બલિના કારણે સર્વ દેવતા પરેશાન હતા. દુઃખી દેવતાઓ માતા અદિતિ પાસે પહોંચ્યા અને તેમની સમસ્યાઓ જણાવી. ત્યારબાદ માતા અદિતિએ તેમના પતિ કશ્યપ ઋષિની આજ્ઞા અનુસાર એક વ્રત લીધું, જેના ફળ સ્વરૂપે ભગવાન વિષ્ણુનો જન્મ વામન દેવના રૂપમાં થયો.
વામન દેવે નાની ઉંમરે જ રાક્ષસના રાજા બલિને હરાવ્યો હતો. બલી અહંકારી હતો, બલિને લાગતું હતું કે તે સૌથી મોટો દાનવીર છે. વિષ્ણુજી વામન દેવના સ્વરૂપમાં તેમની પાસે પહોંચ્યા અને દાનમાં 3 પગ મૂકી શકાય તેટલી જમીન માંગી
અહંકારી બલિએ વિચાર્યું કે આતો નાનું કામ છે, સમગ્ર ધરતી પર મારો અધિકાર છે, હું 3 પગ મૂકી શકાય તેટલી જમીન દાન કરી દઉં.
બલિ વામન દેવને 3 પગ મૂકી શકાય તેટલી જમીન દાનમાં આપવાનો સંકલ્પ કરી રહ્યા હતા, તે સમયે શુક્રાચાર્યએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો. વાસ્તવમાં શુક્રાચાર્યને જાણ થઇ ગયી હતી કે, વામનના સ્વરૂપમાં સ્વયં ભગવાન વિષ્ણુ છે.
શુક્રાચાર્યે બલિને સમજાવ્યું કે તે કોઈ નાનો બાળક નથી, સ્વયં વિષ્ણુ ભગવાન તેમને છેતરવા આવ્યા છે, તમે દાન ન આપો.
આ સાંભળીને બલિએ કહ્યું કે ભલે તે ભગવાન હોય અને મારા દ્વારે દાન માંગવા આવ્યા છે, તો પણ મારાથી ના નહિ પાડી શકાય.
આટલું કહીને બલિએ પાણીનું કમંડળ હાથમાં લીધું, પછી શુક્રાચાર્ય એક નાનકડું રૂપ ધારણ કરીને કમંડળના મુખ્ય બિંદુ પર બેસી ગયા, જેથી કમંડળમાંથી પાણી ન નીકળે અને રાજા બલિ સંકલ્પ ન લઈ શકે.
વામન દેવ શુક્રાચાર્યની યોજના સમજી ગયા , તેમણે તરત જ એક પાતળી લાકડી કમંડળમાં નાખી દીધી, જેના કારણે અંદર બેઠેલા શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગયી અને શુક્રાચાર્ય તરત જ કમંડળમાંથી બહાર આવી ગયા. ત્યાર બાદ બલિ રાજાએ વામન દેવને 3 પગ મૂકી શકાય તેટલી જમીન આપવાનો સંકલ્પ લીધો.
બલી રાજાએ સંકલ્પ લીધા બાદ વામન દેવે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, અને એક પગ પૃથ્વી પર અને બીજો પગ સ્વર્ગ પર મુક્યો. ત્યારબાદ બલિ રાજાને પૂછ્યું કે હવે ત્રીજો પગ ક્યાં મુકું? આ સાંભળીને જ બલિ રાજાનો અહંકાર તૂટી ગયો. ત્યારે બલિ રાજાએ કહ્યું કે તમે ત્રીજો પગ તમે મારા મસ્તિષ્ક પર રાખી શકો છો. બલિની દાન કરવાની વીરતા જોઈને વામન દેવ પ્રસન્ન થયા અને બલિને પાતાળ લોકના રાજા બનાવ્યા.
શીખ:-
આ પ્રસંગથી એ શીખ મળે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ સારું કામ કરે છે ત્યારે તેને રોકવું જોઈએ નહીં. આ કથામાં શુક્રાચાર્ય રાજા બલિને દાન કરતા રોકી રહ્યા હતા, જેના કારણે તેમણે પોતાની એક આંખ ગુમાવવી પડી હતી. જ્યારે આપણે કોઈને સારા કામ કરતા અટકાવીએ છીએ, ત્યારે આપણી સમસ્યાઓ વધી જાય છે. સત્કર્મ કરવું એ પણ પૂજા કરવા જેવું છે. આપણે પણ સારા કાર્યો કરતા રહેવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.