Back

ધાર્મિક વિધિઓ

દિવાળી

દિવાળી

શા માટે દિવાળીને દિવડા વગેરેના પ્રકાશથી ઉજવવામાં આવે છે?


દિવાળી તો અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે. અધર્મ અને અહંકારના પ્રતીક સમા રાવણ ઉપર વિજય મેળવીને રામનું અયોધ્યામાં પુનરાગમન થતાં, પ્રજાએ તેમનું સ્વાગત દીવડા પ્રગટાવીને કર્યું. કાલિકાપુરાણ પ્રમાણે આ દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો.

દેવો અને મનુષ્યોએ દીવડા પ્રગટાવી મહાદેવીના વિજયને વધાવ્યો. પાંડવોએ ચૌદવર્ષનો વનવાસ પૂર્ણ થતાં હસ્તિનાપુર પધાર્યા અને પ્રજાએ દિવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું. આ બધા વિજયોનો દિવસ લોકોએ દીવડા પ્રગટાવી દિવાળી રૂપે ઉજવ્યો.


દિવાળીના તહેવારોમાં રંગોળી કરવાનું મહત્વ શું છે?


'રંગોળી' તો સ્વચ્છતા, શોભા અને સ્વાગતનું પ્રતીક છે. દિવાળી આખરે તો લક્ષ્મીની પૂજાનો તહેવાર છે. 'લક્ષ્મી' શબ્દનો અર્થ જ શોભા-સુંદરતા થાય. લક્ષ્મીજીની પધરામણી થાય તે માટે આંગણું સ્વચ્છ-સુંદર રાખવું પડે. વળી દિવાળીના દિવસોએ સૌનું સ્વાગત કરાય છે. બેસતા વર્ષના દિવસે તો સૌ મળવા આવે, ત્યારે રંગોળી પૂરીને સૌનું સ્વાગત કરાય છે.


અમુક વર્ષોમાં દિવાળી પછીના દિવસે 'ધોકો' શા માટે હોય છે?


દિવાળી પછીના દિવસે શુભ દિવસ ન હોય , ભાગતી તિથિ હોય કે શુભવાર ન આવતો હોય, તો તે દિવસે ધોકો ગણાય છે.


જૈન અને બૌદ્ધ ધર્મમાં દિવાળીની ઉજવણીનું શું મહત્વ છે?


જૈન આગમ ગ્રંથો પ્રમાણે તીર્થકર મહાવીર સ્વામીના નિર્વાણ પ્રસંગે જૈનોએ દીપોત્સવ મનાવ્યો. ત્યારથી જૈનધર્મમાં હિન્દુધર્મની જેમ દીપોત્સવીના તહેવારો ઉજવાય છે. વળી જૈનોમુખ્યત્વે વ્યાપાર વાણિજ્ય સાથે સંકળાયેલ હોઈ, ધનતેરસ, દિવાળી વગેરે દિવસોએ ચોપડાપૂજન પણ કરે છે, દીવડાઓ પણ પ્રગટાવે છે. ગૌતમ બુદ્ધનો જન્મ દિવાળીના દિવસે થયેલો. આજથી અઢી હજાર વર્ષ પૂર્વે આ દિવસે બુદ્ધના અનુયાયીઓએ દીવડા પ્રગટાવી બુદ્ધના આગમનને વદાવેલું તેથી આજે પણ બૌદ્ધધર્મમાં દિવાળીનો તહેવાર ઉજવાય છે.


દિવાળી ઉજવણી સાથે અન્ય કોઈ ઓછી જાણીતી કથા જોડાયેલી છે ખરી?


મહારાજા પૃથુએ પૃથ્વીનું દોહન કરીને દેશને ધનધાન્યથી સમૃદ્ધ બનાવ્યો. સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધમાં વિજય મેળવ્યો. ભગવાન વિષ્ણુએ રાજા બલિને પાતાળમાં મોકલીને તેની કેદમાંથી લક્ષ્મીજી અને અન્ય દેવોને મુક્ત કર્યા વગેરે કથાઓ મળે છે.


દિવાળી પહેલાં ઘરની સાફસફાઈ પાછળ કોઈ ધાર્મિક કારણ છે ખરું?


બ્રહ્મપુરાણમાં જણાવ્યું છે કે દિવાળીના દિવસે મધ્યરાત્રિના સમયે દેવી લક્ષ્મીજી વિહાર કરવા નીકળે છે અને જેમનું આંગણું સ્વસ્છ, સુશોભિત અને દેદીપ્યમાન હોય તેમના ઘરમાં સ્થિર થઈ વાસ કરે છે, આનો અર્થ એ થયો કે સાફસૂફ ઘરમાં જ લક્ષ્મી વસે છે. વળી લક્ષ્મી તો શોભા અને સૌંદર્યની દેવી છે. જે ઘર શોભાયમાન અને સુંદર હોય તેમાં જ લક્ષ્મીનો પ્રેવેશ થાય છે. 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' - આ ન્યાયે જ્યાં સ્વસ્છતા હોય ત્યાં જ દિવ્યતા પ્રગટે છે.


ઓડિશા અને બંગાળમાં દિવાળીના દિવસે કાલિમાતાની પૂજા શા માટે થાય છે?


ઓડિશા અને બંગાળની માન્યતા પ્રમાણે દિવાળીના દિવસે માહાકાલિકા માતાએ રાક્ષસોનો સંહાર કરેલો. કાલિકા અથવા દુર્ગામાતાએ મહિષાસુરનો વધ પણ આ દિવસે કરેલો. આ પૌરાણિક અને તાંત્રિક આધારોથી દિવાળીના દિવસોમાં કાલિકા માતાની ઉપાસના થાય છે.


દિવાળી પર ગોવર્ધન પૂજા શા માટે કરાય છે?


આ દિવસે શ્રી કૃષ્ણે ગોકુળમાં ઈન્દ્રપૂજા બંધ કરાવીને ગોવર્ધન પર્વત અને ગાયોની પૂજા ચાલુ કરાવી. તેથી લોકોએ ગોવર્ધન પર્વત ઉપર લાખો દીવા પ્રગટાવી પૂજા કરી દીપોત્સવ મનાવ્યો.


(માહિતી: પ્રો. ડો. મણિભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રપતિ સન્માનિત સંસ્કૃત વિદ્વાન)

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

તિથિ-તહેવાર

Dec 2018

ધર્મ દર્શન

TOP