જરૂરિયાતમંદ લોકોને જ દાન આપવું જોઈએ:નિઃસ્વાર્થ થઈને બીજાની ભલાઈ માટે કામ કરતાં રહીએ તો જીવનમાં સુખ-શાંતિ જરૂર મળે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાન-પુણ્ય કરવાની પરંપરા પ્રાચીન સમયથી જ ચાલતી આવે છે. આજે પણ ધાર્મિક સ્થળોની આસપાસ અને પોતાના ઘરની આસપાસ ઘણા લોકો દાન કરતાં હોય છે. દાન કરતી વખતે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ, દાન માત્ર જરૂરિયાતમંદ લોકોને અને એવી જગ્યાએ કરવું જોઈએ, જ્યાં આપણા દાનનો યોગ્ય ઉપયોગ થાય, આપણા દાનથી લોકોની ભલાઈ થઈ શકે. આ વાત આપણે એક લોક કથાથી સમજી શકીએ છીએ.

લોક કથા પ્રમાણે પ્રાચીન સમયમાં એક ધનિક ભગવાનની સેવા કરવા માટે રોજ રાત્રે ગામના મંદિરમાં અનેક દીવડાઓ પ્રગટાવતો હતો. એ ગામમાં એક નિર્ધન વ્યક્તિ હતો. તેના ઘરની પાસે એક ગલી હતી. રાત્રે એ ગલીમાં ખૂબ જ અંધારું રહેતું હતું, જે લોકો ત્યાંથી પસાર થતાં, તેમને અંધારામાં પત્થર દેખાતા ન હોવાથી તેમને ઠોકર લાગતી હતી. એટલા માટે એ ગરીબ વ્યક્તિએ રોજ રાત્રે ગલીમાં એક દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું. દીવાની રોશનીથી આવતાં-જતાં લોકોને ખૂબ જ રાહત મળતી હતી.

સંયોગથી ધનિક અને નિર્ધન વ્યક્તિનું મૃત્યુ એક સાથે થયું. બંનેની આત્માઓ સારા કર્મોને લીધે સ્વર્ગમાં પહોંચી, પરંતુ સ્વર્ગમાં ઊંચુ સ્થાન ગરીબ વ્યક્તિની આત્માને મળ્યું. આ જોઈને ધનિક વ્યક્તિની આત્માએ ભગવાનને કહ્યું કે ભગવાન મેં તો તમારા મંદિરમાં રોજ અનેક દીવડાઓ પ્રગટાવ્યાં હતાં, તેમ છતાં તમે આ ગરીબ વ્યક્તિને ઊંચું સ્થાન શા માટે આપ્યું?

ભગવાને તેને કહ્યું કે તમે બંને રોજ દીવા પ્રગટાવતાં હતાં, પરંતુ આ ગરીબ વ્યક્તિ એવી જગ્યાએ દીવો પ્રગટાવતો હતો, જ્યાં દીવાની સૌથી વધુ જરૂર હતી, આ કામ સ્વાર્થ વગર કરતો હતો. જ્યારે તું મંદિરમાં દીવો પ્રગટાવતો હતો અને તું ઈચ્છતો હતો કે લોકો તારા આ કામ બદલ તારી પ્રશંશા કરે. તું દેખાડો કરવા માટે મંદિરમાં દીવો પ્રગટાવતો હતો. જે કામ નિઃસ્વાર્થ ભાવથી કરવામાં આવે છે, તે અલસી પુણ્ય કહેવાય છે. ગરીબ વ્યક્તિના એક દીવાથી ગલીમાં રોશની થતી હતી, લોકોને રસ્તો સાફ દેખાતો હતો. આ વ્યક્તિના પુણ્ય કર્મમાં તેની નીયત બીજાની ભલાઈ કરવાની હતી. તેને લીધે જ તેને તારા કરતાં ઊંચું સ્થાન મળ્યું છે.

કથાની શીખઃ-

આપણે દાન-પુણ્ય એવા લોકોને અને એવી જગ્યાએ જ કરવું જોઈએ જ્યાં તેની સૌથી વધુ જરૂરિયાત હોય. ત્યારે જ તે દાન શુભ ફળ પ્રદાન કરે છે.