મહાભારતમાં અર્જુનના કારણે ખાંડવ જંગલમાં આગ લાગી હતી. તે સમયે મયાસુરે નામનો રાક્ષસ જંગલની આગમાં બળી જવાનો હતો અને અર્જુને તેનો જીવ બચાવ્યો હતો.મયાસુરે અર્જુનને કહ્યું હતું કે, 'તેં મને જંગલની આગથી બચાવ્યો છે, આ ઉપકારના બદલામાં મને કહે, હું તારા માટે શું કરી શકું?
અર્જુને કહ્યું, 'તમે મને આટલી વાત કરી છે, તે મારા માટે ઉપકારનો પુરસ્કાર જ છે. હવે તમે જઈ શકો છો અને આ પ્રેમ હંમેશા મારી માટે રાખી શકો છો.'મયાસુરે કહ્યું, 'હું રાક્ષસોનો વિશ્વકર્મા છું. હું કારીગરી વિશે જાણકાર છું. હું અદ્ભુત નિર્માણ કરું છું. મારે તમારી થોડી સેવા કરવી છે.'
અર્જુને સ્પષ્ટ ના પાડી અને કહ્યું, 'મારે તમારી પાસેથી કોઈ સેવા જોઈતી નથી. જો તમારે સેવા કરવી હોય તો શ્રી કૃષ્ણને પૂછો, તેમના માટે કોઈ કામ હોય તો કરો.' અર્જુનને વિચાર્યું કે, શ્રી કૃષ્ણ પણ ના પાડી દેશે, પરંતુ શ્રી કૃષ્ણ દૂરદ્રષ્ટિ રાખીને કોઈપણ નિર્ણય લેતા હતા. શ્રી કૃષ્ણએ મયાસુરને કહ્યું હતું કે, 'તમારે પાંડવોના મોટા ભાઈ ધર્મરાજા યુધિષ્ઠિર માટે સભામંડપ બનાવવો જોઈએ. સભા મંડપને એવો બનાવવો કે જે જોશે તે આશ્ચર્યચકિત થઈ જશે.'
મયાસુરે યુધિષ્ઠિર સાથે વાત કરી અને તેણે એક અદ્ભુત સભામંડપ બનાવ્યો. ત્યારે અર્જુન સમજી ગયો કે શ્રી કૃષ્ણ કેટલા આગળ વિચારે છે. તે સભામંડપમાંથી વિશ્વને પાંડવોની શક્તિ વિશે ખબર પડી અને પાંડવોને રહેવા માટે એક સુંદર મહેલ પણ મળી ગયો હતો.
બોધ
વિદ્વાન લોકોની વિશેષતા એ છે કે તેઓ જે પણ નિર્ણય લે છે તેમાં ભવિષ્ય જુએ છે. સમય બદલાતા વાર નથી લગતી, તેથી વ્યક્તિએ ભૂતકાળમાંથી શીખવું જોઈએ અને વર્તમાન માટે સજાગ રહેવું જોઈએ અને ભવિષ્ય પર નજર રાખવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.