• Gujarati News
  • Dharm darshan
  • If You Want To Be Happy, Write Down These Three Formulas, Bapu Spoke Specially For Young Brothers And Sisters

મોર્નિંગ મોટિવેશન વિથ મોરારિબાપુ:સુખી થવું હોય તો આ ત્રણ સૂત્ર નોંધી લો, બાપુએ યુવાન ભાઈબહેનો માટે ખાસ વાત કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજકાલ લોકો નાની-નાની વાતોમાં નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, ભયભીત થઈ જાય છે, હિંમત હારી જાય છે અને થાકીને બેસી જાય છે. સવારે આંખ ઊઘડતાંની સાથે જ નકારાત્મક વિચારો માનવીને ઘેરી લે છે. મારાથી આ કેમ થશે?, હું કરી શકીશ કે નહીં?, સફળતા નહીં મળે તો? વગેરે વગેરે... ચિંતામાં જ શરૂ થતો દિવસ ચિંતામાં જ પૂરો થાય છે અને આમ જ વર્ષોનાં વર્ષ અને જિંદગી વીતી જાય છે.

પરીક્ષામાં નાપાસ થવું કે નબળું પરિણામ આવવું, બિઝનેસમાં નિષ્ફળતા મળવી, ઈચ્છા મુજબ ન થવું, ધાર્યું કામ પાર ન પડવું કે જરૂરિયાતો પૂરી ન થવી એ સહજ છે. પણ આવું તો કોને વિચારવું છે! અમારે તો ઈન્સ્ટન્ટ જોઈએ છે, જરાય ધીરજ રાખવી નથી. વગર મહેનતે જોઈએ છે, બીજો પ્રયત્ન જ કરવો નથી. સફળ થવું છે પણ ન સંઘર્ષ કરવો નથી. બસ, નાનીઅમથી મુશ્કેલી આવી નથી કે હતાશ થયા નથી, પછી સામે ઝઝૂમવાની તો વાત જ શું? આવી સ્થિતિમાં જરા પણ વિચાર કર્યા વિના અવળું પગલું ભરી લેવું એ સામાન્ય થઈ ગયું છે. ઉંમરનો એક પડાવ પાર કરી ચૂકેલા લોકો તો ઠીક પણ યુવાઓ અને યુવાનીના ઊંબરે ઊભેલા નવલોહિયાઓની પણ આ જ મૂંઝવણ છે. કોઈનામાં નથી આત્મવિશ્વાસ કે નથી ઈશવિશ્વાસ. જીવનના દરેક ક્ષેત્રમાં તેની વિપરીત અસરો થઈ રહી છે. અરે, આજે તો સંબંધો જેવા સંબંધોય એમાંથી બાકાત રહ્યા નથી.

ડર, ગુસ્સો, ઉદાસીનતા, શંકા-કુશંકા અને આધિ-વ્યાધિ જેવી સ્વરચિત જાળમાં ફસાયેલો માણસ બેઠો કેમ થાય? આવા મરેલા મનના માણસને શું જોઈએ? ઓબ્વિયસલી મોટિવેશન. આ જ પ્રયાસના ભાગ રૂપે દિવ્ય ભાસ્કરે 'મોર્નિંગ મોટિવેશન વિથ મોરારિબાપુ' નામની ડેઈલી સિરીઝ શરૂ કરી છે. આ સિરીઝ અંતર્ગત તમે બાપુની પ્રેરકવાણીને ઓડિયો પોડકાસ્ટ રૂપે માણી શકો છે. બાપુની વાણી હતોત્સાહીમાં ઊર્જાનો સંચાર કરી શકે છે. સફળ થવા માટે શોર્ટકટ ન બતાવતાં સક્ષમ બનવા કટિબદ્ધ બનાવે છે. આવા ઈન્ટરેસ્ટિંગ, ઈન્સ્પિરેશનલ અને મોટિવેશનલ પોડકાસ્ટ દિવ્ય ભાસ્કર એપના હોમપેજ પર રોજ સવારે 6-30 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને ધર્મદર્શન વિભાગમાં દિવસભર માણી શકો છો.

આજના પોડકાસ્ટમાં મોરારિબાપુ ખાસ કરીને યુવાન ભાઈબહેનો માટે સત્યની વાત કરે છે. બાપુ કહે છે કે, યુવાઓ ત્રણ પ્રકારના સત્ય સ્વીકારતાં શીખી જાય તો તેનો બેડો પાર થઈ જાય. એક, પ્રાણ સંકટ આવે તો પણ પ્રિય સત્ય ઉચ્ચારવું જોઈએ. બીજું, કડવામાં કડવું સત્ય સ્વીકારવું જોઈએ. ત્રીજું, સત્ય પ્રિય હોય કે કડવું બન્નેને સહન કરવું જોઈએ. આ માટે તેઓ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનું પણ દૃષ્ટાંત આપે છે. બાપુ કહે છે કે, માત્ર માળા કરવી અને મૂર્તિની સામે બેસી રહેવું જ મહત્ત્વનું નથી, પણ જો આ વાત જીવનમાં ઉતારવામાં આવે તો એ જ સૌથી શ્રેષ્ઠ ભજન છે. તો આવો માણીએ આજનું પોડકાસ્ટ.

અન્ય સમાચારો પણ છે...