Back

ધાર્મિક વિધિઓ

અધિકમાસ

અધિકમાસ

અધિકમાસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ?

* પૌરાણિક માન્યતાઃ

દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મુખથી પાંડવોને પુરૂષોત્તમમાસની કથા સંભળાવી હતી. એ સમયે મુશ્કેલીમાં રહેલા પાંડવોએ આ વ્રત કર્યું, જેના પ્રભાવે કૌરવોના ત્રાસમાંથી મુક્ત થયા અને પોતે ગુમાવેલા રાજપાઠ, સુખ વૈભવ પાછા મેળવ્યા. આથી અધિક માસની ઉજવણીને દ્વાપર યુગ સાથે જોડી શકાય.

* અધિકમાસ શું છે? વૈજ્ઞાનિક સમજૂતિ

અધિક માસ એ ખરેખર તો પૂરાતન સમયથી ભારતમાં કેળવાયેલા ખગોળશાસ્ત્રીય જ્ઞાન અને ગણિતની સમજનું આબાદ ઉદાહરણ છે. પ્રાચીન ભારતીય દૃષ્ટાઓએ સમયનું વિભાજન યુગ, યુગાબ્દ, સંવત્સર, દશાબ્દ, વર્ષ, માસ, પક્ષ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ એ રીતે કર્યું છે. આધુનિક વિજ્ઞાન મુજબ જોઈએ તો વિપળ એટલે સેકન્ડનો દશમો ભાગ ગણાય.

આટલું ઝીણવટભર્યું સમય વિભાજન ચંદ્રકળાના આધારે કરવામાં આવ્યું હતું. જેમાં ચંદ્રની કળા સવા પંદર દિવસની ધારી લેવામાં આવી. જોકે આર્યભટ્ટે ચંદ્રની કળાનો સમય પંદર દિવસથી થોડોક વધુ હોવાનું સૂત્ર પ્રતિપાદિત કર્યું. એ પછી વધેલા સમયનો ઉમેરો કરવાથી દર ત્રણ મહિને એક માસ ઉમેરાય છે. આમ કરવાથી પંચાગની એકસૂત્રતા પણ જળવાય છે. આમ, આર્યભટ્ટના અધિક માસ પ્રમેયસૂત્રે પણ પૌરાણિક ભારતીય પરંપરાને સાચી સાબિત કરી છે.

* માન્યતા

આ માસ વધારાનો હોવાથી તેને મળમાસ તરીકે ઓળખવામાં આવ્યો. શરીર જેમ વધારાના દ્રવ્યોનો મળ તરીકે ત્યાગ કરે છે એ રીતે સમયે પણ આ અધિક હિસ્સાનો ત્યાગ કર્યો હોવાથી તેને મળમાસ નામ મળ્યું. આ નામ નકારાત્મકતા સૂચવતું હોવાથી આ સમય દરમિયાન ધાર્મિક કે શુભ કાર્યો વર્જ્ય મનાયા.

* અધિકમાસ પવિત્ર કે અપવિત્ર?

પૌરાણિક માન્યતા મુજબ, અધિક માસને શુભ કાર્યો માટે ત્યાજ્ય ગણાયો હોવાથી આ માસ વિષ્ણુના શરણે ગયો. વિષ્ણુએ તેને પોતાનું નામ આપ્યું. આથી આ મહિનો પુરુષોત્તમ માસ તરીકે ઓળખાયો.

* ધર્મગ્રંથોમાં અધિકમાસનો ઉલ્લેખ

હરિવંશ ઉપરાંત ભવિષ્ય પુરાણમાં અધિકમાસનું મહાત્મ્ય વર્ણન થયું છે. અનેક ગ્રંથો પૈકી ખાસ શ્રીમદ ભગવદ્ ગીતાજીનાં પંદરમાં અધ્યાયમાં પણ શ્રી પુરૂષોત્તમ ભગવાનનો પરિચય મળે છે.

યસ્માત્ક્ષર મતીતોહમક્ષરાદપિ ચૌતમઃ ।
અતોસ્મિ લોકેવદૈચ પ્રથિતઃ પુરૂષોત્તમઃ ।।

લોકોમાં, વેદોમાં પ્રસિદ્ધ એવો પુરૂષોત્તમ હું છું તેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. જે ભાવિક, આ સમયમાં સ્નાન દાન, જપ, વ્રત કે નિયમ ધારણ કરે છે તેને શ્રી પુરૂષોત્તમ ભગવાન મનોવાંછીત ફળ આપે છે અને અંતે નિજધામમાં વાસ આપે છે.

* અધિકમાસમાં મગ શા માટે ખવાય છે?

આ પવિત્ર માસમાં અનેક પ્રકારના નિયમો લેવાય છે. કોઇ ભાવિક માત્ર ઉપવાસ કરે છે. કોઇ એકટાણું કરે છે. કોઇ ફરાળ કરે છે. તો કોઇ ધારણાં-પારણાં કરે છે. અને મોક્ષના ઇચ્છુક એવા શ્રદ્ધાળુઓ માત્ર એક ધાન્ય ખાઈને પુરૂષોત્તમ માસનું વ્રત કરે છે.

મગ પ્રોટિન ભરપૂર ધરાવે છે, પરંતુ તેમાં ફેટ બિલકુલ નથી. આથી આરોગ્ય માટે તે ખૂબ ગુણકારી મનાય છે. તેથી માત્ર મગ ખાઈને વ્રત કરવાથી અથવા તો કોઇપણ એક ધાન્ય ખાવાથી શ્રદ્ધાળુ મોક્ષના અધિકારી બનતાં હોવાની માન્યતા પ્રચલિત છે.

(માહિતી: જ્યોતીન્દ્ર અજવાળીયા, અશોક શર્મા)

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

તિથિ-તહેવાર

Dec 2018

ધર્મ દર્શન

TOP