તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રિ સ્પેશિયલ:નોરતાનાં ઢોલ ખરીદી લાવવાના ધખારા!

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: મન્નુ શેખચલ્લી
  • કૉપી લિંક
  • સૌથી પહેલા તો ફાળો ઉઘરાવવા ટોળું નીકળે, ‘ના ના માસી, દસ રૂપિયા તો ચાલશે જ નહીં...’

આ વખતની નવરાત્રિ તો ‘વર્ક ફ્રોમ હૉમ’ની જેમ ‘ડાન્સ ફ્રોમ હૉમ’ બની ગઈ છે! આવો ‘ઘેરબેઠાં ગરબા રમો’ ટાઇપની જ્યાં સ્કીમ ચાલી રહી હોય ત્યાં આપણને વીતેલાં વરસોની નવરાત્રિઓ જ યાદ આવે ને....જેને આપણે ‘પેન-ડ્રાઇવ યુગ’ અથવા ‘કેસેટ પ્લેયર કાળ’ પહેલાંનો ‘માઇક-ઢોલ કાળખંડ’ કહીએ છીએ એ જમાનામાં લોકો સીધા સાદા માઇક ઉપર રાગડા તાણીને બાજુમાં એક સીધું સાદું ઢોલ વગાડીને જ ગરબા રમતા હતા. આમાં ઢોલ ખરીદવા જવાનો જે મહિમા હતો તેની વાત જ અનોખી હતી.

સૌથી પહેલા તો નોરતાંના દસ-બાર દિવસ અગાઉથી સોસાયટીમાં ઘેર ઘેર ફરીને ફાળો ઉઘરાવવાનું ઉત્સાહી ટોળું નીકળે. ‘ના ના માસી, દસ રૂપિયા તો ચાલશે જ નહીં. ઘરમાલિક હોય એણે મિનિમમ એકાવન અને ભાડુઆતે એકવીસ આપવાના જ છે..’ આવી લમણાંઝીકો કરી કરીને માઇક, ‘ફોક્સ લાઇટ’, મંડપ, મંજીરાં અને ઢોલનો ખર્ચો ભેગો કરવામાં આવતો. મૂળ તો ફાળો ઉઘરાવવામાં જ દિવસો વીતી ગયા હોય એટલે છેક છેલ્લે દહાડે સોસાયટીના ચાર ઘેલસધરાને થાય કે ‘હેંડો અલ્યા, ડબગરવાડમાં જઈને નવું ઢોલ લઈ આઇયે!’

ડબગરવાડ એટલે અમદાવાદની એ પ્રખ્યાત ગલી જ્યાં ‘ઓરકેશ્ટ્રાવાળા’ કલાકારો માટે ઢોલ, તબલાં, નરઘાં, ડ્રમ્સ વગેરે વેચાતાં મળતાં હતાં. જોવાની વાત દર વખતે એ થતી કે પ્રોફેશનલ મંડળીઓ તો નોરતાંના પંદર દહાડા પહેલાં અહીં અગાઉથી આપેલા ઓર્ડર મુજબ જાતે જોઈ વગાડીને ઢોલ ખરીદી જતા હતા પણ સોસાયટીવાળા ઘેલાઓ છેલ્લા દહાડે જ અહીં આવે! એક તો ઢોલમાં સાંધાની યે સુઝ પડતી ના હોય છતાં ‘આ કેટલાનું?’ ‘આમાં બીજું શું શું આવે?’ ‘વગાડીને બતાડોને!’ ‘કેટલા વરસની ગેરંટી?’ ‘ફાટી તો નહીં જાયને?’ એવા સત્તર સવાલો પૂછવાના પણ ઢોલ શી રીતે વગાડવો એ કોઈને ના આવડતું હોય! છતાંય, એકાદ ચાંપલો દુકાનના ઓટલે પગની આંટી વાળીને બેસે અને ‘મેરે મનકી ગંગા, ઔર તેરે મનકી જમુના કા...’ એવા કોઈ ફિલ્મી ગાયનના ઢાળ ઉપર નંદુ ભગતે જે ભજન બનાવ્યું હોય તેનો ઠેકો પોતાના દોસ્તારોને વગાડી બતાડે!

ડબગરવાડના દુકાનદારો તો જાણતા જ હોય કે તલમાં કેટલું તેલ છે, છતાં ‘મસ્ત વગાડો છો, હોં!’ એવો મસકો મારીને ઢોલની કિંમતમાં વીસ રૂપિયા વધારાના ઠોકી લેતા. ઉત્સાહી જુવાનિયાઓ ઢોલ ‘વહોરીને’ પાછા આવે પછી વારાફરતી એક એક જણ પોતાનો હાથ સાફ એ રીતે કરવા આવી પહોંચે કે જાણે કોઈનું પાકિટ ચોરતાં પાકિટમાર પકડાયો હોય અને આવતા જતા સૌ કોઈ બે-ચાર ધોલધપાટ મારી લેતા હોય! એમાંય વળી, અમુક દોઢ ડાહ્યા ઢોલ ઉપર રાસ રમવાનો જાડો દાંડિયો પીટીને ‘વૉલ્યુમ ચેક’ કરતો હોય! બીજા અમુક સોસાયટીમાં ઉગેલા લીમડાની ડાળી તાત્કાલિક તોડીને એમાંથી દાંડી બનાવીને ટ્રાય કરી જુએ!

પહેલાં નોરતે તો ઢોલ બરોબર વાગે પણ બીજા-ત્રીજા નોરતે એનો અવાજ સાવ બોદો થઈ જાય! ‘સાલું શું થયું? પેલા દુકાનવાળાએ બોગસ માલ પધરાવ્યો?’ એવી શંકાઓ વચ્ચે કોઈને યાદ આવે કે બાજુની સોસાયટીમાં ફલાણાભાઈ જરા કલાકાર ટાઇપ છે. એમને બતાડો ને? છેવટે એ ભાઈ આવે, ડૉક્ટરની જેમ ઢોલ ઉપર ટકોરા મારે...અને છેવટે ઢોલનાં ચામડાં સાથે બાંધેલી દોરીઓ ખેંચીને ટાઇટ કરે...પછી પગ વચ્ચે ઢોલ ગોઠવીને થાપ મારે...ત્યારે ‘ધબધબ’ અને ‘થપથપ’ અવાજ કરતો ઢીલો ઢોલ ‘ધ્રિબાંગ ધ્રિબાંગ’ અને ‘ત્રમ ત્રમ’ કરતો થઈ જાય! - તમે એ જમાનાના વડીલોને પૂછી જોજો, એમાંથી મોટાભાગના ડબગરવાડના એક્સપર્ટ નીકળશે! email: mannu41955@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો