હિંદુ ધર્મમાં માઘ મહિનાને પવિત્રતાનો મહિનો કહેવામાં આવે છે, તેથી આ સમગ્ર મહિનામાં ઉપવાસ અને શુદ્ધિકરણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એકાદશી વ્રતને તમામ ઉપવાસોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક મહિનામાં બે એકાદશી આવે છે. જયા એકાદશી મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. જે આ વર્ષે 1 ફેબ્રુઆરીએ આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, એકાદશીને લઇને એક માન્યતા અનુસાર જે કોઈ આ દિવસે વ્રત રાખે છે, અને ભક્તિ-ભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તે વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ એકાદશીને દક્ષિણ ભારતમાં 'ભૂમિ એકાદશી' અને 'ભીષ્મ એકાદશી' તરીકે ઓળખવામાં આવે છે.
એકાદશીની સાથે સર્વાથ સિદ્ધિ યોગ હોવાથી વિષ્ણુપૂજાનું મહત્ત્વ
જયા એકાદશીનું વ્રત 01 ફેબ્રુઆરી 2023, બુધવારના રોજ કરવામાં આવશે. જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને ફૂલ, પાણી, અક્ષત અને વિશેષ સુગંધિત પદાર્થો અર્પણ કરવા જોઈએ.
જયા એકાદશીનો શુભ સમય
હિંદુ કેલેન્ડર મુજબ, જયા એકાદશી 31 જાન્યુઆરી, 2023 ના રોજ રાત્રે 11:53 વાગ્યે શરૂ થશે અને 01 ફેબ્રુઆરી, 2023 ના રોજ બપોરે 02:01 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, જયા એકાદશી 01 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.
જયા એકાદશી પારણા - 02 ફેબ્રુઆરી 2023, સવારે 07:09 થી 09:19 સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ - 1 ફેબ્રુઆરી સવારે 07:10 થી 2 ફેબ્રુઆરી મધ્યરાત્રિ 03:23
જયા એકાદશીની પૂજાવિધિ
આ દિવસે વહેલી સવારે સ્નાન કરો અને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની ભાવપૂર્વક પૂજા-અર્ચના કરો. અગરબત્તી-દીપ પ્રગટાવી ભગવાન વિષ્ણુને પીળું ચંદન ચઢાવો.વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. જો શક્ય હોય તો,એકાદશીની રાત્રે જાગરણ કરો અને મનમાં હરિના નામનો જાપ કરો. આ સાથે દ્વાદશીના દિવસે જરૂરિયાતમંદ અને બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન-દક્ષિણા આપો.
જયા એકાદશી પર શું કરવું
જયા એકાદશી વ્રત કથા
ઈન્દ્રની સભામાં ઉત્સવ ચાલી રહ્યો હતો. ઉત્સવમાં દેવગણ, સંતો, દિવ્યપુરુષો સૌ હાજર રહ્યા હતા. તે સમયે ગાંધર્વ ગીતો ગાતા હતા અને ગાંધર્વ કન્યાઓ નૃત્ય કરી રહી હતી. આ ગાંધર્વોમાં માલ્યવન નામનો એક ગાંધર્વ પણ હતો જે ખૂબ જ મધુર ગીતો ગાતો હતો. તેનો અવાજ જેટલો મધુર હતો તેટલો જ તેનું સ્વરૂપ સુંદર હતું. બીજી બાજુ, ગાંધર્વ કન્યાઓમાં પુષ્યવતી નામની એક સુંદર નૃત્યાંગના પણ હતી. એકબીજાને જોઈને પુષ્યવતી અને માલ્યવન હોશ ગુમાવી બેસે છે અને તેમની લયથી ભટકી જાય છે. દેવરાજ ઈન્દ્ર તેના કૃત્યથી ગુસ્સે થઈ જાય છે અને તેને શ્રાપ આપે છે કે સ્વર્ગથી વંચિત થયા પછી તે મૃત્યુની દુનિયામાં પિશાચની જેમ જીવશે.
શ્રાપની અસરથી બંને ભૂત યોનિમાં ગયા અને કષ્ટ ભોગવવા લાગ્યા. પિશાચી જીવન ખૂબ જ પીડાદાયક હતું. બંને ખૂબ દુઃખી હતા. એક સમયે માઘ માસમાં શુક્લ પક્ષની એકાદશીનો દિવસ હતો. આખા દિવસમાં બંનેએ એક જ વાર ફળ ખાધું હતું. રાત્રે ભગવાનને પ્રાર્થના કરી, તેમના કાર્ય માટે પસ્તાવો પણ કરી રહ્યા હતા. અને સવાર સુધીમાં બંનેના મોત થઇ ગયા. અજાણતા, પરંતુ તેમણે એકાદશીનું વ્રત કર્યું અને વ્રતની અસરથી તેમને દુષ્ટ યોનિમાંથી મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં પાછા ફર્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.