હનુમાનજીની શીખ:લક્ષ્ય મોટું હોય ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની યોજનાઓમાં ફેરફાર કરવો જરૂરી હોય તો, પાછળ ન હટો

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

યોજનાઓ પ્રમાણે કામ કરતી વખતે ઘણીવાર એવી સ્થિતિ પેદા થઈ જાય છે, જ્યારે પહેલેથી નક્કી કરેલી યોજનામાં ફેરફાર કરવો જરૂરી બની જાય છે. એવી સ્થિતિમાં યોજનામાં ફેરફાર કરવામાં પાછળ ન હટવું જોઈએ. આ વાત આપણે હનુમાનજી પાસેથી શીખી શકીએ છીએ.

રામાયણની એક ઘટના છે. પંચવટીમાંથી રાવણે સીતાનું હરણ કર્યું હતું અને શ્રીરામ-લક્ષ્મણ દેવી સીતાની શોધમાં આમ-તેમ ફરી રહ્યાં હતાં. શ્રીરામ-લક્ષ્મણ કિષ્કિંધા તરફ ગયા અને ઋષ્યમૂક પર્વત પાસે પહોંચી ગયાં. આ પર્વત પર જ સુગ્રીવ હનુમાનજી અને જામવંતની સાથે વાલિના ડરથી છુપાયાં હતાં. સુગ્રીવે પર્વત તરફ બે રાજકુમાર આવતા જોયાં. આ બે રાજકુમાર શ્રીરામ અને લક્ષ્મણ જ હતાં.​​​​​​​

સુગ્રીવે રાજકુમારોને જોઈને વિચાર્યું કે આ બંનેને વાલિએ મને મારવા માટે જ મોકલ્યાં હશે. સુગ્રીવે હનુમાનજીને કહ્યું કે તમે જઈને જુઓ કે આ બંને રાજકુમાર કોણ છે? તમે એક બ્રહ્મચારીનો વેશ ધારણ કરીને જાઓ અને આ બંનેની પરીક્ષા લો. જો આ બંને જણે વાલિને મોકલ્યા હોય તો મને ઈશારો કરી દેજો, તો આપણે અહીંથી ક્યાંક બીજે ભાગી જઈશું.​​​​​​​

હનુમાનજી સુગ્રીવની યોજના પ્રમાણે બ્રહ્મચારી નહીં, પણ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને બંને રાજકુમારોની સામે પહોંચી ગયાં

હનુમાનજીના રાજા સુગ્રીવે આદેશ આપ્યો હતો કે બ્રહ્મચારી બનીને જજો, પરંતુ હનુમાનજી બ્રાહ્મણનો વેશ ધારણ કરીને પહોંચ્યાં. અહીં હનુમાનજીનો આ નિર્ણય આપણે શીખ આપી રહ્યો છે કે જ્યારે પણ કોઈ મોટું કામ કરવું હોય ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ જરૂર કરવો જોઈએે. જો પરિસ્થિતિ યોજનાઓમાં ફેરફાર કરવાનો સંકેત આપી રહી હોય ત્યારે યોજનામાં ફેરફાર કરી લેવો જોઈએ. હેતુ પાર પાડવા યોજનામાં ફેરફાર કરવામાં પાછળ ન હટવું જોઈએ.

એ વખતે હનુમાનજી બે અજાણ્યા રાજકુમારોને મળવા જોઈ રહ્યાં હતાં. એ સમય એવો હતો જ્યારે બધા લોકો બ્રાહ્મણોને ખૂબ જ માન-સન્માન આપતાં હતાં. હનુમાનજીએ વિચાર્યું હતું કે જો તેઓ દુશ્મન હશે તો પણ બ્રાહ્મણને જોઈને એકદમ પ્રહાર તો નહીં જ કરે. એમ વિચારીને હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને શ્રીરામ-લક્ષ્મને મળવા ગયાં.

આ પ્રસંગમાં હનુમાનજીએ સમયને ધ્યાનમાં રાખીને પોતાની યોજનામાં ફેરફાર કર્યો અને આ ફેરફારને લીધે જ તેઓ શ્રીરામ-લક્ષ્મણની પરખ સરળતાથી કરી શક્યાં. ત્યારબાદ જ્યારે હનુમાનજી શ્રીરામને ઓળખી ગયાં ત્યારે તેઓ પોતાના અસલી રૂપમાં આવી ગયાં અને સુગ્રીવ સાથે શ્રીરામની મિત્રતા પણ કરાવી.​​​​​​​

પ્રસંગની શીખ

આ પ્રસંગમાં હનુમાનજીએ આપણને એ શીખ આપી છે કે કામ કરતી વખતે પહેલેથી નક્કી કરેલી યોજનાઓમાં ફેરફાર કરવો પડે તો પાછળ ન હટવું જોઈએ. સફળ થવા માટે જરૂર પડે તો ફેરફાર જરૂર કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...