તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • The Deep Essence Of The Worship Of Shakti, The Instinct Of The Senses Like Mahish Can Be Conquered Only Through The Worship Of Shakti

નવરાત્રિ વિશેષ:શક્તિની આરાધનાનો ઊંડો મર્મ, મહિષ સમાન ઈન્દ્રિયોની વૃત્તિ પર શક્તિની આરાધના થકી જ વિજય મેળવી શકાય: મહંત સ્વામી

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂજ્ય મહંત સ્વામીએ નોરતામાં પહેલીવાર વાચકો માટે શક્તિપર્વનું ચિંતન રજૂ કરતા કહ્યું કે, પરમાત્માની દિવ્ય શક્તિની આરાધના કરવાનો અવસર એટલે ‘નવરાત્રિ’. આ દિવ્ય શક્તિને અંબા, અંબિકા કે ભવાની કે દુર્ગા તરીકે પૂજીએ છીએ. નવરાત્રિના નવ દિવસના ઉપવાસો દ્વારા લાખો ભક્તો શક્તિની આરાધના કરે છે. પુરાણોની કથા પ્રસિદ્ધ છે કે દુર્ગાદેવીએ અઢાર ભુજા ધારણ કરીને નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું. દસમે દિવસે દેવીએ મહિષાસુરનો વધ કર્યો અને સર્વત્ર શાંતિ સ્થાપી. શક્તિની આ કથા યુગોથી ભારતમાં પ્રચલિત છે. દિવ્ય શક્તિ સ્વરૂપ દુર્ગામાતાના આ યુદ્ધનો સમય નવરાત્રિ તરીકે અને વિજયનો દિવસ વિજયાદશમી તરીકે આપણે સૌ ઊજવીએ છીએ. વિજયાદશમી સાથે ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણ પર મેળવેલા વિજયની કથા સંકળાયેલી છે.

નવરાત્રિના નવ દિવસ એટલે જ શક્તિની આરાધના કરવામાં આવે છે. તેની પાછળ ઘણો ઊંડો આધ્યાત્મિક મર્મ પણ છે. મહિષાસુર એટલે પાડા જેવો અસુર. મનુષ્યની ઇન્દ્રિયોની વૃત્તિને પણ મહિષ તુલ્ય ગણવામાં આવી છે, જે લગામરહિત અને સંયમહીન બનીને માનવીને અહીં તહીં ગમે ત્યાં ભટકાવે છે અને અંતે તેનો વિનાશ કરે છે. આવી પ્રબળ ઇન્દ્રિયોની મહિષ જેવી વૃત્તિને જીતવાનું બહુ જ કઠિન છે. જેણે ભગવાનની દિવ્ય શક્તિનો સાથ લીધો તે ઇન્દ્રિયોની વૃત્તિઓ પર વિજયી બન્યા. ઇન્દ્રિયો પર વિજય મેળવવો હોય તો આ દિવ્ય શક્તિની આરાધનાથી જ તે જીતી શકાય છે. અને જે ઇન્દ્રિયોની વૃત્તિઓ પર જીત મેળવી છે, તેનો આત્મા દિવ્ય શક્તિવાન બને છે. આ છે ખરું શક્તિનું પર્વ. આ છે નવરાત્રિના પર્વનો આધ્યાત્મિક મર્મ.

પૂર્વે નવ દિવસ અને નવરાત્રિનું વ્રત કરનાર સાધકો શક્તિની આરાધના કરવા માટે શક્તિના મહિમાગાન સાથે મંત્રોચ્ચાર કરી ભક્તિ કરતા, અને સાથે સાથે ભક્તિના આનંદની સાત્ત્વિક અભિવ્યક્તિ રાસ, ગરબા કે નૃત્ય દ્વારા વ્યક્ત કરતા. જેમાંથી ગામોગામ અને ગલીએ ગલીએ એ પરંપરા વિસ્તરતી રહી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સૌ કોઈ જુએ છે કે આ ભક્તિની સાથે અમુક લોકો વિકૃતિ તરફ વળી ગયા. પરિણામે અમુક વર્ગમાં હૃદયની સાચી ભક્તિથી માતાજીને પ્રસન્ન કરવાને બદલે સ્વચ્છંદતા અને સ્વેચ્છાચારે સ્થાન લઈ લીધું. નવરાત્રિના નવ દિવસ શ્રદ્ધાની શક્તિ દૃઢ કરીને જાત પર વિજય મેળવવાને બદલે અમુક લોકોએ ઉત્સવને નામે નવરાત્રિના આ અસલ મર્મને વિસરાવી દીધો છે.

પરમાત્માની શક્તિ પૂજવાના આ ઉત્સવને આપણે વિકૃતિમાં ન ફેરવી નાખીએ એ જ સૌની અપેક્ષા છે. તો જરૂર વિજય થશે. મહાભારતમાં વારંવાર એક વાક્ય કહેવાયું છેઃ ‘યતો ધર્મસ્તતો જયઃ’ જ્યાં ધર્મ છે ત્યાં જય છે. અને જ્યાં ભગવાન છે ત્યાં ધર્મ છે. ધર્મ એટલે સદાચાર. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સદાચાર એ જ ધર્મ એમ વ્યાખ્યા કરી છે. જ્યાં સદાચાર હોય ત્યાં ભગવાન અને દિવ્ય શક્તિ હાજર હોય. અને જ્યાં એ હાજર હોય ત્યાં વિજય હોય જ. જેમણે જેમણે સદાચારના પાલન રૂપ ધર્મનું પાલન કર્યું છે એમને ભગવાનની શક્તિનો અને વિજયનો અનુભવ થયો છે.

યુદ્ધ મહારથી ચર્ચિલે પણ બીજા વિશ્વયુદ્ધ વખતે હતાશ થઈ પ્રાર્થનાનો આશરો લીધો હતો. તો ગાંધીજીએ પણ ટોલ્સટોયને પત્ર લખીને પુછાવ્યું કે ‘ભારતને સ્વતંત્ર કરવા શો ઉપાય કરીએ ?’ ટોલ્સટોયે લખ્યું કે ‘તમે તમારા ધર્મનું શરણું સ્વીકારો. દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જે ધર્મના માધ્યમથી હલ ન થઈ શકે. ધર્મ એ જ બળ છે.’ આપણે પણ ધર્મના, ભક્તિના, શ્રદ્ધાના માધ્યમથી શક્તિ મેળવીએ અને સાચા અર્થમાં બારેય મહિના સાચા અર્થમાં શક્તિનું પર્વ ઊજવીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો