એક વૃદ્ધે રાજાને આપી શીખ:જ્યારે પણ આપણે કોઈની મદદથી કામ પૂરું કરીએ કે કોઈના સાધનોનો ઉપયોગ કરીએ તો તેને તેનો હક જરૂર આપો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રોજિંદા જીવનમાં અનેક એવા કામ હોય છે જે આપણે બીજાની મદદથી પૂરાં કરીએ છીએ. જ્યારે પણ બીજાની મદદ લઈએ કે બીજાના સાધનોનો ઉપપયોગ પોતાના કામ માટે કરીએ તો તેમાં એ લોકોને તેના હકનો લાભ કે વળતર જરૂર આપવું જોઈએ. હક અર્થાત્ અધિકાર. આપણા હક કયા છે અને બીજાના હકો કયા છે તે આપણે રાજા વિક્રમાદિત્યની એક કથાના આધારે સમજીએ.

રાજા વિક્રમાદિત્યના દરબારમાં એક દિવસ એક સંત આવ્યાં. રાજા સંતોનું ખૂબ જ સન્માન કરતાં હતાં એ વખતે તેમને પૂછ્યું કે આદરણીય જણાવશો કે હું તમારી શું સેવા કરી શકું?

સંત બોલ્યા કે હું ભૂખ્યો છું, મને ભોજન આપો, પરંતુ એક વાત વાતનું ધ્યાન રાખજો કે ભોજન તમારા હકનું હોવું જોઈએ.

ભોજન તો ઠીક છે, પરંતુ હકની વાત સાંભળીને વિક્રમાદિત્યને આશ્ચર્ય થયું. તેમને પૂછ્યું કે આ હકનું ભોજન કોને કહેવાય? મેં આ વાત પહેલીવાર સાંભળી છે.

સંતે જવાબ આપ્યો કે હું તમને તમારા રાજ્યના એક વૃદ્ધ વ્યક્તિનું ઘર બતાવું છું, તમે તેમની પાસે જઈને આ વાત પૂછો.

રાજા તરત જ સંતે બતાવેલા એ વૃદ્ધ વ્યક્તિની પાસે પહોંચી ગયાં. તે એક વણકર હતો. રાજાએ વણકરને પૂછ્યું કે કૃપા કરીને જણાવશો કે આ હકનું ભોજન કોને કહેવામાં આવે છે?

એ વૃદ્ધ વણકરે જવાબ આપ્યો કે આજે મારી આ થાળીમાં જે ભોજન છે, તેમાં અડધું મારા હકનું છે અને અડધું બીજાનાં હકનું છે.

રાજાએ વૃદ્ધને કહ્યું કે મહેરબાની કરીને આ વાત મને વિસ્તારથી સમજાવો.

વૃદ્ધ વ્યક્તિએ જણાવ્યું કે ગઈ રાત્રે હું જ્યારે સૂતર વણી રહ્યો હયો ત્યારે અંધારામાં મેં દીવો પ્રગટાવ્યો હતો અને કામ કરી રહ્યો હતો. એ જ સમયે મારાં ઘરની પાસેથી કેટલાક લોકો પસાર થઈ રહ્યાં હતાં, તેમના હાથમાં સગળગતી મશાલો હતી.

તેમની મશાલોને જોઈને મેં મારો દીવો બુઝાવી દીધો અને તેમની મશાલોની રોશનીમાં કામ કર્યું. એ કામથી જે ધન મેં કમાયું છે, તે ધનથી આ ભોજન આવ્યું છે.

હવે આ ભોજનમાં અડધો હક મારો છે, કારણ કે મેં કામ કર્યું છે અને અડધું ભોજન મશાલ લઈને જતાં લોકોનું છે. જેના અજવાળામાં મેં કામ કર્યું હતું.

વૃદ્ધ વ્યક્તિની વાત સાંભળીને રાજા વિક્રમાદિત્યએ સંતની વાત સમજાઈ ગઈ કે તે રાજાની મહેનતથી કમાયેલાં ધનથી ભોજન માગી રહ્યાં છે. ત્યારબાદ રાજાએ સંતને પોતાની મહેનતથી કમાયેલાં ધનથી ભોજન ખવડાવ્યું.

આ કથાની શીખ એ છે કે આપણે કોઈપણ સ્થિતિમાં બીજાનો હક ન મારવો ડોઈએ. જો આપણે બીજાની મદદ લઈએ કે બીજાના સાધનોનો ઉપયોગ કરીએ છીએ તો તેને તેનો શ્રેય અને લાભનો હિસ્સો જરૂર આપવો જોઈએ.