે કે વસ્ત્ર પ્રદાન કરે છે. ભાઇ-બહેન વચ્ચે, કોઇપણ નર-નારી વચ્ચે નિર્મળ પ્રેમની મધુરતા જળવાઇ રહે તેવા ઉદ્દેશથી આ તહેવાર ઉજવાય છે. 


- ભાઇબીજની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ?


ઋગ્વેદના દશમા મંડળમાં યમ-યમીનો સંવાદ છે. યમ-યમી જોડકાં ભાઇ-બહેન છે. આમ છતાં, બહેન યમી પોતાના ભાઇ યમ સાથે પરણવા માંગે છે, પરંતુ ભાઇ યમે વિરોધ કરીને આવા અનૈતિક સંબંધને સ્વિકાર્યો નહીં. છેવટે યમીએ ભાઇની વાત સ્વીકારી. ભાઇ યમને બહેન યમીએ આમંત્રણ આપીને ભોજન કરાવ્યું. બંન્ને ભાઇ-બહેનના પ્રેમની ભાવના દ્રઢ થઈ. એ દિવસ હતો કાર્તક સુદ બીજ. ત્યારથી સમાજમાં ભાઇબીજની ઉજવણીની શરૂઆત થઈ. 


- ભાઇબીજના દિવસે ભાઇ બહેનના ઘરે જમવા શા માટે જાય છે?


ભાઇબીજ તો ભાઇ-બહેન વચ્ચેના પ્રેમને વ્યક્ત કરવાનું પવિત્ર પર્વ છે. પુરાણ કથાઓ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણ અને પત્ની છાયાની પુત્રી યમુનાએ તેના ભાઇ યમરાજને પોતાના ઘરે જમવા બોલાવી ભાઇનો સત્કાર કર્યો. આ કારણે ભાઇબીજ 'યમદ્વિતીયા' તરીકે પણ ઓળખાય છે. જીવનભર બહેનનું રક્ષણ કરવાની ભાઇની પવિત્ર ફરજ છે. આવી ભાવના દ્રઢ કરવા ભાઇબીજે ભાઇ બહેનના ઘરે જમવા જાય છે.


- ભાઇબીજના દિવસે યમુના નદીમાં સ્નાનનું મહત્વ શા માટે છે?


ભાઇબીજ યમરાજા અને તેમની બહેન યમુનાનો તહેવાર છે. યમુનાને ભાઇ યમના આશિર્વાદ હતા કે, તારા કોઇ કાંઠે ભાઇબીજના દિવસે જે ભાઇ-બહેન સાથે સ્નાન કરશે, તેમને હું કષ્ટ નહીં આપું. આ કારણે ભાઇ-બીજના દિવસે યમુના સ્નાન કરવામાં આવે છે. 


(માહિતી: પ્રો. ડો. મણિભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રપતિ સન્માનિત સંસ્કૃત વિદ્વાન).

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP