• Gujarati News
  • Dharm darshan
  • Shiva Appeared To Kill The Demon Daruka, But The Demon Daruka Being A Devotee Of Parvati, The Area Came To Be Known As 'Darukavan'.

30 દિવસ, 30 શિવમંદિર:દારૂક નામના રાક્ષસને મારવા શિવ પ્રગટ થયા, પણ દારૂકા નામની રાક્ષસી પાર્વતીની ભક્ત હોવાથી આ વિસ્તાર 'દારૂકાવન'થી ઓળખાવા લાગ્યો

11 દિવસ પહેલા
  • નાગેશ્વર મંદિરના પટાંગણમાં શિવજી ધ્યાનમાં બેઠા હોય તેવી 75 ફૂટ ઊંચી ભવ્ય પ્રતીમા છે

દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં આઠમા જ્યોતિર્લિંગ તરીકે નાગેશ્વરનું નામ લેવાય છે. 'નાગેશં દારૂકા વને...' દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં દારૂકા વનનો ઉલ્લેખ છે અને તેની સાથે જોડાયેલી છે નાગેશ્વર મહાદેવની ગાથા. કૃષ્ણ નગરી દ્વારકાથી 17 કિલોમીટર દૂર નાગેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિર મોટું છે, પટાંગણ પણ વિશાળ છે. મંદિરના પટાંગણમાં શિવજી ધ્યાનમાં બેઠા હોય તેવી 75 ફૂટ ઊંચી ભવ્ય પ્રતીમા છે.

શું છે પૌરાણિક કથા
શિવ મહાપુરાણમાં નાગેશ્વર મહાદેવ સાથે સંકળાયેલી કથા છે. ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે દારૂક નામના રાક્ષસનું રાજ હતું અને તેણે સમુદ્ર પાસે વન ઊભું કર્યું હતું. જે દૈત્યવનથી ઓળખાતું હતું. દારૂક રાક્ષસ લોકોને ત્રાસ આપતો અને બંદી બનાવીને સમુદ્રની નીચે વસાવેલા નગરમાં કેદ કરી રાખતો. તેણે જે એકવાર એક ભક્તોના સમૂહને કેદ કરી સમુદ્રની નીચેના નગરમાં બંદી બનાવ્યાં. આ ભક્તોમાં એક સુપ્રિયા નામની પરમ શિવભક્ત હતી. તેમણે બીજા કેદીઓને સમજાવ્યા કે આ દારૂક રાક્ષસથી ગભરાવાની જરૂર નથી. આપણે સાથે મળીને 'ઓમ નમ: શિવાય' મંત્રના જાપ કરીએ. મને મારા શિવજી ઉપર પૂરો વિશ્વાસ છે. તે આપણને આ રાક્ષસની કેદમાંથી મુક્તિ અપાવશે. બધા કેદીઓ એકસાથે શિવજીનો મંત્ર જાપ કરવા લાગ્યા. ભગવાન શિવ ગળામાં ફૂંફાડા મારતા નાગ સાથે પ્રગટ થયા. તેમની ભૂજાઓમાં પણ સાપ વીંટાયેલા હતા. આ વિકરાળરૂપ જોઈ બીજા અસુરો નાસી ગયા અને દારૂકનો વધ કર્યો. તમામ કેદીઓ મુક્ત બન્યા. સુપ્રિયા અને અન્ય ભક્તોની વિનંતીથી શિવજી જ્યોતિરૂપે આ વનમાં નાગેશ્વર રૂપે બિરાજ્યા.
દારૂક રાક્ષસની પત્ની દારૂકા પાર્વતી ભક્ત હતી
દારૂક રાક્ષસનો વધ થયો પણ તેની પત્ની દારૂકા રાક્ષસી જીવિત હતી. પણ, દારૂકામાં આસુરી વૃત્તિ નહોતી. તે પાર્વતીની પરમ ભક્ત હતી. તે તેના પતિ દ્વારા લોકો પર થતા અત્યાચારનો પણ વિરોધ કરતી. પાર્વતી પ્રસન્ન થયાં ત્યારે દારૂકાએ સર્વજનોનું હિત થાય તેવા આશીર્વાદ માંગ્યા. પાર્વતીએ આશિષ આપ્યા અને કહ્યું કે, હવેથી આ વન સાથે તારૂં નામ જોડાશે. ત્યારથી આ જગ્યા દારૂકા વનથી ઓળખાવા લાગી.

ભગવાન કૃષ્ણે કર્યો હતો રૂદ્રાભિષેક
દ્વારકા નગરીની રચના થઈ ત્યારે ભગવાન કૃષ્ણે પણ નગરીની સ્થાપના પૂર્વે નાગેશ્વર મહાદેવ પર રૂદ્રાભિષેક કર્યો હતો. જો કે આ વાયકા છે તેનો પુરાણમાં ઉલ્લેખ મળતો નથી. દ્વારકા નગરીથી 17 કિલોમીટર દૂર નાગેશ્વર મંદિર છે. આમ તો મંદિરની બહાર વિશેષ મોટી બજાર નથી. ખાણી-પીણીના સ્ટોલ છે. રિક્ષા અને બસ સ્ટેન્ડ છે. ત્યાં જવા માટે સીંગલપટ્ટી રોડ છે. અહીંયા આસપાસ કોઈ હોટેલ નથી. રાત્રિ રોકાણ તો દ્વારકા જ કરવું પડે. દ્વારકાથી રિક્ષા, ટેક્સી આસાનીથી મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...