અનંત ઊર્જા:વિચારોની શક્તિને જાણો, ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની કલમે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંકુચિત વિચારો આપણાં વિકાસમાં અવરોધક છે. સકારાત્મક વિચાર આપણી સુખ-સમૃદ્ધિ અને સામર્થ્યને મજબૂત બનાવે છે.
  • પરિસ્થિતિની પ્રતિકૂળતાની ચરમસીમા હોય છતાં પણ વ્યક્તિ જો સારા વિચારોની શક્તિથી સમૃદ્ધ છે તો તે આનંદિત રહી શકે છે. વિચારોમાં પ્રચંડ શક્તિ હોય છે
  • સકારાત્મક મનથી સ્થિતિ સુધરે છે

વર્ષ 2008ની આ વાત છે. ફ્રાન્સના પેરિસ શહેરમાં, એક હોટલમાં આયોજિત ટેક-કોન્ફરન્સમાં બે અમેરિકન મિત્રો ગયા. કોન્ફરન્સ પૂર્ણ થાય બાદ લગભગ સાડા નવ વાગે હોટલના લોન્જમાં આવ્યા ત્યારે ખબર પડી કે બહાર તો સખત હિમવર્ષા થઇ રહી છે. તેમણે જોયું કે લગભગ 40-45 માણસો ટેક્સીની રાહ જોઇને ઊભા હતા. પંદર વીસ મિનિટે એકાદ ટેક્સી માંડ આવતી, કારણ કે એ રોડ ઉપર ઘણી બધી હોટેલ અને રેસ્ટોરન્ટ હતી, એટલે શેરીમાં નવી ટેક્સી આવે કે તરત જ ઓક્યુપાય થઈ જતી. આ બે મિત્રોને બે અઢી કલાક પછી ટેક્સી મળે તેમ હતું. એટલે તેઓ ત્યાં રાહ જોતા બેઠા.

તેઓએ નોંધ્યું કે લોકો કંટાળ્યા હતા. રાહ જોવી એ ખૂબ જ કંટાળાજનક કામ છે. પરંતુ આ બે મિત્રોને લેશમાત્ર કંટાળો નહોતો. કારણ કે તેમના મનમાં કંઈક નવું કરવાના વિચારો, કંઈક સારું કરવાના વિચારો સતત ચાલુ હતા. તેના મનમાં સર્જનાત્મક વિચારોનો વંટાળ ઉમટ્યો હતો, “આ રીતે રાહ જોવામાં લોકોનો કેટલો બધો સમય બગડતો હશે. ટેક્સીમાં સફર કરનારાઓની સંખ્યા લાખોમાં હશે. એટલે રોજના લાખો માનવકલાક રાહ જોવામાં વેડફાઈ જાય છે. શું આપણે એવી કોઈ એપ બનાવી શકીએ કે, જે જેમાં કસ્ટમર પોતે જ ટેક્સી બોલાવી શકે અને એને નીકળવું હોય એની પંદર મિનિટ પહેલા બુક કરે તો એને સમયે ટેક્સી મળી જાય અને ટાઈમ ના બગડે? અત્યારે તો ઠીક છે. હોટલથી ઘરે જઈને સૂઈ જ જવાનું છે. પરંતુ, દિવસ દરમિયાન લોકોને ખરીદી હોય, ઓફિસની આવનજાવન હોય, કામ ધંધા માટે જવું હોય, તો કેટલી બધી તકલીફ પડતી જ હશે?”

આ વિચારના પરિપાકરૂપે એમણે એક મોબાઈલ એપ્લિકેશન બનાવવાનું નક્કી કર્યું. અમેરિકાથી પાછા ફરી કેલિફોર્નિયામાં મોબાઇલ એપ્લિકેશન બનાવી. પહેલાં ન્યૂયોર્કમાં ત્રણ ટેકસીથી ટેસ્ટીંગ કર્યું. પાયલોટ પ્રોજેક્ટ સક્સેસ ગયા પછી દસ ટેક્સીને આપી, પછી પચ્ચીસ ટેક્સીને... એમ કરતાં કરતાં લાખો લોકો એ એપ વાપરતા થયા. આજે વિશ્વના 66 દેશોના 30 લાખ લોકો રોજ એ એપ દ્વારા ટેક્સી બોલાવે છે. વાત છે Uber ટેક્સીની. જેમને આ વિચાર આવેલો એ હતા uberના ફાઉન્ડર્સ ટ્રાવિસ કેલેનિક તથા ગેરેટ કેમ્પ. આ બે મિત્રોએ એ રાત્રે પેરિસની હોટલમાં ટેક્સીની રાહ જોતાં જોતાં જે વિચારો કર્યા, તેમાંથી એક અબજો ડોલરની કંપનીનો જન્મ થયો. આપણે એની જગ્યાએ બેઠા હોત તો મોબાઇલ લઇને બેસી જઈએ કે લાવ બે પાંચ જણાને વૉટ્સએપ કરીએ, લાવ બે-પાંચ વિડિયો જોઈએ, બે-ચાર જોક્સ ફોરવર્ડ કરીએ. પણ આ બંનેએ એવું કંઈ ન કરતાં, સારા વિચારો કર્યા. સર્જનાત્મક વિચારો કર્યા.

વિચારમાં પ્રચંડ શક્તિ રહેલી છે. નકારાત્મક વિચારો માણસને નિરાશાની ઊંડી ખાઈમાં ધકેલી દે છે, જ્યારે સકારાત્મક અને સર્જનાત્મક વિચારો માણસને સફળતાના શિખરો સર કરાવે છે. મોળા વિચારો માણસને માનસિક રીતે વિકલાંગ બનાવી દે છે, જ્યારે તંદુરસ્ત વિચારો તેને ઊર્જાથી પરિપૂર્ણ રાખે છે. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો તેના મૂળમાં હતો એક વિચાર. આઈન્સ્ટાઈને વિજ્ઞાનના ક્ષેત્રમાં અભૂતપૂર્વ કાર્ય કર્યું એના મૂળમાં હતો બાળપણમાં અંકુરિત થયેલો એક વિચાર. તુકારામજી અને નરસિંહ મહેતા જેવા ભક્તો વિપરીત પરિસ્થિતિમાં પણ સુખી રહી શક્યે એના મૂળમાં પણ છે તેઓના સમૃદ્ધ વિચાર.

ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત ગ્રંથમાં આ વાત કરતા કહ્યું છે કે હંમેશાં સવળા વિચારોને ગ્રહણ કરવા અને અવળા વિચારોનો ત્યાગ કરવો. આપણા વિકાસનો અને આપણી પ્રગતિનો આધાર આપણા વિચારો જ છે. જાપાનીઝ કાર્પ માછલીની એક મુગ્ધ કરી દે તેવી વિશેષતા છે. જો તેને નાના કટોરામાં રાખવામાં આવે તો તે બે થી ત્રણ ઇંચની જેટલી જ વિકાસ પામશે. પણ તેને જો મોટી ટાંકીમાં મૂકવામાં આવે તો તે દસેક ઇંચ સુધી વિકાસ પામશે. પરંતુ જો તેને મોટા તળાવમાં મૂકવામાં આવે તો તે ત્રણ ફૂટ જેટલી વિકાસ પામશે. આપણું પણ આવું જ છે. આપણી દુનિયા કેવડી છે તેના પર આપણો વિકાસ નિર્ભર છે. સંકુચિત વિચારો આપણા વિકાસને રુંધે છે અને સવળા, સકારાત્મક વિચારો આપણને સુખ અને સમૃદ્ધિ આપે છે. માટે જ ઋગ્વેદમાં કહ્યું છે કે ‘આ નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ’ અર્થાત્ બધી જ દિશાઓમાંથી મને શુભ વિચારો પ્રાપ્ત થાય. તો ચાલો એવો પ્રયત્ન કરીએ, એવું વાંચીએ, એવું સાંભળીએ, એવું જોઈએ કે જે આપણામાં શુભ વિચારોનો સંચાર કરે અને આપણને અશુભ વિચારોથી દૂર રાખે.

અન્ય સમાચારો પણ છે...